55 વર્ષ બાદ અમેરિકાનું સ્પેસ ક્ષેત્રે સૌથી મોટું મિશન, અવકાશમાં પ્રથમ યુદ્ધ કવાયત શરૂ કરવાની જાહેરાત
ચીન-રશિયા સામે અવકાશ ક્ષેત્રે બાથ ભીડવા અમેરિકાનું 'વિક્ટર હેઝ'
અમેરિકાના નવા સ્પેસ મિશન સાથે અવકાશમાં સાચા અર્થમાં 'સ્ટાર વોર' થવાની સંભાવના
કેલિફોર્નિયા : સ્પેસમાં અમેરિકા અને તેના સાથીઓની રક્ષા માટે બનાવવામાં આવેલી યુ.એસ. સ્પેસ ફોર્સે ભ્રમણકક્ષામાં એટલે ઓન-ઓર્બિટ મિલિટરી મિશન માટે ખાનગી સ્પેસ કંપનીઓ રોકેટ લેબ અને ટ્રુ એનોમલી સાથે પાર્ટનરશિપ કરી છે. આ મિશનની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે, યુએસ સ્પેસ કમાન્ડના કમાન્ડર જનરલ સ્ટીફન વ્હાઈટિંગે અમેરિકી સેનેટની આર્મ્ડ સર્વિસીસ કમિટીને જણાવ્યું હતું કે, ચીન અને રશિયાએ અવકાશ ક્ષેત્રને 'વોર ઝોન' એટલે કે, યુદ્ધ ક્ષેત્રમાં પરિવર્તિત કર્યું છે.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ચીન અવકાશ ક્ષેત્રમાં હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે. આ પહેલી વખત નથી જ્યારે, અમેરિકાની કોઈ સંસ્થાએ સરકારને ચીનની અવકાશના ક્ષેત્રમાં મહત્ત્વકાંક્ષી યોજના વિશે અવગત કરાવી છે. યુએસ અધિકારીઓના મતે, અમેરિકાએ ૧૯૬૯માં એપોલો ૧૧ને ચંદ્ર પર ઉતારીને પોતાની સર્વોપરિતા સાબિત કરી હતી. આ સાથે જ સોવિયત યુનિયન સાથે 'કોલ્ડ વોર' સ્પેસ સ્પર્ધાનો અંત આવ્યો હતો. આ ઘટનાના ૫૫ વર્ષ બાદ સ્પેસ ક્ષેત્રમાં પણ દક્ષિણ ચીન સમુદ્ર જેવી સ્થિતિ પેદા ન થાય તે માટે યુએસ સ્પેસફોર્સે હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
યુએસ સ્પેસફોર્સે પડકારોને પહોંચી વળવા માટે તેના પ્રકારનું પહેલું 'વિક્ટર હેઝ ટેક્ટિકલી રિસ્પોન્સિવ સ્પેસ મિશન' લોન્ચ કર્યું છે. આ મિશન ઓન-ઓર્બિટ આક્રમણનો સામનો કરશે. આ મિશનમાં રોકેટ લેબ દ્વારા બનાવી અને લોન્ચ કરવામાં આવેલું સ્પેસક્રાફ્ટ, કોલોરાડોની સ્ટાર્ટઅપ ટ્રુ એનોમલી દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઈટનો પીછો કરશે. આ સાથે જ રોકેટ લેબ સ્પેસક્રાફ્ટ ટ્રૂ એનોમોલીની સાથે અવકાશમાં મુલાકાત કરશે અને નજીકથી તસવીરો ખેંચશે.
સ્પેસ ફોર્સના સ્પેસ સિસ્ટમ્સ કમાન્ડરે જણાવ્યું હતું કે, બંને કંપનીઓ 'વિક્ટર હેઝ' નામના મિશનમાં પ્રતિસ્પર્ધીઓના સેટેલાઈટ્સ જ્યારે, તેમના સેટેલાઈટ્સની નજીક આવે ત્યારે તેવા સંજોગોમાં તેઓ તેનો કેવી રીતે સામનો કરશે તેની તૈયારી માટેની કવાયત છે. ઓન-ઓર્બિટ લશ્કરી સંપત્તિઓ સામેના જોખમને પહોંચી વળવા માટે રોકેટ લેબના સેટેલાઈટને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે, તે ઓછા સમયમાં લોન્ચ માટે સ્ટેન્ડબાય રહી શકે. આ લશ્કરી કવાયત ૨૦૨૫માં થવાની સંભાવના છે.
સ્પેસ ફોર્સના સ્પેસ ઓપરેશન વાઈસ ચીફ જનરલ માઈકલ ગ્યુટ્લીએ આ મિશન મામલે જણાવ્યું કે, જ્યારે અન્ય દેશો સ્પેસમાં પોતાની સંપત્તિ મૂક ેછે ત્યારે તેના વિશે માહિતી મેળવવી જરૂરી બની જાય છે.
વિક્ટર હેઝ મિશન દ્વારા ચીન અને રશિયા જેવા પ્રતિસ્પર્ધીઓના સેટેલાઈટ્સની સચોટ માહિતી મળી શકશે. આ માટે રોકેટ લેબમાં એક સ્ટેન્ડ બાય સેટેલાઈટ હશે જ્યારે, ટ્રુ એનોમલીના અવકાશયાન પહેલા લોન્ચ થશે અને નિરીક્ષણનું કામ કરશે.જ્યારે, સ્પેસ ફોર્સ લોન્ચ ઓર્ડર આપશે ત્યારે રોકેટ લેબનો સેટેલાઈટ લોન્ચ થશે. બંને વચ્ચે બધુ યોજના મુજબ ચાલશે તો બંને પોતાની ભૂમિકાઓ બદલશે.
સ્પેસ ક્ષેત્રે ચીનનું ચિંતા વધારનારું 'કિલ વેબ'
૩૯મી સ્પેસ સિમ્પોસિયમ દરમિયાન યુએસ સ્પેસ કમાન્ડના કમાન્ડર જનરલ સ્ટીફન વ્હાઈટિંગે જણાવ્યું હતું કે, ચીન એક આકર્ષક ગતિએ આગળ વધી રહ્યું છે. ૨૦૧૮થી તેમણે તેમના ઓરબિટ ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રિકોનિસન્સ સેટેલાઈટ્સમાં ત્રણ ગણો વધારો કર્યો છે. આ પ્રણાલીઓ સાથે જ તેમણે પેસિફિક મહાસાગરમાં એક 'કિલ વેબ' બનાવ્યું છે. આ કિલ વેલ એક ગતિશીલ નેટવર્ક છે જે જમીન, સમુદ્ર, હવા, અવકાશ અને સાયબરસ્પેસ સહિત વિવિધ ડોમેન્સમાં યુદ્ધ ક્ષમતાઓની ગુપ્ત માહિતી એકત્ર કરે છે.વર્ષ ૨૦૨૩માં ચીને સ્પેસ ક્ષેત્રે અધધ ૧૪ બિલિયન ડોલરનો ખર્ચ કરતાં અમેરિકા હરકતમાં આવ્યું છે.