ટ્રમ્પની જીત બાદ ઝેલેન્સ્કીના વધ્યા ધબકારા, યુક્રેન-રશિયા યુદ્ધના ભવિષ્યનું શું?
Donald Trump on Ukraine: હાલ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી સૌથી વધુ કોઈ ગભરાયેલું હોય તો તે યુક્રેન છે. જો કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે. પરંતુ ઝેલેન્સ્કી યુક્રેનના ભવિષ્ય માટે ભયભીત છે. કારણ કે અત્યાર સુધી યુક્રેન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનની મદદથી રશિયા સામે યુદ્ધ લડી રહ્યું હતું અને તેણે રશિયા પર આક્રમણ પણ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર બાયડન અને યુક્રેનને લઈને અમેરિકાની નીતિ સામે પોતાનો વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે. હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનું નેતૃત્વ કરશે, એવામાં હવે ઝેલેન્સકીને ચિંતા છે કે યુક્રેનનું ભાવિ શું હશે.
અમેરિકાનું નેતૃત્વ ટ્રમ્પના હાથમાં આવવાથી યુક્રેનને શું નુકસાન?
ટ્રમ્પે ચૂંટણી પહેલા જ સંકેત આપ્યા હતા કે જો તેઓ ચૂંટણી જીતશે તો અમેરિકા તરફથી યુક્રેનને આપવામાં આવતી આર્થિક મદદ બંધ કરી દેશે. કારણ કે ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા કોઈપણ કારણ વગર અન્ય દેશોના વિવાદમાં નહીં પડે. આવી સ્થિતિમાં યુક્રેન માટે આ એક મોટો ફટકો હશે કારણ કે રશિયા સામેના યુદ્ધ માટે અમેરિકા તરફથી જ મોટી રકમની મદદ આપવામાં આવી રહી હતી.
આ પણ વાંચો: ટ્રમ્પની વાપસીથી દુનિયામાં રોકાઈ જશે યુદ્ધ? અગાઉ પણ કટ્ટર દુશ્મનો વચ્ચે કરાઇ હતી મિત્રતા
ટ્રમ્પ રશિયા માટે સોફ્ટ કોર્નર ધરાવે છે
ડોનાલ્ડ ટ્રમ્પે તેના અગાઉના કાર્યકાળમાં રશિયા પ્રત્યે પરંપરા વિરુદ્ધ ખૂબ નરમ વલણ અપનાવ્યું હતું. જેના કારણે પુતિનને ટ્રમ્પના સારા મિત્ર પણ કહેવામાં આવતા હતા.જો આ કાર્યકાળ દરમિયાન રશિયા પ્રત્યે ટ્રમ્પનું વલણ એવું જ રહ્યું તો યુક્રેન માટે મોટી સમસ્યા ઊભી થઈ શકે છે.
જો નાટો સમર્થન ખેંચી લેશે તો વધુ યુક્રેન માટે સમસ્યા વધશે
ટ્રમ્પ પહેલા જ નાટોની ભૂમિકા પર મોટા સવાલો ઉઠાવી ચૂક્યા છે. નાટો સભ્યપદને લઈને શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધના આ મૂળને ફક્ત ટ્રમ્પ જ ખતમ કરી શકે છે. કારણ કે ટ્રમ્પ નાટોને આર્થિક બોજ ગણાવે છે. આવી સ્થિતિમાં રશિયાને રોકવાની નાટોની ક્ષમતા પર અસર પડી શકે છે. તેનાથી યુક્રેન વધુ નબળું પડી શકે છે.