અમેરિકા વધુ 295 ભારતીયોને તગેડી મૂકવા તૈયાર, માત્ર અઢી મહિનામાં 388ને કર્યા ડિપોર્ટ : સરકાર
USA Deportation News: વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદમાં જણાવ્યું છે કે, ‘યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ની કસ્ટડીમાંથી વધુ 295 ભારતીય ઇમિગ્રન્ટ્સને ટૂંક સમયમાં ભારત ડિપોર્ટ કરવામાં આવી શકે છે. આ અંગે અંતિમ આદેશો આપી દેવાયા છે. ભારત સરકારની સંબંધિત એજન્સીઓ હાલમાં આ વ્યક્તિઓની રાષ્ટ્રીયતાની વિગતો ચકાસી રહી છે. જોકે, સરકારને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી ભારતીય પાસપોર્ટ ધરાવતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની કુલ સંખ્યા અંગે કોઈ માહિતી મળી નથી. જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં, કુલ 388 ભારતીય નાગરિકોને તેમની રાષ્ટ્રીયતાની ચકાસણી પછી ભારત પરત મોકલવામાં આવ્યા છે.’
આ પણ વાંચોઃ 'અમેરિકા બહુ મોટી ભૂલ કરી રહ્યું છે...' ટ્રમ્પની ધમકી પર ઈરાનના સર્વોચ્ચ નેતા લાલઘૂમ
અમેરિકાએ હાથકડીનો આપ્યો જવાબ
નોંધનીય છે કે, ફેબ્રુઆરીમાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 100થી વધુ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને હાથકડીઓ બાંધીને ભારત પરત મોકલાયા હતા, જેના પર ભારે વિવાદ થયો હતો. હવે આ અંગે જયશંકરે કહ્યું કે, ‘અમે અમેરિકા સમક્ષ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જે પછી અમેરિકાએ ઉલ્લેખ કર્યો છે કે, ડિપોર્ટ કરાયેલા લોકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાથકડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, મહિલાઓ અને સગીરોને સામાન્ય રીતે હાથકડીઓ બાંધવામાં આવતી નથી.’
આ પણ વાંચોઃ ઈઝરાયલનો ગાઝાપટ્ટીમાં મોડી રાતે બેફામ બોમ્બમારો, 85 લોકોના મોતથી સન્નાટો
આ પહેલાં ચાર વિમાન દ્વારા ભારતીય અપ્રવાસીઓને પરત લવાયા
નોંધનીય છે કે, અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ પહેલાં ચાર વિમાન દ્વારા ગેરકાયદે અપ્રવાસીઓને ભારત પરત મોકલવામાં આવ્યા છે. જેમાં 23 ફેબ્રુઆરીના દિવસે 12 ભારતીય અપ્રવાસીઓને પરત મોકલમાં આવ્યા હતાં. આ અગાઉ પંજાબ, હરિયાણા, ગુજરાત અને કેટલાક અન્ય રાજ્યોમાંથી ખોટી રીતે આવેલા પ્રવાસીઓને લઈને ત્રણ અમેરિકન વિમાન દ્વારા ભારતીયોને ડિપોર્ટ કરાયા હતાં. જેમાં 5 ફેબ્રુઆરીએ 104 , 15 ફેબ્રુઆરીએ 119, અને 16 ફેબ્રુઆરીએ 112 ભારતીયો સાથે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર અમેરિકમાં પ્રવેશ કરનારા વિરૂદ્ધમાં કાર્યવાહી કરી રહ્યા છે.