આઈસલેન્ડમાં ભૂકંપના 800 આંચકા બાદ જ્વાળામુખી ફાટ્યો, જમીનમાં પડી 3.5 કિમીની તિરાડ
image : Twitter
રેક્ઝાવિક,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર
આઈસલેન્ડમાં 800 જેટલા ભૂકંપો બાદ આખરે જ્વાળામુખી વિસ્ફોટ થયો છે.
દેશના હવામાન વિભાગે કહ્યુ હતુ કે, દક્ષિણ પશ્ચિમ આઈસલેન્ડના રેકજન્સ નામના ટાપુ પર છેલ્લા કેટલાય સપ્તાહથી ભૂકંપના એક પછી એક આંચકા છઆવી રહ્યા હતા અને હવે તેના પરનો એક જ્વાળામુખી ફાટયો છે.
સોમવારે રાત્રે લગભગ નવ વાગ્યે ભૂકંપના ઝાટકાનો નવો દોર શરૂ થયો હતો અને આખરે રાત્રે 10 વાગ્યે ભારે ધડાકા સાથે જ્વાળામુખી ફાટયો હતો. જવાળામુખી ફાટવાના કારણે જમીનમાં 3.5 કિલોમીટર લાંબી તિરાડ પડી છે અને તેમાં જ્વાળામુખીનો લાવા પ્રતિ સેકંડ 100થી 200 ક્યૂબિક મીટરના દરે વહી રહ્યો છે.
વિસ્ફોટ જે જગ્યાએ થયો છે તેની ચોકક્સ જાણકારી મેળવવા માટે કોસ્ટ ગાર્ડના એક હેલિકોપ્ટરને કામે લગાડવામાં આવ્યુ છે. સરકારે સિવિલ ડિફેન્સના એલર્ટને હવે ઈમરજન્સીમાં ફેરવી નાંખ્યુ છે. લોકોને વિસ્ફોટના સ્થળની નજીક નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે.
જ્વાળામુખી નજીક ગ્રિંડાવિક નામનુ શહેર આવેલુ છે. જેના તમામ રસ્તા અને અવર જવર બંધ કરી દેવામાં આવી છે. જેમાં અહીંથી પસાર થતા એક હાઈવેનો પણ સમાવેશ થાય છે. આઈસલેન્ડની રાજધાની રેક્ઝાવિકમાંથી પણ જવાળામુખી વિસ્ફોટને જોઈ શકાય છે.
દેશના વડાપ્રધાન કેટરિન જેકબ્સડોટિરે કહ્યુ છે કે, તાજેતરમાં જ જ્વાળામુખીની અસરને ઓછી કરવા માટે સંરક્ષણ દિવાલ બનાવવમાં આવી છે અને સ્થાનિક લોકો સાથે સરકાર ઉભી છે.
જોકે જવાળામુખી ફાટવાના એંધાણ ઘણા વખતથી મળી રહ્યા હતા અને 10 નવેમ્બરે જ ગ્રિંડાવિક શહેરા 4000 લોકોને બીજે ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 2010માં આઈસલેન્ડનો એક જ્વાળામુખી ફાટ્યો હતો અને તેના કારણે નિકળેલી રાખ અને ધૂમાડો આકાશમાં એ હદે છવાયો હતો કે, બીજા વિશ્વ યુધ્ધ બાદ પહેલી વખત યુરોપના સૌથી મોટા એર રૂટને બંધ કરવો પડ્યો હતો.