વિવેક રામાસ્વામીના ખુલ્લા પગ અમેરિકનોને ‘નડી ગયા’, ‘ત્રીજી દુનિયાના કાકા’ ગણાવી ટીકા કરી
Americans called Vivek Ramaswamy a 'third world uncle': ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારથી તેમને ટેકો આપનારા અમુક ભારતીય-અમેરિકનો પણ ચર્ચામાં રહ્યા છે. વિવેક રામાસ્વામી એમાંના એક. ઈલોન મસ્કની આગેવાની હેઠળના ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE) છોડીને હાલમાં ઓહાયો રાજ્યના ગવર્નરની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે એવા વિવેક બાબતે તાજેતરમાં અમેરિકામાં એક બિનજરૂરી વિવાદ છેડાઈ ગયો છે, જેમાં નિમિત્ત બની છે ભારતીય સંસ્કૃતિની એક પરંપરાગત ટેવ.
શું છે વિવાદના મૂળમાં?
બન્યું એવું કે તાજેતરમાં ભારતીય-અમેરિકન ટેક ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીની એક તસવીર સોશિયલ મીડિયા પર ફરવા લાગી છે, જે તેમણે આપેલ એક વર્ષ જૂના ઈન્ટરવ્યૂની છે. તસવીરમાં 39 વર્ષીય હાર્વર્ડ ગ્રેજ્યુએટ વિવેક પોતાના ઘરમાં એક સ્ટૂલ પર બેઠેલા દેખાય છે. તેમણે વ્યવસ્થિત કોટ-પેન્ટ તો પહેર્યા છે, પણ તેમના પગ ઊઘાડા છે. અમેરિકનોને તેમના ઊઘાડા પગ નથી ગમ્યા અને એ કારણસર વિવેકને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
આવી નકારાત્મક ટિપ્પણીઓ કરાઈ
ભારતમાં વ્યાપક એવા ઘરમાં જૂતા વિના ફરવાના રિવાજ પર વ્યંગાત્મક ટીકા કરતા એક યુઝરે લખ્યું હતું કે, ‘આપણે ભારતમાં નથી.’ (એટલે કે અમેરિકામાં રહીએ છીએ તો અમેરિકન રીતભાત જાળવો.)
બીજાએ લખ્યું હતું, ‘જરા ખુલ્લા પગને કારણે ફેલાતી ગંધની કલ્પના તો કરો!’
તો વળી ત્રીજાએ ‘અબજોપતિ જેવું વર્તન નથી. સાવ ‘થર્ડ વર્લ્ડ અંકલ’ જેવા છે,’ એમ લખીને વિવેકને ‘ત્રીજા વિશ્વના કાકા’ ગણાવી દીધા હતા.
અમેરિકાની દુહાઈ દેવાઈ
વિવેકનું ભવિષ્યકથન કરતા હોય એમ એકાદે અમેરિકને લખી દીધું કે, ‘વિવેક ક્યારેય ઓહાયોના ગવર્નર નહીં બને. અમેરિકા માટે આવું વર્તન અસ્વીકાર્ય છે.’ અન્ય એક વપરાશકર્તાએ લખ્યું હતું કે, ‘જ્યારે તમે આ ગ્રહ પરના સૌથી શક્તિશાળી રાષ્ટ્રમાં કોઈ સન્માનનીય પદ માટે ઈન્ટરવ્યુ આપતા હોવ, ત્યારે ઓછામાં ઓછું પગમાં મોજાં પહેરવાનું તો રાખો!’
એ ઉપરાંત એક યુઝરે લખ્યું કે, ‘આ એક ઈન્ટરવ્યુ છે. આટલા આરામથી બેઠા પછી લોકો તમને ગંભીરતાથી લેશે, એવી અપેક્ષા ન રાખશો. આપણે અમેરિકામાં છીએ અને આમ ખુલ્લા પગે બેસવું એ અમેરિકન સભ્યતા નથી. આ કંઈ શનિવાર રાતની પાર્ટી નથી કે તમે તમારા પિતરાઈ ભાઈઓ સાથે પલંગ પર વાઈનના ગ્લાસ સાથે બેઠેલા હો, એ રીતે પ્રસ્તુત થાવ. થોડી આમાન્યા જાળવો.’ એક યુઝરે તો વિવેકને અમેરિકામાંથી ‘કાઢી મુકવાનું’ સૂચન પણ કરી દીધું.
વિવેકના ટેકામાં થઈ આવી ટિપ્પણીઓ
એવુંય નથી કે બધાંએ વિવેકને ખોટા ઠેરવીને એમને ધોકાવ્યા જ છે. ઘણા લોકોએ તેમના વર્તનને સહજ ગણાવીને તેમનો પક્ષ પણ લીધો છે. વિયેતનામમાં મૂળિયાં ધરાવતી અમેરિકન રેડિયોની એક કર્મચારી કિમ ઈવર્સને વિવેકના ટેકામાં એક ટ્વિટમાં લખ્યું હતું કે, ‘આ એક 'સંસ્કૃતિ સંબંધિત' વસ્તુ છે. ઘરમાં પગરખાં પહેરતા તમામ બિન-એશિયનોએ તેમની આદતમાં ફેરફાર કરવાની જરૂર છે. અમે અમારા ઘરમાં ફક્ત પગરખાં તો શું, મોજાં પણ પહેરી શકતા નથી. ઘરમાં ઉઘાડા પગે ફરવું એ ખરેખર સારી આદત છે.’
રાજનીતિના વિવેચકે આવું મંતવ્ય આપ્યું
અમેરિકાની રાજનીતિના મલેશિયન મૂળના વિવેચક ઈયાન માઈલ્સ ચેઓંગે લખ્યું હતું કે, ‘તમારા પોતાના ઘરમાં પગરખાં વિના ફરવું એ અમેરિકન-સંસ્કૃતિના વિરુદ્ધનું વલણ છે, એવી દલીલ મેં વિવેક રામાસ્વામી વિરુદ્ધ સાંભળેલી સૌથી મૂર્ખતાપૂર્ણ દલીલ છે.’
ચેઓંગે અમેરિકન પ્રજા પર કટાક્ષ કરતાં લખ્યું હતું કે, ‘મને લાગે છે કે (વિવેકની ટીકા કરનારા) ઘણા લોકો સિરિયલો જોઈને મોટા થયા છે. એવી સિરિયલો જેના પાત્રો જૂતા પહેરીને પથારીમાં ઊંઘી જાય છે.’
અનેક યુઝર્સ વિવેકના સમર્થનમાં આગળ આવ્યા
બીજા પણ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ વિવેકના સમર્થનમાં આગળ આવ્યા છે. એમાંના એકે લખ્યું હતું કે, ‘મોટાભાગના ભારતીયો ઘરોમાં જૂતા પહેરીને ફરવું ઘૃણાસ્પદ ગણાય છે. આ ફક્ત સાંસ્કૃતિક બાબત નથી, ઘરમાં સ્વચ્છતા જાળવવાની વાત છે.’
બીજા કોઈકે લખ્યું હતું કે, ‘અમે મારા ઘરમાં દાખલ થતાં અગાઉ પગરખાં બહાર ઉતારી દઈએ છીએ. જે જૂતા પહેરીને તમે બહાર ફરી આવ્યા હોવ, એ જ જૂતાં પહેરીને ઘરમાં ચાલવું ગંદી બાબત છે. કોણ જાણે તમે કેવી-કેવી ગંદી ચીજો પર પગ મૂકીને આવ્યા હોવ!’
ત્રીજી વ્યક્તિએ લખ્યું હતું કે, ‘પગરખાં ઉતારીને ઘરમાં જવું એ આરોગ્યપ્રદ છે અને આદરની નિશાની પણ છે.’
ટ્રમ્પ અને મસ્કના ‘ખાસ’ છે વિવેક
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓહાયોના વતની વિવેક રામાસ્વામીનો જન્મ અમેરિકામાં જ વર્ષ 1985 માં થયો હતો. તેમના તમિલ-ભાષી બ્રાહ્મણ માતા-પિતા સ્થળાંતરિત થઈને અમેરિકા ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક સાથે વિવેકને સારું બને છે. બંને જણ વિવેકને ‘ખાસ’ ગણાવે છે.