કેનેડાના આતંકીઓથી અમેરિકા પણ પરેશાન, કાર્યવાહી કરવાની તૈયારીમાં ટ્રમ્પ, US અધિકારીએ ટ્રૂડોને સંભળાવ્યું
USA Worried About Canadian Terrorists : કેનેડાના આતંકવાદીઓથી માત્ર ભારત જ નહીં, અમેરિકા પણ ખતરો અનુભવી રહ્યો છે. અમેરિકાના સરહદી બાબતોના નવા નિયુક્ત વડા ટોમ હોમને કહ્યું કે, અમેરિકા પાસે આવેલી કેનેડીયન સરહદો અસુરક્ષિત છે. તેમણે આશંકા વ્યક્ત કરી છએ કે, આતંકવાદીઓ કેનેડાની સરહદમાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરી શકે છે.
ટ્રૂડો સરકાર સરહદ સુરક્ષાને ગંભીરતાથી લેતા નથી : હોમન
હોમને કહ્યું કે, જસ્ટિન ટ્રૂડો સરકાર સરહદ સુરક્ષાને ગંભીરતાથી લેતા નથી. ભારત પણ પોતાની સુરક્ષા મુદ્દે અવારનવાર કેનેડા સમક્ષ મુદ્દો ઉઠાવતો રહ્યો છે. ભારતે વારંવાર કહ્યું છે કે, જસ્ટિન ટ્રુડોનું તંત્ર ખાલિસ્તાની આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યું નથી. કેનેડા ખાલિસ્તાની આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે.
‘અમે કેનેડામાંથી વધતી માનવ તસ્કરી પર ધ્યાન આપીશું’
ટોમ હોમને કહ્યું કે, અમે કેનેડાની સરહદ પરથી કોઈપણ આતંકવાદી અમેરિકામાં ન ઘૂસે તેવા તમામ પ્રયાસ કરીશું. અમે કેનેડાને આતંકીઓનું પ્રવેશ દ્વાર નહીં બનવા દઈએ. ટ્રમ્પ વહિવટી તંત્રની પ્રથમ પ્રાથમિકતા ઉત્તર સરહદની સુરક્ષાને વધુ મજબૂત કરવાની રહેશે. અમે કેનેડામાંથી વધતી માનવ તસ્કરી પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપીશું.
‘સરહદમાંથી આતંકીઓનું કેન્દ્ર કહેવાતા દેશોના લોકો પણ ઘૂસે છે’
તેમણે કહ્યું કે, અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડામાં સરહદ સુરક્ષ મુખ્ય મુદ્દો છે, તેથી અમેરિકામાં અત્યાર સુધીના સૌથી મોટા દેશનિકાલ અભિયાનને શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. કેનેડાની સરહદ સુરક્ષા નબળી છે, જેના કારણે તેમની સરહદ ગેરકાયદેસર વસાહતીઓ માટે પ્રવેશ દ્વાર બની ગઈ છે. તેમની સરહદમાંથી આતંકવાદનું કેન્દ્ર કહેવાતા દેશોના લોકો પણ અમેરિકામાં ઘૂસણખોરી કરે છે.
અમેરિકાની ઉત્તર સરહદ પર ગેરકાયદે ઘૂસણખોરીમાં વધારો
ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્ક સિટીમાં યહુદિઓ પર હુમલો કરવાનું ષડયંત્ર રચનાર પાકિસ્તાની નાગરિકની ક્યૂબેકમાંથી સપ્ટેમ્બર-2023માં ધરપકડ કરવામાં આવી હતી, તેમ ગ્લોબલ ન્યૂઝ ઑફ કેનેડામાં રિપોર્ટમાં જણાવાયું હતું. અમેરિકન સરહદ પેટ્રોલિંગ દળના જણાવ્યા અનુસાર, ઉત્તર સરહદ પર ગેરકાયદેસર ઘૂસણખોરીમાં અત્યંત વધારો થયો છે. સરહદ પર માનવ તસ્કરીમાં વધારો કેનેડામાં સંગઠિત અપરાધ સાથે જોડાયેલો છે, જે અમેરિકામાં પ્રવેશ આપવા માટે વ્યક્તિ દીઠ 1500થી 6000 ડોલર વસૂલ કરે છે.