માણસોની મશિન પર જીત, ઉત્તરાખંડ ટનલમાંથી 41 શ્રમિકોના રેસ્ક્યૂની દુનિયાભરના મીડિયાએ નોંધ લીધી
image : twitter
નવી દિલ્હી,તા.29 નવેમ્બર 2023,બુધવાર
ઉત્તરાખંડની સિલક્યારા સુરંગમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોને સહી સલામત બહાર કાઢવાના ઓપરેશનની નોંધ આખી દુનિયામાં લેવાઈ છે.
મંગળવારે જ્યારે આ ઓપરેશન સફળતાપૂર્વક પુરુ થઈ રહ્યુ હતુ ત્યારે દુનિયાના ઘણા મીડિયાએ તેના પર વારંવાર અપેટ આપી હતી. બીબીસીએ કહ્યુ હતુ કે, પહેલો શ્રમિક હેમખેમ બહાર આવતાની સાથે જ સુરંગની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
અમેરિકન ચેનલ સીએનએને કહ્યુ હતુ કે, શ્રમિકોને બચાવવાના અભિયાનમાં ઘણા અવરોધ આવ્યા હતા. ખાસ કરીને ભારે ભરખમ મશિનો ખરાબ થઈ ગયી ત્યારે હાથથી કામ કરવુ પડ્યુ હતુ અને બીજા જોખમી વિકલ્પોને પણ અપનાવવા પડ્યા હતા.
આરબ ચેનલ અલ જજીરાના કહેવા પ્રમાણે સુરંગમાંથી બહાર લવાયેલા શ્રમિકોને 30 કિલોમીટર દૂરની હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સોને તૈયાર રાખવામાં આવી હતી. ટનલમાં ઉતારવામાં આવેલા પાઈપમાંથી શ્રમિકોને બહાર લાવવામાં આવ્યા હતા.
બ્રિટિશ અખબાર ગાર્જિયને કહ્યુ હતુ કે, સુરંગમાંથી બહાર આવતા શ્રમિકોનુ દ્રશ્ય જોવા મળ્યુ તે પહેલા બચાવ અભિયાનમાં ઘણા વિઘ્નો નડ્યા હતા. જોકે માણસોએ મશિનરી પર વિજય પ્રાપ્ત કર્યો હતો. કારણકે ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવા માટે અંતિમ 12 મીટરનુ ખોદકામ હાથથી કરવામાં આવ્યુ હતુ.
બ્રિટિશ અખબાર ટેલિગ્રાફે જણાવ્યુ હતુ કે, સેનાના એન્જિનિયરો અને ખોદકામ કરનારા નિષ્ણાતોએ ટનલમાં રેટ હોલ ડ્રિલિંગ કર્યુ હતુ અને તેના કારણે શ્રમિકોને બહાર કાઢવાનુ શક્ય બન્યુ હતુ.
ઉત્તરાખંડમાં બની રહેલી ટનલમાં 12 નવેમ્બરે એક હિસ્સો ધસી પડ્યો હતો અને તેના કારણે 41 શ્રમિકો ફસાઈ ગયા હતા. જેમને 17 દિવસ બાદ મંગળવારે સહી સલામત ઉગારી લેવાયા હતા.