ભારતમાં કાર વેચવી અશક્ય, ટેસ્લાએ ફેક્ટરી ન ખોલવી જોઈએ: ટ્રમ્પનો ઈલોન મસ્કને નિર્દેશ
Donald Trump Reaction On Elon Musk: વિશ્વની અગ્રણી ઈવી ઉત્પાદક ટેસ્લાએ ભારતમાં ભરતી પ્રક્રિયાની જાહેરાત સાથે વિસ્તરણ યોજના રજૂ કરતાં જ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી દર્શાવી છે. તેમણે ઈલોન મસ્કના આ નિર્ણયને અયોગ્ય ગણાવી તેમના માટે ભારતમાં કાર વેચવી અશક્ય હોવાનું જણાવ્યું હતું. એક મીડિયા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે આ નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં ઈલોન મસ્ક પણ ઉપસ્થિત હતા.
ઈલોન ભારતમાં કાર વેચી શકશે નહીં
વિદેશી મીડિયાના ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, મેં PM મોદી સાથેની મુલાકાતમાં ભારત દ્વારા કાર પર વસૂલાતા ઊંચા દરોનો વિરોધ દર્શાવ્યો હતો. તેમણે આ મામલે સુધારો કરી ટેરિફમાં ફેરફાર કરવા સહમતિ દર્શાવી હતી. ભારત વિશ્વની ત્રીજી ટોચની ઓટો મેકર ટાટા મોટર્સ જેવી સ્થાનિક કંપનીઓના રક્ષણ માટે ઈવીની આયાત પર 100 ટકા ટેરિફ વસૂલે છે. જેના લીધે ઈલોન મસ્ક સમાટે ભારતમાં કાર વેચવી અશક્ય છે.
ઈલોન મસ્કે પણ સ્વીકાર્યું કે, ભારતમાં...
ઈલોન મસ્કે પણ સ્વીકાર્યું છે કે, ભારતમાં કાર વેચવી લગભગ અસંભવ છે. કારણકે તે ઈવી પર 100 ટેરિફ લાદે છે. પરંતુ ભારતમાં 35000 ડૉલરથી વધુ કિંમતની ઈ-કાર પર 15 ટકા આયાત ડ્યૂટી છે. જો કે, તેમાં અમુક શરતો લાગુ છે. જો કે, ટ્રમ્પે મસ્કને કહ્યું કે, વિશ્વનો પ્રત્યેક દેશ ટેરિફના બદલામાં આપણી પાસેથી કમાણી કરે છે. જો મસ્ક ભારતમાં ફેક્ટરી ખોલવાનો નિર્ણય લે તો અમેરિકા સાથે અન્યાય ગણાશે.
ટેસ્લા એપ્રિલમાં ભારતમાં પ્રવેશશે
ઈલોન મસ્કની ટેસ્લા આ વર્ષે એપ્રિલ સુધીમાં ભારતમાં પ્રવેશ કરવાની યોજના ધરાવતી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઈવી મેકરે મુંબઈ અને નવી દિલ્હીમાં બે શોરૂમ માટે જગ્યાની પસંદગી પણ કરી લીધી છે. તેમજ વિવિધ પદ માટે ભરતી પણ શરુ કરી છે. જો કે, ટેસ્લાએ ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરુ કરવાની કોઈ માહિતી આપી નથી.
ટેસ્લાને નડી રહ્યા છે આ પડકારો
ટેસ્લા છેલ્લા ઘણા વર્ષોથી ભારતના ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં પ્રવેશવા માગે છે. પરંતુ રોકાણો, રેગ્યુલેશન્સ અને ઊંચા ટેક્સના કારણે તે અનેક પડકારોનો સામનો કરી રહી છે. તેણે આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવા સહિત વિવિધ પ્રોત્સાહનો આપવાની માગ કરી હતી.
ઈવી પોલિસીમાં સુધારો
ભારત સરકારે ગત વર્ષે માર્ચમાં નવી ઈવી પોલિસી રજૂ કરી હતી. જેમાં જો કાર મેકર ભારતમાં ફેક્ટરી સ્થાપિત કરે અને 500 મિલિયન ડૉલરનું રોકાણ કરે તો તેની પાસેથી 15 ટકા આયાત ડ્યૂટી વસૂલાશે.