વિવેક રામસ્વામી અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાંથી ખસી ગયા : અમેરિકા ફર્સ્ટ પેટ્રિઓટ ટ્રમ્પને ટેકો આપ્યો
- વિવેકે કહ્યું : 'મારૂં અભિયાન સત્યને પુષ્ટિ આપવા માટે છે, ટ્રમ્પ અને તેમની ટીમને માટે મને ગર્વ છે' : રામસ્વામી
વોશિંગ્ટન : આયોવા લીડ ઓફ કૉક્સમાં ચોથું સ્થાન મેળવ્યા પછી, વિવેક રામસ્વામી એ વ્હાઈટ હાઉસની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી છે અને સાથે અમેરિકા ફર્સ્ટ પેટ્રિઓટ (દેશભક્ત) ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો આપ્યો છે. તેઓએ જણાવ્યું છે કે, આજે દેશને વ્હાઈટ હાઉસમાં અમેરિકા ફર્સ્ટ પેટ્રિઅરની જરૂર છે.
અમેરિકાની જમણેરી લોખંડી પાર્ટી રીપબ્લિકન પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારોમાંથી પાર્ટી કોઈ એક ઉમેદવારને નિશ્ચિત કરે છે ત્યારે ટ્રમ્પની સામે બીજા બે ઉમેદવારો નિક્કી હેવી અને વિવેક રામસ્વામી પણ હતા. ઉપરાંત ફલોરિડાના ગવર્નર ડી-સેન્ટીસ આ રેસમાં છે. પરંતુ નક્કર વાસ્તવિકતા તે છે કે પોતાની ઉપર થયેલા એક પછી એક કેસ છતાં ખડકની જેમ અડગ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે અમેરિકાના લોકોનો પ્રવાહ વધ્યો છે. ટ્રમ્પ તેમની ઉપર થયેલા કેસોને લીધે વધુ લોકપ્રિય બની રહ્યા છે.
ટ્રમ્પના એક સમયના હરીફ વિવેક રામસ્વામી એ કહ્યું હતું કે, હું સત્યને પુષ્ટિ આપવા સ્પર્ધામાંથી ખસી જાઉં છું. આપણે અત્યારે જરૂર છે. અમેરિકા - ફર્સ્ટ પેટ્રિઅરની આજની ચૂંટણીએ (આયોવાની ચૂંટણીએ) દર્શાવી આપ્યું છે કે લોકો શું ઇચ્છે છે. તે બહુ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે તેથી આજે રાત્રે જ મેં તે સ્પર્ધામાંથી ખસી જવા નિર્ણય કર્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે જે કંઈ કરવું પડે તે કરવા હું તૈયાર છું. હું તેઓનો અને તેમની ટીમનો પ્રશંસક છું.
નિરીક્ષકો કહે છે કે રામસ્વામીના આ વિધાનોની યુએસમાં વસતા ભારતીય વંશીઓ ઉપર અસર થશે જ. મોટા ભાગના ભારતવંશીઓ ટ્રમ્પ તરફ વળતાં ૨૪ની ચૂંટણીમાં તેમનો વિજય નિશ્ચિત બની રહ્યો છે.