અમેરિકામાં H1B વિઝા ધારકોના જીવનસાથી-સંતાનોને કામ કરવાની મંજૂરી મળશે
નેશનલ સિક્યોરિટી એગ્રિમેન્ટ નામે લવાયો પ્રસ્તાવ, 1 લાખ લોકોને મળશે
image : Freepik |
US Senate plan for H-1B visa News | અમેરિકામાં રહેતા ભારતીયો માટે એક ગૂડ ન્યૂઝ છે. તાજેતરના અહેવાલો અનુસાર અમેરિકામાં વસતાં ભારતીયો તેમના સંતાનો અને જીવનસાથી સાથે અમેરિકામાં જ કામ કરી શકશે. જેના માટે રાષ્ટ્રપતિ બાઇડનની સરકારે મોટો નિર્ણય કર્યો છે.
લાંબી ચર્ચા બાદ પ્રસ્તાવ રજૂ
માહિતી અનુસાર અમેરિકી સેનેટમાં રિપબ્લિકન તથા ડેમોક્રેટ્સ વચ્ચે લાંબી ચર્ચા વિચારણાં બાદ નેશનલ સિક્યોરિટી એગ્રિમેન્ટ નામે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. જે મુજબ H-1B વિઝાધારકોના જીવનસાથીઓને અમેરિકામાં રોજગારીના અધિકારો તથા તેમના સંતાનોના અધિકારોની સુરક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
કેટલા લોકોને મળશે લાભ?
જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો લગભગ 1 લાખ H-4 વિઝા ધારકોને તેનો લાભ મળશે જેઓ અમેરિકામાં કામ કરી શકશે. ઉલ્લેખનીય છે કે H-1B વિઝાધારકોના જીવનસાથી કે સંતાનોને જ H-4 વિઝા આપવામાં આવે છે.
આ રીતે ભારતીયોને ફાયદો થશે
નેશનલ સિક્યુરિટી એગ્રીમેન્ટ હેઠળ 118.28 અબજ ડોલરના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બિલમાં H-1B વિઝા ધારકોના બાળકોના અધિકારોની સુરક્ષા કરવા, આ શ્રેણીના લોકોને રોજગાર અધિકાર આપવા અને ગ્રીન કાર્ડ ક્વોટા વધારવાની માંગ કરાઈ છે. બિલ હેઠળ આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે 18,000 લોકોને રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મળશે.
પહેલીવાર ઈમિગ્રન્ટ વિઝા મર્યાદા વધી
વ્હાઇટ હાઉસના નિવેદન અનુસાર 30 વર્ષમાં પહેલીવાર ઈમિગ્રન્ટ વિઝા મર્યાદામાં વધારો કરાયો છે. હવેથી દર વર્ષે 50 હજાર વિઝા આપવામાં આવશે. જેની સાથે આગામી પાંચ વર્ષમાં 2.50 લાખ વિઝા આપવામાં આવશે. તેમાંથી 1.60 લાખ વિઝા પરિવાર આધારિત હશે અને 90 હજાર રોજગાર આધારિત હશે.