ઉઝબેકિસ્તાનમાં એક ભારતીય સહિત 23ને જેલ, ભારતીય કંપનીની કફ સિરપથી 68 બાળકના મોત થયા હતા

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
ઉઝબેકિસ્તાનમાં એક ભારતીય સહિત 23ને જેલ, ભારતીય કંપનીની કફ સિરપથી 68 બાળકના મોત થયા હતા 1 - image

તાશ્કંદ,તા.27 ફેબ્રુઆરી 2024,મંગળવાર

ઉઝબેકિસ્તાનની એક કોર્ટે ખરાબ કફ સિરપના કારણે 68 બાળકોના મોતના ચકચારી મામલામાં 23 લોકોને જેલની સજા ફટકારી છે. દરેક આરોપીને અલગ અલગ સમય માટે જેલની સજા અપાઈ છે અને તેમાં સૌથી વધારે 20 વર્ષની કેદની  સજા ભારતીય નાગરિકને સંભળાવવામાં આવી છે.

કોર્ટે આ 23 લોકોને ટેકસ ચોરી, નકલી દવાઓના વેચાણ, પોતાના હોદ્દાનો દુરપયોગ તેમજ લાંચ આપવાના આરોપો બદલ દોષી ઠેરવ્યા હતા.

જે કફ સિરપ પીવાથી બાળકોના મોત થયા છે તેનુ નિર્માણ ભારતની કંપની મેરિયન બાયોટેકે કર્યુ હતુ.ઉઝબેકિસ્તાનમાં કુરામેક્સ મેડિકલ નામની કંપની દ્વારા તેનુ ડિસ્ટ્રિબ્યુશન કરાયુ હતુ. કોર્ટે સૌથી વધારે 20 વર્ષની કેદની સજા કુરામેક્સ મેડિકલના એક્ઝિક્યુટિવ ડાયરેકટર રાઘવેન્દ્ર પ્રતાપ સિંહને ફટકારી છે. જે ભારતીય  નાગરિક છે.

સાથે સાથે કોર્ટે મરનારા 68 બાળકોના પરિવારોને 80000 ડોલરનુ વળતર ચુકવવા માટે પણ આદેશ આપ્યો હતો. સાથે સાથે આ સિરપ પીવાથી વિકલાંગ બનેલા ચાર બાળકોના પરિવારોને પણ આટલુ જ વળતર ચુકવવા માટે હુકમ કર્યો હતો. વળતરની રકમ 23 પૈકીના સાત દોષિતો પાસેથી વસુલવામાં આવશે.

ઉઝબેકિસ્તાનમાં 2022 થી 2023ની વચ્ચે 88 જેટલા બાળકો બીમાર પડ્યા હતા અને તપાસમાં બહાર આવ્યુ હતુ કે, આ તમામ બાળકોને ભારતીય બનાવટની કંપનીનુ કફ સિરપ આપવામાં આવ્યુ હતુ અને તે ઝેરીલુ હતુ. ડોક-1 મેક્સ નામના કફ સિરપમાં ડાયથિલીન ગ્લાઈકોલ મળી આવ્યુ હતુ. જેના કારણે 68 બાળકોના મોત થયા હતા.

દેશમાં મચેલા હાહાકાર વચ્ચે તપાસ એજન્સીઓએ કેસ નોંધીને તપાસ શરુ કરી હતી. કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ હતી અને આખરે 20 લોકોને કોર્ટે જેલની સજા ફટકારી છે.


Google NewsGoogle News