Get The App

બલુચિસ્તાનમાં હિંસક બળવો : 14 સૈનિકો સહિત 73નાં મોત

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
બલુચિસ્તાનમાં હિંસક બળવો : 14 સૈનિકો સહિત 73નાં મોત 1 - image


- પાક. સૈન્ય-પોલીસ અને સરકારના અત્યાચારોની પરાકાષ્ઠા બાદ બળવાખોરો હથિયારો સાથે રસ્તા પર ઉતર્યા

- 24 કલાક સુધી પોલીસ સ્ટેશન, રેલવે લાઇન અને નેશનલ હાઇવે સહિત પુરા પ્રશાસનને બાનમાં લીધું, જવાબી કાર્યવાહીમાં 12 બળવાખોરોનાં મોત

- પાક.થી આઝાદ થવાની લડાઇ લડનારા બલુચ લિબરેશન આર્મીએ હુમલાઓની જવાબદારી સ્વીકારી

શ્રીનગર : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ઉગ્રવાદીઓએ સોમવારે પોલીસ સ્ટેશનો, રેલવે લાઈનો અને હાઈવે પરના વાહનોને લક્ષ્યાંક બનાવીને ૧૪ સૈનિકો સહિત ઓછામાં ઓછા ૭૩ લોકોની હત્યા કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અલગાવવાદી બળવાખોરોનો આ સૌથી મોટો હુમલો હોવાનું માનવામાં આવે છે. ઉગ્રવાદીઓએ મુખ્યત્વે હાઈવે પરના વાહનો, ટ્રકો તેમજ રેલવે લાઈનો અને પોલીસ સ્ટેશનોને લક્ષ્યાંક બનાવ્યા હતા. પાકિસ્તાની સુરક્ષા દળોએ કરેલી વળતી કાર્યવાહીમાં ઓછામાં ઓછા બાર ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. 

પાકિસ્તાનના દક્ષિણપશ્ચિમ પ્રાંત બલુચિસ્તાનમાં સોમવારે બે અલગ હિંસક ઘટનાઓમાં લગભગ ૭૩ લોકોના મોત થયા હતા. પહેલો હુમલો મુસાખૈલ જિલ્લામાં થયો હતો જ્યારે સશસ્ત્ર હુમલાખોરોએ બસ, ટ્રક અને વાહનો પર હુમલા કરીને ૨૩ પ્રવાસીઓને બળજબરીપૂર્વક અલગ કરીને તેમજ તેમના ઓળખપત્રો ચકાસીને પંજાબી નાગરિકોની હત્યા કરી હતી. હુમલાખોરોએ ઘટનાસ્થળેથી નાસી જવા અગાઉ દસ વાહનોને આગ પણ લગાડી હતી.

એક અન્ય ઘટનામાં કલાત જિલ્લામાં સશસ્ત્ર હુમલાખોરોએ ચાર પોલીસ અધિકારીઓ અને પાંચ નાગરિકો સહિત સોળ જણાની હત્યા કરી હતી. આ હુમલા બલુચિસ્તાનમાં હિંસાની વ્યાપક પેટર્નનો હિસ્સો હતા જેમાં બળવાખોરોએ બોલાનમાં રેલવે ટ્રેક, મેસ્ટુંગમાં પોલીસ સ્ટેશન અને ગ્વાદરમાં વાહનોને ટાર્ગેટ કર્યા હતા. સદ્નસીબે આ અન્ય હુમલાઓમાં કોઈ જાનહાનિ નહોતી નોંધાઈ. ઉપરાંત બીએલએના બળવાખોરોએ પાકિસ્તાનને ઈરાન સાથે જોડનારી રેલવે લાઈનને પણ ટાર્ગેટ બનાવી હતી. બલુચ લિબરેશન આર્મી (બીએલએ)એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. બીએલએ એક અલગાવવાદી સંગઠન છે જે લાંબા સમયથી પાકિસ્તાનના પૂર્વ પંજાબ પ્રાંતમાંથી આવતા કામદારો અને વ્યક્તિઓ, સૈન્ય કે પોલીસને ટાર્ગેટ કરતું રહ્યું છે.  આ વિસ્તારમાં અન્ય આતંકી જૂથો પણ સક્રિય છે જેના કારણે સુરક્ષા સ્થિતિ વધુ ગૂંચવાયેલી છે. પાકિસ્તાનના આંતરિક મંત્રી મોહસીન નક્વીએ હુમલાને બર્બર ગણાવીને વખોડી કાઢ્યા હતા અને ગુનેગારોને સજા આપવાની ખાતરી આપી હતી. પાકિસ્તાની સુરક્ષા દળોએ કરેલી કાર્યવાહીમાં બાર ઉગ્રવાદીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે આ પ્રાંતના કેટલાક ઉગ્રવાદી સંગઠનો અગાઉથી જ પાકિસ્તાનના બલુચિસ્તાન પરના કબજાનો વિરોધ કરતા રહ્યા  છે અને પાકિસ્તાનના પંજાબ તેમજ અન્ય પ્રાંતમાંથી આવતા કામદારોને ટાર્ગેટ કરતા રહ્યા છે. અગાઉ આ વર્ષે ૧૧ એપ્રિલે આવી જ રીતે બલુચિસ્તાનના નૌશકીમાં ૧૧ કામદારોની હત્યા કરવામાં આવી હતી તેમજ ગ્વાદર પોર્ટનું કામ કરી રહેલા નવ ચીની એન્જિનીયરોની પણ અગાઉ હત્યા કરવામાં આવી હતી. અગાઉ આ પ્રાંતમાં પાક. સરકાર-સૈન્ય અને પોલીસના અત્યાચારોથી કંટાળીને લોકોએ શાંતિપૂર્વક આંદોલન ચલાવ્યું હતું. જોકે હવે હથિયારધારી સંગઠનોએ સૌથી મોટા હુમલા કરીને પાક. સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે.


Google NewsGoogle News