‘...તો હું રાજીનામું આપવા તૈયાર’ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મોટી જાહેરાત
Russia-Ukraine War : યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી (Volodymyr Zelenskyy)એ રવિવારે જાહેરાત કરી છે કે, જો યુક્રેનના રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાથી દેશને નાટોની સભ્યતા મળતી હોય તો હું રાજીનામું આપવા તૈયાર છું. તેમણએ કહ્યું કે, જો રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાનો મતલબ નાટો (NATO)ની સભ્યતા મેળવવાનો છે, તો હું તાત્કાલીક પદ છોડી દઈશ.
નાટોની સભ્યતા માટે હું રાજીનામું આપવા તૈયાર : ઝેલેન્સ્કી
કીવમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘જો યુક્રેનમાં શાંતિ સ્થાપવી હોય અને ખરેખર તમારી ઈચ્છા હોય કે, હું પદ પરથી રાજીનામું દવ, તો હું તૈયાર છું. હું નાટો માટે આવું કરી શકું છું.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘જો જરૂર પડશે તો હું તાત્કાલીક રાજીનામું આપી દઈશ.’
યુદ્ધને આવતીકાલે ત્રણ વર્ષ પુરા થશે
ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન વચ્ચે 23 ફેબ્રુઆરી-2022ના રોજ યુદ્ધ શરુ થયું હતું, જેને આવતીકાલે ત્રણ વર્ષ થવાના છે. સતત ત્રણ વર્ષ ચાલેલા યુદ્ધમાં લાખો લોકો બેઘર થયા છે, અનેક લોકોના પરિવારો વિસ્થાપિત થયા છે. બંને દેશના સૈનિકો સહિત લગભગ ત્રણથી સાડા ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે આશરે પાંચ લાખથી વધુને ઈજા થઈ છે.
બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપનું ભયાનક યુદ્ધ એટલે રશિયા-યૂક્રેન યુદ્ધ
ત્રણ વર્ષથી ચાલી રહેલું આ યુદ્ધ છેલ્લાં 80 વર્ષમાં યુરોપમાં ખેલાયેલું સૌથી ઘાતક યુદ્ધ છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં આવી ભયાનક લડાઈ થઈ નથી. બીજા વિશ્વયુદ્ધ પછી મિડલ ઈસ્ટ સતત સળગ્યું છે. એ દેશો વચ્ચે યુદ્ધો થયા છે. એશિયામાં પણ ભારત-પાકિસ્તાન, ભારત-ચીન, પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધો થયા છે. પરંતુ યુરોપે વિશ્વયુદ્ધ બાદ આવું ભીષણ યુદ્ધ જોયું ન હતું. યુરોપના દેશોમાં સરેરાશ નાગરિકોને આ યુદ્ધ મોંઘું પડી રહ્યું છે. યુદ્ધના કારણે રશિયાની આયાત-નિકાસ પર પ્રતિબંધ છે એટલે તેમના પર સીધી અસર થઈ છે. ગેસથી લઈને કેટલીય ચીજવસ્તુઓના ભાવ બમણા ચૂકવવા પડે છે.
આ પણ વાંચો : અમેરિકાએ વધુ 12 ભારતીયોનો કર્યો દેશનિકાલ, ચોથુ પ્લેન દિલ્હી પહોંચ્યું