Get The App

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની હત્યાના પ્રયાસ બદલ 32ની ધરપકડ, અમેરિકાની જાસૂસી સંસ્થા CIA પર આરોપ

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની હત્યાના પ્રયાસ બદલ 32ની ધરપકડ, અમેરિકાની જાસૂસી સંસ્થા CIA પર આરોપ 1 - image

image : Twitter

કરાકસ,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર

ક્રૂડ ઓઈલના ભંડાર પોતાના પેટાળમાં ધરબીને બેઠેલા દુનિયાના ગણતરીના દેશોમાં વેનેઝુએલાનો પણ સમાવેશ થાય છે. 

વેનેઝુએલામાં આજકાલ રાજકીય ઉથલ પાથલનો દોર ચાલી રહ્યો છે. વેનેઝુએલાની સુરક્ષા એજન્સીઓએ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની હત્યા કરવાના પ્રયાસ બદલ 32 લોકોની ધરપકડ કરી છે અને અમેરિકા પર રાષ્ટ્રપતિની હત્યા કરવાનુ કાવતરૂ ઘડવાનો આરોપ મુકયો છે. આ મામલામાં પકડાયેલા લોકોમાં આમ નાગરિકો તેમજ સૈનિકો પણ સામેલ છે. 

માદુરોના એટર્ની જનરલ તારેક વિલિયમ સાબના કહેવા અનુસાર એક મહિનાની તપાસ બાદ ધરપકડોનો દોર શરૂ કરાયો હતો. તમામે આ કાવતરાની કબૂલાત કરી છે. આ ષડયંત્રના ભાગરૂપે દેશા સંરક્ષણ મંત્રી વ્લાદિમીર પેડરિનો પણ ટાર્ગેટ હતા. 

રાષ્ટ્રપતિ માદુરોએ દેશના નેશનલ ટીવી પર સંબોધન કરતા કહ્યુ હતુ કે, આંતકવાદ તેમજ દેશદ્રોહ બદલ પકડાયેલા લોકોને મહત્તમ સજા થવી જોઈએ. આ પહેલા સંરક્ષણ મંત્રીએ પણ કાવતરાને વખોડી કાઢ્યુ હતુ અને કહ્યુ હતુ કે, છેલ્લા એક વર્ષથી ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધરીને સમગ્ર મામલાની તપાસ થઈ રહી હતી. 

સંરક્ષણ મંત્રીએ પેડરિનોએ કહ્યુ હતુ કે, દેશના જમણેરી પરિબળોએ મારૂ અને પ્રેસિડેન્ટની હત્યાનુ કાવતરૂ ઘડ્યુ હતુ.  

અધિકારીઓએ તો આ કાવતરામાં વિપક્ષી નેતા મારિયા કોરિનો પણ સામેલ હોવાનો આરોપ મુકયો છે. માદુરોની સરકાર વિપક્ષ પર એમ પણ અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ અને ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનનુ સમર્થન હોવાનુ કહેતી રહી છે. 

માદુરો 2018માં બીજી વખત વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જોકે તે વખતે પણ ચૂંટણીમાં ગરબડના આક્ષેપો થયા હતા અને ઘણા દેશોએ આ ચૂંટણીને માન્યતા આપી  નહોતી. હવે વેનેઝુએલાએ 2024માં આંતરરાષ્ટ્રીય નિરિક્ષકોની હાજરીમાં ચૂંટણી યોજવાનુ સ્વીકાર્યુ છે. 


Google NewsGoogle News