બાંગલાદેશમાં શાસક પક્ષ સામે હિંસક બળવો :
બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના શાસન કાળ દરમ્યાન બેફામ ભ્રષ્ટાચાર, સતત કથળી રહેલ અર્થતંત્ર અને નોકરી તેમજ સરકારી રાહતોના અનામત ક્વોટામાં પાકિસ્તાન સામે ૧૯૭૧માં યુદ્ધમાં ભાગ લીધો હતો તેવા સૈનિકોના પરિવારને પણ સામેલ કરવામાં આવતા હોઇ નાગરિકો અને યુવા પેઢીને ભારે રોષ હતો. છેલ્લા બે વર્ષથી ઉકળેલા ચરુ જેવી તો સ્થિતિ હતી. શેખ હસીના સમર્થકો અને વિરોધીઓ દેખાવના કાર્યક્રમોમાં સામસામે આવી જતા હતા. શેખ હસીના બાંગ્લા દેશ પોલીસને પણ વિરોધીઓને ફટકારો, ગોળીબાર કરો, જેલમાં પૂરી દેવાનો હુકમ આપી ચૂક્યા હતા. શેખ હસીનાની પરંપરાગત હરીફ બેગમ ખાલીદા ઝિયાના પક્ષે પણ તક ઝડપી આંદોલનને વેગ આપ્યો. પાંચ ઓગસ્ટના રોજ સમગ્ર બાંગ્લાદેશના નાગરિકોને શેખ હસીનાના ઢાકા સ્થિત નિવાસ સ્થાન અને સંસદ પર હલ્લો બોલાવા ટૂલ કીટ અને સોશિયલ મીડિયા દ્વારા રાષ્ટ્રવ્યાપી કોલ આપવામાં આવ્યો. લાખો નાગરિકો યોજના પ્રમાણે આગળ વધ્યા.શેખ હસીના સમય પારખીને ભારત ભાગી આવ્યા અને રાજ્યાશ્રય માંગ્યો. આ તરફ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી. ૩૦૦થી વધુના મૃત્યુ થયા. શેખ હસીનાના પક્ષના નેતાઓ, કાર્યકરોના ઘર સળગાવ્યા. સેંકડો લાપતા છે તેઓના મૃત્યુ પણ થયાની ભીતિ છે. શેખ હસીના પિતા સ્વ.શેખ મુજીબનું પૂતળું જમીનદોસ્ત કરાયું. શાંતિનું નોબેલ પ્રાઈઝ જીતી ચૂકેલ મોહમ્મદ યુનુસ કાર્યકારી વડાપ્રધાન બન્યા છે