વિવેક રામાસ્વામીએ અમેરિકાના પ્રમુખપદ માટેની દાવેદારી છોડી, ટ્રમ્પને આપ્યું સમર્થન
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય મામલામાં મોટી સફળતા હાંસલ કરી
ટ્રમ્પે આ વર્ષની પ્રમુખની ચૂંટણીમાં આયોવાની કોકસ જીતી
Vivek Ramaswamy Quits US Presidential Race : ભારતીય મૂળના વિવેક રામાસ્વામી (Vivek Ramaswamy)એ અમેરિકન પ્રમુખ પદ માટે પોતાનો દાવેદારી છોડી દીધી છે. આ સાથે જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની વાત કરી છે.
રામાસ્વામીએ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય મામલામાં મોટી સફળતા હાંસલ કરી છે. તેમણે આ વર્ષની પ્રમુખની ચૂંટણીમાં આયોવાની કોકસ જીતી છે. આ પછી રિપબ્લિકન પ્રાઈમરીમાં તેમનો દાવો ઘણો મજબૂત બન્યો છે. આયોવા કોકસમાં નબળા પ્રદર્શન બાદ, 2024 રિપબ્લિકન પ્રમુખપદની રેસની પ્રથમ ચૂંટણીમાં બાયોટેક ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીએ સોમવારે જાહેરાત કરી કે તેઓ પ્રમુખ પદ માટેની રેસમાંથી બહાર થઈ રહ્યા છે. 38 વર્ષીય રામાસ્વામીએ તેમના પૂર્વ હરીફ અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું છે. તેમણે અગાઉ 21મી સદીના શ્રેષ્ઠ પ્રમુખ તરીકે ટ્રમ્પની પ્રશંસા કરી હતી, આ સાથે તેમણે રિપબ્લિકન મતદારોને નવા લોકોને પસંદ કરવા અને અમેરિકા ફર્સ્ટ એજન્ડાને આગલા સ્તર પર લઈ જવા માટે પણ વિનંતી કરી હતી. આ કોકસ આયોવામાં યોજાયું હતું અને તેમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી હતી.
હવે ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય માત્ર નિક્કી હેલી અને રોન ડીસેન્ટિસ પ્રમુખ પદની રેસમાં
આ વર્ષે પ્રમુખની ચૂંટણીમાંથી વિવેક રામાસ્વામીના ખસી ગયા બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય માત્ર નિક્કી હેલી અને રોન ડીસેન્ટિસ પ્રમુખ પદની રેસમાં વધ્યા છે. વિવેક રામાસ્વામી આ ત્રણેયથી પાછળ હતા અને હવે આયોવા કોકસના પરિણામોમાં પાછળ રહ્યા બાદ તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. વિવેક રામાસ્વામી અમેરિકન રાજનીતિમાં એક અજાણ્યો ચહેરો હતા, પરંતુ ફેબ્રુઆરી 2023માં તેમણે પ્રમુખ પદ માટેની ઉમેદવારીની જાહેરાત કર્યા બાદ, વિવેક રામાસ્વામીએ રિપબ્લિકન મતદારોનું ધ્યાન પોતના તરફ ખેંચ્યું હતું.