રશિયામાં નવો કાયદો લાગુ કરવાની તૈયારી, સૈન્યની ટીકા કરનારાની સંપત્તિ જપ્ત થશે
image : Twitter
મોસ્કો,તા.25 જાન્યુઆરી 2024,ગુરૂવાર
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે હવે રશિયાની સાંસદે એક નવા કાયદાને મંજૂરી આપી છે.
આ કાયદા હેઠળ હવે રશિયન સેનાની ટીકા કરનાર કોઈ પણ વ્યક્તિની સંપત્તિ તેમજ બીજી કિમતી વસ્તુઓ સરકાર જપ્ત કરી શકશે.
રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો શરુ કર્યો તે પછી આ યુધ્ધની ટીકા કરનારા અને સેના માટે અપમાન જનક શબ્દોનો પ્રયોગ કરનારા ઘણા લોકોની અટકાય કરી હતી. જોકે યુધ્ધ લંબાઈ ગયુ છે ત્યારે લોકો પોતાનો અસંતોષ વ્યક્ત ના કરે તે માટે હવે સેનાની ટીકા કરનારા સામે વધારે આકરા કાયદા લાગુ કરવાનો તખ્તો ઘડાઈ ચુકયો છે.
ડયુમા તરીકે ઓળખાતી રશિયન સંસદના નીચલા ગૃહમાં આ કાયદો પસાર થઈ ગયો છે. જેમાં રશિયાની સેના અંગે અફવા ફેલાવનારા અથવા ખોટી જાણકારી આપનારાને મહત્તમ 15 વર્ષની જેલની સજાની પણ જોગવાઈ છે.
રશિયન સંસદના અધ્યક્ષ વ્યાચેસ્લાવ વોલોડિને સાંસદોને કહ્યુ હતુ કે, અત્યાર સુધી જે પણ કાયદા હતા તે ટીકાકારોને રોકવા માટે પૂરતા નહોતા. રશિયાની સેનાની ટીકા કરનારા રશિયામાં આરામથી રહે છે અને પોતાની પ્રોપર્ટી પણ ભાડે આપીને કમાણી કરે છે અને યુક્રેનના નાઝી શાસનનુ સમર્થન કરે છે. દેશની સુરક્ષાને જોખમમાં નાંખતા આવા તત્વો આપણા દેશના નાગરિકો, સૈનિકોનુ અપમાન કરે તે સાંખી નહીં લેવામાં આવે.
અત્યારના કાયદા પ્રમાણે યુધ્ધ અંગે ખોટી જાણકારી ફેલાવનારા લોકોની સામે પહેલા કેસ ચલાવવામાં આવે છે પણ નવા કાયદા હેઠળ સરકારને તેમની સંપત્તિ જપ્ત કરવાની પણ સત્તા મળશે.