એક બાજુ વિશ્વ મંદીના ભણકારાથી ચિંતિત, બીજી બાજુ ટ્રમ્પે કહ્યું, અમીર થવાનો સમય આવી ગયો
US Stock Market is in Trouble: છેલ્લાં કેટલાક દિવસોથી અમેરિકન શેરબજારમાં હાહાકાર છે. મુખ્ય સૂચકાંકોમાં ઘટાડાના કારણે મંદીની આશંકા ઘેરી બની છે. જેના કારણે વૈશ્વિક રોકાણકારો ચિંતામાં છે. એવામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું છે કે 'હવે અમીર બનવાનો સમય છે,' જેના કારણે બજારમાં વધુ અનિશ્ચિતતા ફેલાઈ છે.
વૈશ્વિક અર્થવ્યવસ્થાને મંદી તરફ ધકેલી શકે છે આ વેપાર યુદ્ધ
2 એપ્રિલના રોજ ટ્રમ્પે જાહેર કરેલી 'રેસિપ્રોકલ ટેરિફ' પોલિસીના કારણે અમેરિકન શેરબજારોમાં મંદીની સ્થિતિ છે. વોલ સ્ટ્રીટ સતત બીજા દિવસે ફ્રી ફોલમાં ગઈ, જે કોવિડ પછીની સૌથી મોટી મંદી છે. વિશ્લેષકોના મતે આ વેપાર યુદ્ધ વૈશ્વિક અર્થવ્યવસ્થાને મંદી તરફ ધકેલી શકે છે.
અમેરિકાને લગભગ 6 ટ્રિલિયન ડૉલરનું નુકસાન
શુક્રવારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 5.5% ઘટ્યો, જ્યારે S&P 500 ઇન્ડેક્સ 5.97% ઘટ્યો. આ મોટા ઘટાડાથી રોકાણકારોના ફંડ અને પોર્ટફોલિયોમાં ભારે નુકસાન થયું છે. એજન્સી AFP અનુસાર, આ આર્થિક આંચકાથી અમેરિકાને લગભગ 6 ટ્રિલિયન ડૉલરનું નુકસાન થયું છે.
બજારના વિશ્લેષકોના મતે, ટેરિફને કારણે ઉપભોક્તા ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે અને કંપનીઓની કમાણીને અસર થઈ રહી છે. યુએસ સેન્ટ્રલ બૅન્કના ચેરમેને પણ ચેતવણી આપી છે કે ટેરિફ પોલિસી આર્થિક વૃદ્ધિને ધીમી કરી શકે છે અને ફુગાવો વધી શકે છે.
આ પણ વાંચો: ટેરિફ બોમ્બ ફોડ્યા બાદ ટ્રમ્પ સરકારે ભારત, ઈઝરાયલ અને વિયેતનામ સાથે શરૂ કરી ચર્ચા
અમીર બનવાનો આ શ્રેષ્ઠ સમય છે: ટ્રમ્પ
આ ભયંકર આર્થિક પરિસ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું, 'અમીર બનવાનો આ શ્રેષ્ઠ સમય છે - પહેલા કરતાં વધુ અમીર!!!' તેમણે દાવો કર્યો હતો કે આ નવી ટેરિફ નીતિ યુએસ અર્થતંત્રને સુપરચાર્જ કરશે અને મોટી કંપનીઓ ટેરિફ વિશે ચિંતિત નથી.'
આ અંગે ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, 'મોટા બિઝનેસ ટેરિફ વિશે ચિંતિત નથી કારણ કે તેઓ જાણે છે કે આ નીતિ કાયમી છે. જે આપણા અર્થતંત્રને સુપરચાર્જ કરશે.' તેઓ માને છે કે આ ટેરિફ વિદેશી કંપનીઓને અમેરિકામાં ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરશે, જેનાથી સ્થાનિક રોજગારમાં વધારો થશે.