બ્રિટનમાં મતદાન શરૂ : શુનકનું ભાવિ ત્રાજવે તોળાઈ રહ્યું છે

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
બ્રિટનમાં મતદાન શરૂ : શુનકનું ભાવિ ત્રાજવે તોળાઈ રહ્યું છે 1 - image


- બહુમતી માટે 326 સીટ મળવી અનિવાર્ય છે : કેર સ્ટારમરની લેબર પાર્ટી અત્યારે જોરમાં છે : જોકે તેને પ્રચંડ બહુમતીની આશા નથી

લંડન : બ્રિટનમાં આજે સવારે ૭.૦૦ વાગ્યાથી (સ્થાનિક સમય પ્રમાણે) મતદાન શરૂ થઈ ગયુ છે. પરંતુ વિશ્લેષકોના મતે ટોરી (કોર્ન્ઝવેટિવ) પાર્ટી અને તેના નેતા બ્રિટનના વર્તમાન વડાપ્રધાન ઋષિ શુનકનું ભાવિ ત્રાજવે તોળાઈ રહ્યું છે. શુનકની પાર્ટીને કટોકટની બહુમતી માટે ૩૨૬ બેઠકો મળવી અનિવાર્ય છે. પરંતુ ૪૪ વર્ષના શુનકની સામે ૬૧ વર્ષના કૈર સ્ટારમરની વ્હીગ (લેબર) પાર્ટી બહુમતી લઈ જઈ શકે તેમ છે. જોકે સ્ટારમર પણ સ્વીકારે છે કે તેમની પાર્ટીને પ્રચંડ બહુમતી મળવાની આશા નથી.

શુનકે તેના ૬ સપ્તાહના ચૂંટણી પ્રચારમાં સ્ટારમરની પાર્ટીની ટેક્ષ વધારવાની જાહેરાત સામે મતદારોને સતત ચેતવ્યા કર્યા હતા પરંતુ તે ચેતવણી બહુ કામીયાબ નીવડી નથી.

ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં બ્રિટિશ મતદારો ઉપરાંત ભારત સહિત કોમન વેલ્થ કંટ્રીઝના નોંધાયેલા મતદારો પણ મતાધિકાર ધરાવે છે.

સવારના ૭ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેવાનું છે જેમાં આસરે ૪ કરોડ ૬૫ લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેમ છે.

વાસ્તવમાં આ ચૂંટણીમાં વસાહતીઓનો જ મુદ્દો, મુખ્ય મુદ્દો બની રહ્યો છે. શુનક વધુ વસાહતીઓ કે શરણાર્થીઓને બ્રિટનમાં આવવા દેવાની વિરુદ્ધ છે. તેઓએ જ રઉન્ડામાંથી આવેલા શરણાર્થીઓને પાછા તેમના સ્વદેશ મોકલી દીધા હતા. આ ઉપરાંત બેટ્રીકસ (યુરોપીય યુનિયનમાંથી દૂર રહેવાનો) અને આર્થિક કટોકટી તેમજ યુક્રેન અને ગાઝા યુદ્ધ પછી મહત્વના મુદ્દાઓ છે. બ્રિટનની ૬૫૦ બેઠકોમાં બહુમતી માટે કોઈ પણ પક્ષને ઓછામાં ઓછી ૩૨૬ બેઠકો મળવી અનિવાર્ય છે. શુનક તે આંક સુધી પહોંચી શકશે કે કેમ તે શંકાસ્પદ છે. તેનું કારણ ઉક્ત મુદ્દાઓ છે.

આ પરિસ્થિતિમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન અને ટોરી નેતા બોરિસ જહોન્સને આ ચૂંટણી પ્રચારમાં ઝૂકાવી સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા. તેઓએ એક કાર્યક્રમમાં વ્હીગ (લેબર)ને પ્રચંડ બહુમતી મળતાં અટકાવવા માટે મતદારોને લેબરની ડાબેરી નીતિઓ સામે ચેતવતા ટોરીને જ મત આપવા મતદારોને અનુરોધ કર્યો હતો. નિરીક્ષકો આ મહત્વની ચૂંટણી ઉપર અત્યારે સતત નજર રાખી રહ્યા છે.


Google NewsGoogle News