રશિયન પ્રમુખ પુતિનનું મોટું એલાન, ઈસ્ટરના અવસરે યુક્રેન વિરુદ્ધ યુદ્ધવિરામની જાહેરાત
Russia Ukarine Ceasefire: રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિને ઈસ્ટર નિમિત્તે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. રશિયા તરફથી એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરતા પુતિને રશિયન સૈનિકો સાથે સ્થાનિક સમયાનુસાર શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારના અંત સુધી કોઈપણ હુમલો ન કરવાનો આદેશ કર્યો છે. પુતિને કહ્યું કે, 'મને આશા છે કે, યુક્રેન પણ રશિયાના નિર્ણયનું સન્માન કરશે અને યુદ્ધવિરામનો સહયોગ કરશે. જોકે, પુતિનની સેનાને યુક્રેન તરફથી કોઈપણ હુમલા માટે તૈયાર રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પુતિને રશિયાના સૈન્ય પ્રમુખ વાલેરી ગેરાસિમાવને આદેશ આપ્યો છે કે, તે રશિયાના સૈનિકો દ્વારા યુદ્ધવિરામના કોઈપણ ઉલ્લંઘનને રોકવા માટે તૈયાર રાખે.
ક્રેમલિને પુતિનને ટાંકીને કહ્યું કે, 'રશિયા માનવીય વિચારોથી પ્રેરિત થઈને ઈસ્ટર સુધી યુદ્ધવિરામની જાહેરાત કરે છે. હું આદેશ આપું છું કે, આ સમયગાળા માટે તમામ સૈન્ય કાર્યવાહી રોકી દેવાશે. અમે આશા કરીએ છીએ કે, યુક્રેની પક્ષ અમારા ઉદાહરણનું અનુસર કરશે. સાથે જ, અમારા સૈનિકોને યુદ્ધવિરામના સંભવિત ઉલ્લંઘન અને દુશ્મન તરફથી કોઈપણ પ્રકારે ઉશ્કેરણી અથવા આક્રમક થવાથી રોકવા માટે તૈયાર રહેવું જોઈએ.
યુક્રેન પર પુતિનના આરોપ
આ દરમિયાન પુતિને યુક્રેન પર અનેક મોટા આરોપ લગાવ્યા છે. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને કહ્યું કે, યુક્રેને હાલમાં જ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો ન કરવાના કરારનો 100 થી વધુ વખત ઉલ્લંઘન કર્યો છે. આ પહેલાં રશિયાએ શુક્રવારે યુક્રેનના ઊર્જા ઠેકાણા પર હુમલો કરવા પ્રતિબંધને ખતમ કરવાનું એલાન કર્યું છે. જણાવી દઈએ કે, યુક્રેન અને રશિયા બંનેએ એકબીજા પર આ કરાર તોડવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચોઃ ગૂગલને મોટો ઝટકો, એન્ટીટ્રસ્ટ કેસ હારી ગઈ, શું હવે એડ મેનેજર વેચવાનો વારો આવશે?
યુક્રેનની પ્રામાણિકતા દેખાઈ જશેઃ પુતિન
પુતિને શનિવારે ઈસ્ટર યુદ્ધવિરામની જાહેરાત કરતા કહ્યું કે, 'આ યુદ્ધવિરામનો પ્રસ્તાવ બતાવશે કે, યુક્રેન શાંતિ કરારનું કેટલું પાલન કરે છે અને શાંતિ વાર્તાની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પોતાની ઈચ્છા દર્શાવવામાં કેટલું પ્રામાણિક છે.' નોંધનીય છે કે, આ પહેલાં એપ્રિલ, 2022માં ઈસ્ટર અને જાન્યુઆરી 2023માં ઑર્થોડૉક્સ ક્રિસમસના અવસર પર પણ યુદ્ધવિરામ લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ, બંને પક્ષ તેના માટે સંમત નહતાં થયા.