હમાસ યુદ્ધ ચાલે છે ત્યાં ઈઝરાયલનો લેબેનોન સાથે સંઘર્ષ ઈરાનનું પીઠબળ ધરાવતા હીઝબુલ્લાને અમેરિકાની ચેતવણી
- યુદ્ધ વધુ પ્રસરાવી અમોને ઉશ્કેરો નહીં : અમેરિકા
- લેબેનોન તરફે ઈઝરાયલી હુમલામાં 130ના મોત થયા જ્યારે ઈઝરાયલના પાંચ નાગરિકો અને 7 સૈનિકો માર્યા ગયા છે
વોશિંગ્ટન : હમાસને ટેકો આપી રહેલા ઈરાનનું પીઠબળ ધરાવતા દક્ષિણ લેબેનોન સ્થિત હિઝબુલ્લાહ આતંકીઓ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ જામી રહ્યું છે તેવે સમયે અમેરિકાના સંરક્ષણ મંત્રી અને પેન્ટાગોનના વડા લોઈડ ઓસ્ટિને હીઝબુલ્લાહને ખુલ્લી ધમકી આપતાં કહ્યું હતું કે, 'યુદ્ધ વધુ પ્રસરાવી અમને ઉશ્કેરતા નહીં.'
આ પૂર્વે અમેરિકાના પ્રમુખ જો બાયડને પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે ઈઝરાયલને સતત સહાય કરતાં જ રહીશું.
દરમિયાન ઈઝરાયલ - લેબેનોન સરહદે ઈઝરાયલી સેના અને હીઝબુલ્લાહ સંગઠન વચ્ચે યુદ્ધ જામી રહ્યું છે.
અમેરિકાની મુલાકાતે ગયેલા ઈઝરાયલી સંરક્ષણ મંત્રી યોવ ગેલાન્ટની સાથે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટિને કહ્યું હતું કે અમે હીઝબુલ્લાહને કહીએ છીએ જે પહેલા પણ કહેતા હતા કે એવું કશું ન કરતા કે જેથી યુદ્ધ પ્રસરે.
આ પત્રકાર સંબોધનમાં ગેલાન્ટે કહ્યું હતું કે, 'આ વિવાદ રાજદ્વારી ઉકેલવામાં આવે તેને સૌથી વધુ પ્રાથમિકતા જ હોય તે સહજ છે, આમ છતાં જો જરૂર પડે તો અમે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર જ છીએ.'
નિરીક્ષકો કહે છે કે ઈઝરાયલ-હમાસ યુદ્ધનો અંત હજી દૂર દૂર સુધી દેખાતો નથી ત્યાં ઈઝરાયલે વળી વધુ એક 'ફ્રન્ટ' ઉઘાડી નાખ્યો છે તે સર્વવિદિત છે, કે ઈઝરાયલને અમેરિકાનું પૂરૃં પીઠબળ છે.