રશિયામાં પુતિનનું એકચક્રી શાસન કાયમ, 5મી વખત બનશે રાષ્ટ્રપતિ, 88% વોટ સાથે ઐતિહાસિક વિજય

રશિયાના 200 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી પ્રમુખ બનવાનો બનાવ્યો રેકોર્ડ

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
રશિયામાં પુતિનનું એકચક્રી શાસન કાયમ, 5મી વખત બનશે રાષ્ટ્રપતિ, 88% વોટ સાથે ઐતિહાસિક વિજય 1 - image

image : Twitter



Putin wins Russia president Election 2024 | રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને લગભગ 88 ટકા મતો સાથે ફરી એકવાર શાનદાર જીત મેળવી છે. અહેવાલ અનુસાર રવિવારે મતદાન સમાપ્ત થયા પછી પ્રથમ સત્તાવાર પરિણામો અનુસાર વ્લાદિમીર પુતિન 87.97% મતો સાથે રશિયાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. 

રાષ્ટ્રપતિ તરીકેનો પાંચમો કાર્યકાળ 

રાષ્ટ્રપતિ તરીકે આ પુતિનનો પાંચમો કાર્યકાળ હશે. વ્લાદિમીર પુતિન 1999 થી રશિયામાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન તરીકે સત્તામાં છે. નાદુરસ્ત તબિયતને કારણે બોરિસ યેલ્તસિને 1999 માં રશિયાની સત્તાની લગામ વ્લાદિમીર પુતિનને સોંપી હતી. ત્યારથી તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી.

ચૂંટણી પહેલાં પુતિનના કટ્ટર હરીફ નવેલની જેલમાં મૃત્યુ પામ્યા હતા 

શુક્રવારે શરૂ થયેલી ત્રણ દિવસીય ચૂંટણી અત્યંત નિયંત્રિત વાતાવરણમાં યોજાઈ હતી. યુક્રેન યુદ્ધ માટે વ્લાદિમીર પુતિનની જાહેર ટીકાને રશિયામાં મંજૂરી નથી. પુતિનના સૌથી કટ્ટર રાજકીય હરીફ એલેક્સી નવેલનીનું ગયા મહિને આર્કટિક જેલમાં મૃત્યુ થયું હતું. તેમના અન્ય ટીકાકારો કાં તો જેલમાં છે અથવા દેશનિકાલમાં છે. 71 વર્ષીય પુતિન સામે ત્રણ હરીફો ચૂંટણી લડ્યા હતા, જેઓ ક્રેમલિનની નજીક હોવાનું કહેવાય છે. ત્રણેય ઉમેદવારોએ પુતિનના 24-વર્ષના શાસન અથવા બે વર્ષ પહેલા યુક્રેન સામે વિશેષ લશ્કરી કાર્યવાહી શરૂ કરવાના તેમના નિર્ણયની ટીકા કરવાનું ટાળ્યું હતું.

પુતિનનો વિરોધ પણ શરૂ 

જોકે, પુતિનના હજારો વિરોધીઓએ મતદાન મથકો પર વિરોધ કર્યો હતો. અમેરિકાએ કહ્યું કે રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ન તો સ્વતંત્ર રીતે યોજાઈ કે ન તો ન્યાયી. આ જીત સાથે કેજીબીના પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ વ્લાદિમીર પુતિને 6 વર્ષનો નવો કાર્યકાળ પ્રાપ્ત કરી લીધો છે. આ સાથે તેમણે રશિયામાં સૌથી વધુ સમય સુધી સત્તામાં રહેવાના મામલે જોસેફ સ્ટાલિનને પાછળ છોડી દીધા છે. પુતિન 200 થી વધુ વર્ષોમાં રશિયાના સૌથી લાંબા સમય સુધી રાજ્યના વડા તરીકે સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે.

80 લાખથી વધુ લોકોએ મતદાન કર્યું હતું 

રશિયાના ચૂંટણી પંચના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 80 લાખથી વધુ મતદારોએ ઓનલાઈન મતદાન કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગનો ઉપયોગ પ્રથમ વખત થયો છે. વ્લાદિમીર પુતિન મતદાન કરનાર પ્રથમ હતા. શુક્રવાર અને શનિવારે ઘણી જગ્યાએ પુતિન વિરુદ્ધ દેખાવો થયા હતા અને બેલેટ પેપરને બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન, પ્રારંભિક પરિણામો પરથી એવું કહી શકાય કે વ્લાદિમીર પુતિન રશિયન લોકોનો વિશ્વાસ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

રશિયામાં પુતિનનું એકચક્રી શાસન કાયમ, 5મી વખત બનશે રાષ્ટ્રપતિ, 88% વોટ સાથે ઐતિહાસિક વિજય 2 - image


Google NewsGoogle News