VIDEO | ગાઝામાં યુનિવર્સિટી પર ઈઝરાયલનો ભયાનક હવાઈ હુમલો, અમેરિકાએ પણ માગ્યો ખુલાસો
આખું બિલ્ડિંગ આગની લપેટમાં આવીને કાટમાળમાં ફેરવાઈ ગયું
image ; Twitter |
Israel attack on University viral video | ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 100 કરતાં પણ વધુ દિવસોથી યુદ્ધની સ્થિતિ યથાવત્ છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઈઝરાયલ દ્વારા ગાઝામાં આવેલી પેલેસ્ટાઈન યુનિવર્સિટીના એક મુખ્ય પરિસર પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે આખું બિલ્ડિંગ આગની લપેટમાં આવીને કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. અલ ઈસરા યુનિવર્સિટીના કેમ્પસ પર આ હુમલો કરાયો હતો.
અમેરિકા થયું ગુસ્સે, માગ્યો ખુલાસો
જોકે આ વીડિયો વાયરલ થતાં જ અમેરિકાથી સીધી પ્રતિક્રિયા આવી અને તેણે ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકાર તથા ઈઝરાયલી સૈન્ય પાસે આ વીડિયો મામલો ખુલાસો માગી લીધો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુનિવર્સિટીનું આખું કેમ્પસ દેખાય છે અને થોડીક જ વારમાં તેના પર એટલો ભીષણ બોમ્બમારો કરવામાં આવે છે કે તે આખી ઈમારત કાટમાળ અને આગના ગોળામાં ફેરવાઈ જાય છે.
અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા શું બોલ્યાં?
અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડેવિડ મિલરે આ મામલે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે હજુ અમારી પાસે પૂરતી માહિતી આવી નથી. જોકે ખાન યુનિસ બનેલી આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ દાવો કરી રહ્યા છે કે દક્ષિણ ગાઝામાં આવેલા આ શહેરમાં ગોળીબાર અને ભયાનક હવાઈ હુમલા ઈઝરાયલી સૈન્ય દ્વારા કરાયા હતા. આ યુનિવર્સિટીને ઈમારતને પણ હમાસનું ઠેકાણું ગણાવી તેને હવાઈ હુમલા દ્વારા ઊડાવી નાખવામાં આવી હતી.