VIDEO: હિન્દુ ધર્મને ‘દુષ્ટ, મૂર્તિપૂજક ધર્મ’ કહેનારા અમેરિકન વિદ્યાર્થીને વિવેક રામાસ્વામીનો સણસણતો જવાબ
Vivek Ramaswamy : અમેરિકામાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. રાષ્ટ્રપતિ-પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ સતત સમાચારોમાં ચમકતા રહે છે. એવામાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ-પદના ભૂતપૂર્વ ઉમેદવાર વિવેક રામાસ્વામી પણ સમાચારની હેડલાઇન બની ગયા. ગુરુવાર, 17 ઑક્ટોબરના રોજ ભારતીય મૂળના રામાસ્વામી સાથે કંઈક એવું બન્યું જેને લીધે ચર્ચા છેડાઈ ગઈ છે.
શું હતી ઘટના?
અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યની પેન સ્ટેટ યુનિવર્સિટી ખાતે વિવેક રામાસ્વામી સેંકડો લોકોને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે તેમની પૃષ્ઠભૂમિ, કૉલેજ-જીવન અને રાજકારણના અનુભવ વિશે વાતો કરી. છેલ્લે તેમણે દર્શકોને સવાલ-જવાબ માટે પૂછ્યું ત્યારે એક અમેરિકન વિદ્યાર્થીએ રામાસ્વામીને તેમની ધાર્મિક આસ્થા બાબતે આકરો પ્રશ્ન પૂછીને અવઢવમાં નાખી દીધા.
ધાર્મિક આસ્થાને પડકારતો સવાલ કર્યો
યુવા વિદ્યાર્થીએ કહ્યું હતું કે, ‘સમગ્ર લેક્ચર દરમિયાન તમે ઈશ્વર અને આસ્થા વિશે ભયાનક વાતો કરી. અહીં હાજર મોટાભાગના લોકો એવું વિચારી રહ્યા હશે કે તમે એકમાત્ર સાચા ભગવાન ઈસુ ખ્રિસ્ત વિશે વાત કરી રહ્યા છો, પણ એવું નથી, બરાબર ને? તમે હિન્દુ ધર્મને અનુસરો છો, પણ તમારા સંબોધન દરમિયાન તમે એ બાબતે સ્પષ્ટ રીતે નથી બોલ્યા. તમે ઈશ્વર વિશે એ રીતે બોલ્યા કે જેથી કોઈને પણ એમ જ લાગે કે તમે ઈસુ ખ્રિસ્ત વિશે બોલી રહ્યા છો. આવું કેમ?’
હિન્દુ ધર્મ વિશે જાણ્યા-સમજ્યા વિના ગંભીર આરોપ
આ વિદ્યાર્થીએ વધુમાં કહ્યું હતું કે, ‘હિંદુ ધર્મ એક દુષ્ટ, મૂર્તિપૂજક ધર્મ છે, અને તેથી અમેરિકન સંસ્કૃતિ સાથે તે સંપૂર્ણપણે અસંગત છે. તમે ખ્રિસ્તી ધર્મ અને હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યોને એકસમાન બતાવવાનો પ્રયાસ કર્યો છે. પણ હકીકતમાં તો એક ઈસુ ખ્રિસ્ત જ છે જે આપણને મુક્તિ આપી શકે છે.’
ત્યાં હાજર લોકોમાં પણ સોપો પડી ગયો
વિદ્યાર્થીના આકરા શબ્દોથી હાજર પ્રેક્ષકોમાં સોપો પડી ગયો. પછી થોડો કચવાટ થયો. લોકો સ્પષ્ટપણે વિદ્યાર્થીના મતથી નારાજ થયા. જોકે, રામાસ્વામીએ તેમના ચહેરા પર આછું સ્મિત જાળવી રાખ્યું. નારાજ થઈ રહેલા પ્રેક્ષકોને તેમણે વિનંતી કરી કે તેઓ વિદ્યાર્થીને અવરોધે નહીં અને એને બોલવા દે.
સાચો ઈશ્વર કોણ?
પોતાનું બોલવાનું પૂરું કરતાં વિદ્યાર્થીએ પૂછ્યું હતું કે, ‘તમારા વક્તવ્યમાં તમે કયા ઈશ્વરની વાત કરી રહ્યા હતા એ તમે છુપાવ્યું છે તો હવે સ્પષ્ટ કરો કે તમે કયા ઈશ્વરની વાત કરી રહ્યા હતા?’
આવો જવાબ આપ્યો વિવેક રામાસ્વામીએ
વિદ્યાર્થીએ ઉઠાવેલા મુદ્દાના જવાબમાં રામાસ્વામીએ કહ્યું હતું કે, ‘આ પ્રશ્ન કરતાં ક્યાંય વધુ કઠોર પડકારો મારી સામે આવી ચૂક્યા છે, તેથી તમે મને આવો પ્રશ્ન કરીને ઘેરી લીધાનો આનંદ લેતા પોતાની પીઠ ન થાબડશો. હું નથી ઇચ્છતો કે તમારી પીઠ મચકોડાઈ જાય.’
રામાસ્વામીના જવાબને કાર્યક્રમમાં હાજર પ્રેક્ષકોએ તાળીઓથી વધાવી લીધો હતો. લોકોને એમનો કટાક્ષ ગમ્યો હતો.
ધાર્મિક આસ્થા બાબતે આવું કહ્યું
રામાસ્વામીએ કહ્યું હતું કે, ‘અન્ય દેશમાં મૂળ ધરાવતા લોકો અમેરિકા આવીને તેમના નામને ટૂંકાવીને પોતે ખ્રિસ્તી હોવાનો ભ્રમ પેદા કરતાં જ હોય છે. હું પણ મારી જાતને વિવેક ને બદલે વિક તરીકે ઓળખાવીને મારી ઓળખ ખ્રિસ્તી તરીકે આપી શકું એમ છું, પણ હું એમ કરતો નથી.’
થોમસ જેફરસન વિશે થઈ ચણભણ
કાર્યક્રમમાં વિદ્યાર્થીએ જે કંઈ કહ્યું હતું એનો સૂર એવો નીકળતો હતો કે, બિનખ્રિસ્તી હોવાથી રામાસ્વામી અમેરિકાના લીડર ન બની શકે. એના જવાબમાં રામાસ્વામીએ અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ થોમસ જેફરસનનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે, જેફરસન પણ પરંપરાગત પ્રિસ્તી નહોતા, તેઓ વર્જિન બર્થ, ઓરિજનલ સીન અને ઈસુના પુનરુત્થાન જેવા ખ્રિસ્તી સિદ્ધાંતોને નકારતા હતા, છતાં અમેરિકાના પ્રમુખપદે સફળતાપૂર્વક રહ્યા હતા-ને! વ્યક્તિ કયા ધર્મમાં માને છે એના આધારે નહીં, એની દેશના બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આધારે નક્કી થતું હોય છે કે એ દેશનું નેતૃત્વ કરવાને લાયક છે કે નહીં.
ઘણો સમય સુધી ચાલતી રહી જીભાજોડી
રામાસ્વામીએ થોમસ જેફરસનનું ઉદાહરણ આપતાં પેલા વિદ્યાર્થીએ થોમસ જેફરસનને ‘ખ્રિસ્તીઓના દુશ્મન’ ગણાવ્યા હતા, જેના જવાબમાં અસહમતી દર્શાવતા રામાસ્વામીએ કહ્યું હતું કે, ‘જો તમે જેફરસનને આ રીતે મૂલવતા હો તો એનો અર્થ એ કે આપણે બન્ને અમેરિકાના ભવિષ્યને જુદી રીતે જોઈએ છીએ.
આ પણ વાંચો : શેખ હસીનાને સોંપી દો, નહીંતર...: બાંગ્લાદેશે ફરી ભારતને આપી ચીમકી
ભૂતકાળમાં આવું કહી ચૂક્યા છે રામાસ્વામી
પોતાની હિન્દુ આસ્થા બાબતે ભૂતકાળમાં રામાસ્વામી આ પ્રકારના નિવેદનો આપી ચૂક્યા છે.
• હું હિન્દુ છું અને હિન્દુ હોવાનો મને ગર્વ છે. મારું કોઈપણ ભાષણ ઉઠાવીને સાંભળી લો, મેં કદી મારા હિન્દુ હોવાની હકીકત છુપાવી નથી. હું ધાર્મિક સ્વતંત્રતાનો હિમાયતી છું.
• મારી ધાર્મિક આસ્થા જ મને મારી સ્વતંત્રતા આપે છે, મારી આસ્થા જ મને પ્રમુખપદની ઝુંબેશ સુધી દોરી લાવી છે.
• હું હિન્દુ છું અને હું માનું છું કે ભગવાન સાચા છે. ભગવાને આપણને અહીં એક હેતુ સાથે મોકલ્યા છે. ભગવાનના એ હેતુને સાકાર કરવો એ આપણી નૈતિક ફરજ છે.
• આપણે જે કંઈ સત્કર્મો કરીએ છીએ એ ભગવાનના આદેશથી જ કરીએ છીએ. આપણે જુદાજુદા કાર્યો જુદીજુદી રીતે કરતા હોઈએ છીએ, છતાં આપણે સૌ સમાન છીએ કારણ કે ભગવાન આપણા બધામાં રહે છે.
એમ પણ કહ્યું હતું કે, ખ્રિસ્તી ધર્મ નહીં ફેલાવું, પણ…
ડિસેમ્બર 2023માં એક પ્રશ્નના જવાબમાં રામાસ્વામીએ કહ્યું હતું કે, ‘હું અમેરિકામાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે પ્રમુખ નથી બનવાનો. મારું કામ આ દેશમાં વિશ્વાસ અને દેશભક્તિ ફેલાવવાનું રહેશે.’
સોશિયલ મીડિયા પર મચી ધમાલ
પેન સ્ટેટ યુનિવર્સિટીમાં બનેલ બનાવ બાદ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર ધમાલ મચી હતી. ભારતના લોકોએ હિન્દુ ધર્મને ‘દુષ્ટ, મૂર્તિપૂજક ધર્મ’ કહેનાર વિદ્યાર્થી અને એના જેવી માનસિકતા ધરાવનાર લોકોને મણમણની ચોપડાવી હતી. એક યુઝરે અમેરિકાના દ્વેષપૂર્ણ અભિગમની ટીકા કરતાં લખ્યું હતું કે, ‘ભારતના લોકો ક્યારેય કોઈ ખ્રિસ્તી કે મુસ્લિમને ‘તમારો ધર્મ દુષ્ટ છે’ એવું નથી કહેતા. તેમ છતાં, ભારત સાંપ્રદાયિક છે અને અમેરિકા બિનસાંપ્રદાયિક!’
ઘણાં યુઝર્સે વિદ્યાર્થીના પ્રશ્નનો જવાબ ‘શાલીનતા’થી આપવા બદલ રામાસ્વામીની પ્રશંસા કરી, તો ઘણાં યુઝર્સે એવો મત પ્રગટ કર્યો હતો કે રામાસ્વામીએ પેલા વિદ્યાર્થીને વધુ ‘કડક ભાષા’માં જવાબ આપવો જોઈતો હતો.