70 વર્ષથી આયર્ન બોકસમાં કૃત્રિમ શ્વાસ પર જીવતા વાલેપોલ એલેકઝાન્ડરનું અવસાન
- 1952માં પોલિયો અને ફેફસાંની બિમારી થતા
- આયર્ન લંગ્સ મશીનમાં રહીને અભ્યાસ કર્યો એટલું જ નહીં બાળકોને પણ ભણાવ્યા : પોલની જીજીવિષા અને હિંમત હતાશ લોકો માટે પ્રેરણારૂપ
વોશિંગ્ટન : 'આયર્ન લંગ' એટલે કે લોખંડના ફેફસાંની મદદથી ૭૦ વર્ષથી જીવી રહેલા વાલેપોલ એલેકઝાન્ડરનું અવસાન થયું છે. ૭૮ વર્ષની ઉંમરને એલેકઝાન્ડર પોલિયો પોલના નામથી જાણીતા હતા. પોલ એલેઝાન્ડરને ૧૯૫૨માં ૬ વર્ષની ઉંમરે પોલિયો થયો હતો. પોલિયોની સારવાર માટે ટેકસાસની હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. પોલિયો ઉપરાંત એલેકઝાન્ડરના ફેફસા ખરાબ હોવાથી લોખંડમાંથી બનેલા બોકસ (આયર્ન લંગ)માં રાખવામાં આવ્યા હતા. આ બોકસમાં તેમણે પોતાનું સમગ્ર જીવન પસાર કર્યુ હતું. આથી જ તો તેમને દુનિયા 'ધ મેન ઇન ધ આયર્ન લંગ' તરીકે ઓળખતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૧ માર્ચના રોજ આ મશીનની અંદર જ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.
૧૯૪૬માં જન્મેલા પોલ એલેકઝાન્ડરેને પોલિયો થવાથી ગર્દનની નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો હતો. તેઓ શ્વાસ પણ લઇ શકતા ન હતા. શ્વાસ લેવા માટે ૬૦૦ પાઉન્ડના આયર્ન મશીનની અંદર રાખવામાં આવ્યા હતા. આ એક પ્રકારનું વેટિલેટર છે જેમાં શરીર મશીનની અંદર જયારે માત્ર ચહેરો જ બહાર હોય છે. એ સમયે આયર્નના બોકસ જેવું મશીન શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ માટે વપરાતું હતું. ખાસ કરીને જેના ફેફસાં કામ કરતા બંધ થઇ જાય તેમના માટે આ મશીન વરદાન રુપ સાબીત થતું હતું. આ મશીનની મદદથી શ્વાસ લઇને ૭ દાયકા સુધી જીવતા રહયા હતા. ૧૯૨૮માં બનેલા આ મશીનમાં રહેનારા પોલ એક માત્ર વ્યકિત હતા. બીજા મશીન શોધાયા તેમ છતાં પોલે પહેલાના મશીનમાં જ રહેવાનું નકકી કર્યુ હતું. ફેફસાં ખલાસ થઇ ગયા હોવા છતાં આ મશીનની મદદથી જ શ્વાસ લઇ શકતા હતા. પોતાના જીવનને મશીનને અનુરુપ ગોઠવી દીધું હતું.
જીવનમાં કોઇ પણ પરીસ્થિતિ સામે હાર નહી માનવી એ તેમના જીવનનો મૂળ મંત્ર હતો. નાની વાતમાં પરેશાન થઇ જનારા લોકો માટે પોલની જીજીવિષા અને હિંમત પ્રેરણા આપનારા હતા. આયર્ન લંગ્સ મશીનમાં રહીને અભ્યાસ કર્યો એટલું જ નહી બાળકોને પણ ભણાવ્યા હતા. પોલના ભાઇ ફિલિપે મુત્યુની જાહેરાત કરીને ભાઇના ઇલાજ માટે દાન કરનારા સૌનો આભાર માન્યો હતો. જીવનના છેલ્લા કેટલાક વર્ષો તણાવમુકત રહી શકયા તેના માટે સૌનો આભાર વ્યકત કર્યો હતો.