ભારતમાં ઘઉં અને ચોખા પર અપાતી સબસિડી સામે અમેરિકન સાંસદોને વાંધો પડ્યો
નવી દિલ્હી,તા.19.એપ્રિલ.2024
ભારતમાં ઘઉં અને ચોખા પર આપવામાં આવતી સબસિડી સામે અમેરિકાના કેટલાક સાંસદોએ વાંધો ઉઠાવ્યો છે. અમેરિકાના નાણા વિભાગની સેનેટ કમિટીના અધ્યક્ષ રોન વિડેને આક્ષેપ કર્યો છે કે, 'ભારતમાં ઘઉં પર અપાતી સબસિડી વૈશ્વિક માર્કેટમાં ઘઉંના ભાવને પ્રભાવિત કરે છે.જેનાથી અમેરિકાના ખેડૂતોને નુકસાન થાય છે.એશિયાના બજારમાં અમેરિકાના ખેડૂતોને સ્પર્ધામાં ટકી રહેવુ મુશ્કેલ છે.ભારત સહિત અન્ય કોઈ પણ દેશની અન્યાયી નીતિના કારણે અમેરિકાની કંપનીઓમાં કામ કરતા શ્રમિકો પ્રભાવિત થાય તે યોગ્ય નથી.ઘઉં પર સબસિડી આપવાની ભારતની નીતિથી અમેરિકાના ખેડૂતોને અસર થઈ રહી છે.'
કમિટી સમક્ષ બાઈડન સરકારના વાણિજ્ય મંત્રાલયના અધિકારી કેથરીન ટાઈએ જવાબ આપતા કહ્યુ હતુ કે, 'ભારતે અમેરિકાના કૃષિ ઉત્પાદનો માટે અલગ અલગ 12 કેટેગરીમાં પોતાનુ માર્કેટ ખોલીનાંખ્યુ છે.આમ છતા ભારતમાં ઘઉં અને ચોખા પર અપાતી સબસિડી ચોક્કસપણે આપણા માટે ચિંતાનો વિષય છે.'
તેમણે આગળ કહ્યુ હતુ કે, 'તનતોડ મહેનત કરનારા અમેરિકાના ગ્રામીણ સમુદાયને ફાયદો થાય તે માટે છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકાના કૃષિ બજારને અમે 21 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચાડ્યુ છે.ભારત અને અમેરિકાએ પરસ્પરની સંમતિથી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સુધી પહોંચેલા સાત વિવાદોનુ સમાધાન કર્યુ છે અને એ પછી ભારત હવે સંખ્યાબંધ અમેરિકન પ્રોડકટસ પરની ડ્યુટી હટાવવા માટે તૈયાર થઈ ગયુ છે.જેના કારણે મિશિગન, ઓરેગોન, કેલિફોર્નિયા અને વોશિંગ્ટન સહિતના દેશના હજારો ખેડૂતોને ફાયદો થશે.'
કેથરીન ટાઈએ કમિટીને જણાવ્યુ હતુ કે, 'અમારુ લક્ષ્ય અમેરિકાની વેપાર નીતિમાં ચાલી રહેલી આતંરિક ખેંચતાણ બંધ કરવાનુ છે.આ માટે ટ્રેડ પોલિસી બનાવતી વખતે શકય હોય તેટલા વધારે લોકોના અભિપ્રાયને સામેલ કરવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છે.'