જે.ડી. વાન્સના શપથ-વિધિ સમયે ઉષા વાન્સ છવાઈ ગયાં : ટ્રમ્પે તેઓની ભારોભાર પ્રશંસા કરી
- ઉષાએ તેઓના પતિ જે.ડી. વાન્સને શુદ્ધ શાકાહારી બનાવ્યા છે
- ટ્રમ્પે કહ્યું મેં ઉષા ચીલુ કુટી વાન્સને જ ઉપપ્રમુખ બનાવવા વિચાર્યું હતું : તેઓ ઘણાં તેજસ્વી છે સકસેશન લાઈન પ્રમાણે જે.ડી. વધુ યોગ્ય લાગ્યા
વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ, ઉપપ્રમુખના શપથ વિધિ સમયે ઉપપ્રમુખ તરીકે જે.ડી. વાન્સે પહેલા શપથ લીધા હતા. તે સમગ્ર વિધિ દરમિયાન ગુલાબી કોટ પહેરી, જે.ડી.ની બાજુમાં ઊભાં રહેલાં તેઓનાં પત્ની ઉષા વાન્સ સમારંભમાં છવાઈ ગયા હતાં.
પતિ જે.ડી. વાન્સે અમેરિકાના ૫૦માં ઉપપ્રમુખપદે શપથ લીધા સાથે ૩૯ વર્ષનાં તેઓનાં પત્ની ઉષા વાન્સ હિન્દૂ-અમેરિકન તેવાં સૌથી પહેલાં સેકન્ડ લેડી બની રહ્યાં.
જે.ડી. વાન્સે પોતાનો ડાબો હાથ બાયબલ પર રાખ્યો હતો. સાથે જમણો હાથ ઊંચો કરી પોતાના પદના શપથ લીધા હતા.
ઉષા વાન્સ વ્યવસાયે વકીલ છે. તેઓનાં માતા-પિતા મૂળ વેસ્ટ-ગોદાવરી ડીસ્ટ્રીક્ટ આંધ્રપ્રદેશનાં વાદબુરૂ ગામનાં વતની હતાં. તેઓ અમેરિકામાં જઈ વસ્યાં જ્યાં ઉષા તેઓનાં અભ્યાસ દરમિયાન જે.ડી. વાન્સના પરિચયમાં આવ્યાં. પરિચય પરિણયમાં પલટાયો તેઓને ૩ બાળકો છે.
ઉષા વાન્સ શુદ્ધ શાકાહારી છે. તેઓનાં લગ્ન પણ હિન્દુ વિધિ પ્રમાણે થયાં હતાં. ઉષાએ તેઓના પતિને તેઓના જ ધર્મ (ખ્રિસ્તી ધર્મ)નો વધુ ઊંડો અભ્યાસ કરવા પ્રેર્યા સાથે તેઓને શુદ્ધ શાકાહારી પણ બનાવ્યા.
ડોનાલ્ડ ટ્રમ્પ ઉષાની તેજસ્વીતાથી ઘણા પ્રભાવિત થયા હતા. તેઓએ એક સમયે તો તેમ પણ કહી દીધું હતું કે એક સમયે મેં ઉષા ચીબુ કુટી વાન્સને જ મારાં રનિંગ-મેઈટ તરીકે રાખવા વિચાર્યું હતું. પરંતુ પછીથી સક્સેશન લાઈન પ્રમાણે મેં જે.ડી.ને પસંદ કર્યા.
આમ ઉષા અમેરિકાનાં સૌથી પહેલાં હિન્દૂ સેકન્ડ લેડી અને બીજાં સૌથી યુવાન (૩૯ વર્ષનાં) સેકન્ડ લેડી બની રહેશે. આ પૂર્વે ૩૮ વર્ષનાં જેન હેડલી બર્કલ સૌથી સેકન્ડ લેડી બની રહ્યાં. હેરી ટ્રુમને પ્રમુખપદે આવ્યા ત્યારે જેન હેડલી બર્કલે પતિ આલ્બેન બર્કલે ઉપપ્રમુખ હતા. તેઓનાં પત્ની જેન માત્ર ૩૮વર્ષે જ અમેરિકાનાં સેકન્ડ લેડી બન્યા હતાં.