ઈલોન મસ્ક મુશ્કેલીમાં મૂકાયા,ડાબેરીઓ દ્વારા ટેસ્લાના વાહન-ડીલરશિપ પર હિંસક હુમલા
Elon Musk News : ઈલોન મસ્કની કંપની ટેસ્લા અને તેના વાહનો તથા કારની ડિલરશિપ ધરાવતાં લોકોને ડાબેરીઓ દ્વારા અમેરિકામાં સતત હિંસાના લક્ષ્ય બનાવવામાં આવતાં ઇલોન મસ્કે આ હુમલાઓની પોડકાસ્ટ દ્વારા જાહેર ટીકા કરી છે તો ટ્રમ્પ વહીવટીતંત્રએ આ તોફાની તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે તેવી ધમકી આપવી પડી છે. સિયેટલમાં અને લાસ વેગાસમાં એક સાયબર ટ્રક તથા કારને આગ ચાંપવામાં આવી હતી તો દેશભરમાં આવેલાં ટેસ્લાના શો રૂમ્સ અને ડિલરશિપ્સ પર મોલોટોવ કોકટેઇલ- એકપ્રકારના હાથબોમ્બ- ફેંકી હિંસક હુમલા કરવાની તથા ગોળીબાર કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ બની છે. સલામતિના કારણોસર કેનેડામાં ઇન્ટરનેશનલ ઓટો શોમાંથી પણ ટેસ્લાને દૂર કરાઇ છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ તરીકે હોદ્દો સંભાળી ઈલોન મસ્કને સરકારી ખર્ચ ઘટાડવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી-ડોજે-નો વડો બનાવ્યો તે પછી મસ્કે ભરેલાં પગલાંથીનારાજ લોકો દ્વારા ટેસ્લા પર થતાં હુમલાઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રમુખ ટ્રમ્પની પહેલી મુદત દરમ્યાન તેમની ન્યુયોર્ક અને વોશિંગ્ટનમાં આવેલી સંપત્તિઓ તેમની સામે વિરોધ કરવાના સ્થળો બની ગયા હતા. હવે ટ્રમ્પની બીજી મુદતમાં આ ભૂમિકા ટેસ્લાને ફાળે આવી છે. મસ્કના ટીકાકારોએ નોર્થ અમેરિકા અને યુરોપમાં ટેસ્લાની ડિલરશિપ્સ અને ફેકટરીઓ સામે ડઝનબંધ શાંતિપૂર્ણ દેખાવો યોજ્યા છે. એક યુએસ સેનેટર સહિત ઘણાં ટેસ્લા વાહનોના માલિકોએ તેમના વાહનો વેચવા કાઢ્યા છે. જેને કારણે સેકન્ડ હેન્ડ સાયબર ટ્રકના ભાવમાં આઠ ટકાનો ઘટાડો થયો છે.સેકન્ડ હેન્ડ કારના ભાવોની યાદી પ્રકાશિત કરતા કારગુરૂ દ્વારા ઉમેરવામાં આવ્યું હતું કે ટ્રમ્પે સત્તા સંભાળી તે પછી ટેસ્લાના વાહનોના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે બાકીનું બજાર યથાવત રહ્યું છે.
ઈલોન મસ્કે સોમવારે સેન ટેડ ક્રૂઝના પોડકાસ્ટમાં આ તોડફોડ મામલે જણાવ્યું હતું કે આમાંની કેટલીક ઘટનાઓ સુઆયોજિત અને નાણાં ચૂકવી કરાવવામાં આવી હોવાનું જણાય છે. જેના માટે ડાબેરી અબજોપતિઓએ નાણાં પુરાં પાડી અમેરિકાના ડાબેરી સંગઠનો દ્વારા તે કરાવી લાગે છે. લાસ વેગાસમાં બળતી ટેસ્લાનો ફોટો એક્સ પર મુકી મસ્કે મંગળવારે એક્સ પર જણાવ્યું હતું કે આ સ્તરની હિંસા એ ગાંડપણ છે અને તે ખોટી છે. ટેસ્લા માત્ર ઇલેક્ટ્રિક વાહનો બનાવે છે અને આ પ્રકારના દુષ્ટ હુમલા તેમના પર કરવામાં આવે તેવું કશું તેમણે કર્યું નથી.
બીજી તરફ પ્રમુખ ટ્રમ્પે ટેસ્લા સામે કરવામાં આવી રહેલી તોડફોડને ઘરેલુ આંતકવાદ ગણાવી કંપનીને લક્ષ્ય બનાવનારઓને ચેતવણી આપી હતી કે તેમને નરકમાં જવાની સજા ભોગવવી પડશે. એટર્ની જનરલ પામ બોન્ડીએ જણાવ્યું હતું કે તે આ હુમલા કરવા માટે કોણ નાણાં પુરાં પાડે છે અને તેની પાછળ કોણ છે તેની તપાસ શરૂ કરશે. બોન્ડીએ મંગળવારે જણાવ્યું હતું કે જો તમે ટેસ્લાને હાથ લગાવશો કે ડિલરશિપ પાસે જઇ કશું કરશો તો અમારી નજર તમારી પર હશે. અમે તમને છોડીશું નહીં.
વોશિંગ્ટન સ્ટેટમાં ટેસ્લા ઓનર્સ કલબના પ્રેસિડેન્ટ થેરેસા રેમ્સડેલ તથા તેના પતિ ટેસ્લાના ત્રણ વાહનો ધરાવે છે. થેરેસાએ જણાવ્યું હતું કે ઈલોન અને ટ્રમ્પ સામે નફરત વ્યક્ત કરવી એ તમારી પસંદગી છે પણ તેના માટે બીજાની સંપત્તિનો નાશ કરવાનું યોગ્ય નથી. તમે તમારી વાત વધારે અસરકારક રીતે રજૂ કરવા અન્ય માર્ગ અપનાવી શકો છો. તોફાનીઓથી બચવા માટે ઘણાં ટેસ્લા માલિકોઓએ સ્ટિકર્સ ચોંટાડવા માડયા છે: આપણે જાણીએ છીએ કે મસ્ક ગાંડો થયો છે પણ મેં આ વાહન એ પહેલાં જ ખરીદી લીધું હતું.