ટ્રમ્પે શપથ લેતાં જ વિવેક રામાસ્વામીએ કેમ છોડ્યો DOGE વિભાગ? જાણો શું છે ભવિષ્યનો પ્લાન
Vivek Ramaswamy Quits DOGE: અમેરિકામાં નવી રચાયેલી ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાંથી ભારતીય મૂળના બિઝનેસમેન વિવેક રામાસ્વામી બહાર થઈ ચૂક્યા છે. તેઓ હવે ટ્રમ્પ સરકારની ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી (DOGE) નો હિસ્સો રહેશે નહીં. ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ પદે કાર્યભાર સંભાળ્યાના થોડી જ ક્ષણોમાં તેમના અધિકારીઓએ આ અંગે જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રામાસ્વામીએ પોતે જ DOGE માંથી દૂર થવાનો નિર્ણય લીધો હતો.
રામાસ્વામી ઓહાયોના ગવર્નર પદ માટે તૈયારી કરી રહ્યા હોવાથી તેમણે DOGE માંથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. DOGE એ સરકારી ખર્ચમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે રચવામાં આવ્યું છે. રામાસ્વામી દૂર થતાં હવે ઈલોન મસ્ક એકલા આ ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરશે.
રામાસ્વામીએ DOGE છોડવાની જાહેરાત કરી
રામાસ્વામીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે, 'DOGE ની સ્થાપનામાં સહયોગ આપવા બદલ હું ગર્વ અનુભવુ છું. મને વિશ્વાસ છે કે, ઈલોન મસ્ક અને તેમની ટીમ સરકારને સુવ્યવસ્થિત કામગીરી કરવામાં મદદરૂપ થશે. ઓહાયોમાં મારા ભવિષ્યના પ્લાન અંગે ઝડપથી જાણકારી આપીશ. અમે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની મેક અમેરિકા ગ્રેટ અગેન પહેલને પૂર્ણ કરવામાં સહયોગ આપીશું.' તદુપરાંત રામાસ્વામીએ ઈલોન મસ્ક સાથે પણ એક તસવીર શેર કરતાં લખ્યું કે, ‘એક નવી સવાર’.
ચૂંટણી લડવાની યોજના
વિવેદ રામાસ્વામી બાયોટેક કંપનીના માલિક છે. તેઓ વિશ્વના ધનિકોની યાદીમાં સ્થાન ધરાવે છે. તેમજ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટણી લડવાની યોજના પણ ઘરાવે છે. તે ટ્રમ્પના કટ્ટર સમર્થક છે. તેમણે સંકેત આપ્યો હતો કે, 2026માં ઓહાયોમાંથી ગવર્નર પદ માટે ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે. જો જીત્યા તો તે પ્રથમ ભારતીય-અમેરિકન ગવર્નર બનશે.
શું છે DOGE?
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બર, 2024માં ચૂંટણી જીત્યા બાદ DOGE બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે ટેસ્લાના માલિક ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામીને આ વિભાગનું નેતૃત્વ સોંપ્યુ હતું. બાદમાં વ્હાઈટ હાઉસે DOGEના નિર્માણમાં રામાસ્વામીની ભૂમિકાના વખાણ પણ કર્યા હતાં. DOGE એ એક બિનસરકારી ટાસ્ક ફોર્સ છે. જે સંઘીય કર્મચારીઓને બરતરફ કરવા, કાર્યક્રમોમાં ઘટાડો કરવા અને સંઘીય નિયમોમાં ઘટાડો કરવાની રીતો પર કામગીરી કરે છે. DOGEમાં મસ્ક સામેલ થવાથી નૈતિક ચિંતાઓ વધી છે. કારણકે, તેમની કંપની સ્પેસએક્સની પાસે મોટાપાયે ડિફેન્સ કોન્ટ્રાક્ટ છે. તદુપરાંત તે નાસા સાથે હરિફાઈ કરે છે. જેથી તેમનો નિર્ણય તેમની કંપનીઓના હિત માટે હોઈ શકે છે.