વધુ એક યુદ્ધ શાંત થવાની શક્યતા, ઝેલેન્સ્કી સીઝફાયર માટે તૈયાર પણ નાટો સમક્ષ મૂકી શરત
Russia-Ukraine War: ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વએ તબાહીના ઘણાં દ્રશ્યો જોયા છે અને હવે એવા સંકેતો છે કે આ યુદ્ધ શાંત થઈ રહ્યું છે. યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ યુદ્ધ વચ્ચે રશિયા સાથેના યુદ્ધવિરામ કરારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'અમે યુદ્ધવિરામ માટે તૈયાર છીએ.' જો કે આ માટે તેમણે નાટો દેશો સાથે યુદ્ધવિરામ કરારની શરત પણ મૂકી છે.
એક ઈન્ટરવ્યૂમાં યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ જણાવ્યુ હતું કે, 'જો યુક્રેન હેઠળના વિસ્તારને નાટો હેઠળ લેવામાં આવે છે, તો તે યુક્રેન અને રશિયા સાથે યુદ્ધવિરામ પર સમજૂતી પર પહોંચી શકે છે. જો રશિયા યુક્રેનના કબજા હેઠળના વિસ્તારોમાંથી પીછેહઠ ન કરે તો પણ નાટો યુક્રેનના બાકી રહેલા વિસ્તાર માટે સુરક્ષાની ખાતરી આપે તો સીઝફાયર થશે.'
ઝેલેન્સકીએ નાટો સામે મૂકી શરત મૂકી
યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, 'આ ભયંકર યુદ્ધનો અંત લાવવા માટે જરૂરી છે કે નાટો યુક્રેનના ખાલી ભાગોને સામેલ કરે અને યુક્રેનને નાટોમાં લેવાની ઓફર કરે. નાટોનું આમંત્રણ યુક્રેનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરહદોને માન્યતા આપે છે. જો યુદ્ધવિરામ થાય છે, તો રશિયાના કબજા હેઠળના પૂર્વીય ભાગો અત્યારે આવા કોઈપણ કરારથી બહાર રહેશે.
આ પણ વાંચો: સીરિયામાં ભયંકર ગૃહયુદ્ધના એંધાણ, બળાવખોરોનો એલેપ્પો શહેર પર કબજો, 200થી વધુનાં મોત
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'જો આપણે યુદ્ધના આ આક્રમક તબક્કાને રોકવા માંગીએ છીએ, તો અમારે યુક્રેનના એ વિસ્તારને નાટોની છત્રછાયા હેઠળ લાવવો પડશે જે અમારા નિયંત્રણમાં છે.'
ડોનાલ્ડ ટ્રમ્પની વાપસીની અટકળો
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવું એ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક યોજના હોઈ શકે છે. તે પણ શક્ય હતું કે જો યુક્રેનને નાટોમાં સામેલ કરવામાં આવે, તો શક્ય છે કે ઝેલેન્સકી યુક્રેનમાં કબજે કરેલી જમીન મોસ્કોને આપવા માટે સંમત થાય.