યાગી વાવાઝોડાનો કહેર, વિયેતનામમાં મૃત્યુઆંક વધીને 82ને પાર, 64 લોકોની હજુ ભાળ ન મળી
Vietnam Yagi Typhoon News | વિયેતનામમાં ત્રાટકેલા ટાયફૂન યાગીએ વેરેલા વિનાશની હકીકતો મોડે મોડેથી બહાર આવી રહી છે. આ ચક્રવાતને લીધે થયેલી અનરાધાર વર્ષાને લીધે દેશની તમામ નદીઓમાં ભારે પૂર આવ્યાં હતાં, અને વિયેતનામને લાઓસથી જુદી પાડતી મકોંગ નદીએ રૌદ્ર સ્વરૂપ લેતા તેનાં ખેતીલાયક જમીનનું ધોવાણ થઇ ગયું છે. અસંખ્ય ઘરો તારાજ થઇ ગયાં છે. ઉદ્યોગોને પણ ભારે નુકસાન થયું છે.
વિયેતનામની નેશનલ ડીઝાસ્ટર કન્ટ્રોલ એજન્સીના જણાવ્યા પ્રમામે ભારે વરસાદ અને પૂરને લીધે 82 જણાનાં મૃત્યુ થયાં છે, 64 લાપત્તા છે. સત્તાવાળાઓને ભીતિ છે કે મૃત્યુ આંક હજી પણ વધવા સંભવ છે.
ઉત્તર વિયેતનામમાં તો પૂરે હાહાકાર મચાવ્યો છે. ત્યાં જમીન ધસી પડવા સાથે નિબંધ પૂરોને લીધે કેટલી જાનહાની થઇ છે. તે નિશ્ચિત કહેવું મુશ્કેલ છે. વ્યાપક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઈ છે.
ઉત્તર વિયેતનામનાં ઔદ્યોગિક મથકો, બેક ગીયાંગ, અને થાઈ ન્યુએન પાણીમાં હળાહળ થઇ ગયાં છે. અહીંની ફેકટરીઓ, સામસુંગ ઇલેક્ટ્રોનિક્સ અને એપલ માટે ઉપકરણો બનાવે છે તે સાથે ફોક્સ કોન પણ અસામાન્ય વરસાદને લીધે બંધ રાખવી પડી છે. વાસ્તવમાં શનિવારથી શરૂ થયેલી અનરાધાર વર્ષાએ વિયેતનામ વિશેષત: ઉત્તર વિયેતનામનું જનજીવન ખોરવી નાખ્યું છે.
આ ચક્રવાતે પહેલાં ફીલીપાઈન્સને ઘમરોળી નાખ્યું હતું પછી તાઈવાન અને તે પછી ચીનના દક્ષિણના ટાપુ હૈનાત ઉપરથી તે ઉત્તર વિયેતનામ પર ત્રાટક્યો છે. તેણે ફીલીપાઈન્સથી શરૂ કરી વિયેતનામ સુધીના વિસ્તારને ઘમરોળી નાખ્યા છે.