લાંચ કેસમાં અદાણીને સમન્સ બજાવવા યુએસ સિક્યોરિટી એક્સચેન્જ કમિશનની ભારતને અપીલ
Adani Group and USA Case News | અમેરિકન સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી) દ્વારા તાજેતરમાં અમેરિકી કોર્ટમાં અદાણીના લાંચ કેસ અંગે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. ગૌતમ અદાણી, સાગર અદાણી અને અમેરિકી કંપનીના અધિકારીઓ સહિત છ લોકો સામે કરવામાં આવી રહેલી તપાસની વર્તમાન સ્થિતિ વિશે એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું. ન્યૂયોર્કની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એજન્સી દ્વારા 18 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અદાણી અને અમેરિકી કંપની દ્વારા વીજ કોન્ટ્રાક્ટ લેવા માટે જે લાંચ આપવામાં આવી હતી તે કેસમાં ર્કોર્ટે જારી કરેલું સમન્સ આરોપીઓને પહોંચાડવા માટે વધુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મુદ્દે એસઈસી દ્વારા ભારત સરકારને મદદ કરવા માટે અપિલ કરવામાં આવી હોવાનો પણ એજન્સીએ સ્વીકાર કર્યો હતો. હેગ સર્વિસ કન્વેશન હેઠળ ભારતના કાયદો અને ન્યાય વિભાગને સમન્સ પાઠવવા મુદ્દે મદદ કરવા જણાવાયું છે.
ગ્રીન એનર્જીએ અમેરિકામાંથી 3 અબજ ડોલરનું ફંડ એકઠું કર્યું છે. આ રકમ એકઠી કરવા માટે રોકાણકારોને ગેરમાર્ગે દોરનારી અને ખોટી માહિતી અપાઈ હતી. ગૌતમ અદાણી સહિતના આરોપીઓએ અમેરિકાના ફેડરલ સીક્યુરિટી લોઝના એન્ટિફ્રોડ કાયદાનો જાણીજોઈને અથવા તો તેને અવગણીને ભંગ કર્યો છે. ગૌતમ અદાણી અને સાગર અદાણી પર કથિત રીતે સોલાર પાવર કોન્ટ્રાક્ટ માટે પોતાને અનુકૂળ શરતો કરી આપવાના બદલામાં ભારતીય અધિકારીઓને 25 કરોડ ડોલર (આશરે રૂ. 2100 કરોડ) લાંચ ચૂકવવાની યોજનાનો ઘડી હતી. વિદેશમાં લાંચ આપવી ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA)નો ભંગ છે. અદાણી ગ્રુપ સાથે સંકળાયેલા સૌરભ અગ્રવાલ, દીપક મલહોત્રા, રૂપેશ અગ્રવાલ અને સાઈરિલ કેબોનિસે એસઈસીની તપાસ અટકાવવા માટે ષડયંત્ર રચીને લાંચની યોજનાને લગતા ઈમેલ, મેસેજ તથા એનાલિસિસ સહિતના પુરાવાનો નાશ કર્યો હતો. સપ્ટેમ્બર 2021માં અદાણી ગ્રીને બોન્ડ ઇશ્યુ દ્વારા યુએસ રોકાણકારો પાસેથી આશરે 17.5 કરોડ ડોલર ઉઘરાવ્યા હતા. આ બોન્ડ ઈશ્યૂના ઓફરિંગ દસ્તાવેજોમાં ભ્રષ્ટાચાર વિરોધી પગલાં વિશે ભ્રામક નિવેદનો દ્વારા યુએસ રોકાણકારોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.
પાંચ વર્ષના સમયગાળામાં 2029 કરોડ રૂપિયાની લાંચ
આ અહેવાલમાં એસઈસીએ જણાવ્યું હતું કે, અદાણી અને અમેરિકી કંપની દ્વારા વર્ષ 2020 થી 2024 દરમિયાન વીજ કોન્ટ્રાક્ટ લેવા માટે ૨૬૫ મિલિયન ડોલર (અંદાજે ૨૦૨૯ કરોડ રૂપિયા)ની લાંચ આપવામાં આવી હતી. આ કેસમાં અમેરિકી કંપની એઝયોર પાવર ગ્લોબલ લિમિટેડના કાર્યકારી અધિકારી સિરીલ કેબનેસ સહિત આ ડીલમાં સંકળાયેલા અધિકારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી વિરુદ્ધ પણ તપાસ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ગત વર્ષે 20 નવેમ્બરના રોજ આ મુદ્દે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે વખતે કોર્ટ દ્વારા વોરંટ જારી કરાયો હતો અને ત્યારબાદ મામલો શાંત થઈ ગયો હતો. જાન્યુઆરી મહિનામાં અમેરિકી કોર્ટ દ્વારા આ કેસમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે એસઈસીને વિગતે તપાસ કરીને અહેવાલ આપવા જણાવાયું હતું.
એસઈસી દ્વારા 18મી ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરાયેલા પત્રની વિગતો
એસઈસી દ્વારા નવેમ્બર 2024ના રોજ લાંચ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં જણાવાયું હતું કે, અદાણી જૂથ અને એઝ્યોર પાવર ગ્લોબલ દ્વારાવીજ કોન્ટ્રાક્ટ મેળવવા માટે જાણે-અજાણે ફેડરલ નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. આ લોકો દ્વારા ફેડરલ નિયમોનો ભંગ કરીને લાંચ આપવામાં આવી હતી. અગાણી ગ્રીન એનર્જી દ્વારા તેમાં મોટો રોલ ભજવવામાં આવ્યો હતો. આ સિવાય પણ આ લોકો સામે ઘણા પુરાવા ભેગા થયા છે જેના આધારે ક્રિમિનલ કેસ લાગુ કરવામાં આવ્યો છે અને યુનાઈટેડ સ્ટેટ એટોર્ની ફોર ધ ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ન્યૂયોર્ક દ્વારા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ લોકો સામે સિક્યોરિટી ફ્રોડ અને કાવતરાના ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
એસઈસીએ જણાવ્યું કે, ગૌતમ અદાણી અને સાગર અદાણી ભારતમાં રહે છે તેથી તેમને ફેડરલ કાયદા હેઠળ સીધું સમન્સ પાઠવી શકાય તેમ નથી. આ રીતે સમન્સ પાઠવવામાં આવે તો તેની કોઈ સમય મર્યાદા પણ હોતી નથી. તેમને એફઆરસીપીની કલમ ૪(એફ) હેઠળ સમન્સ આપવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. તેમાં અમેરિકા અને ભારત વચ્ચેના હેજ સર્વિસ કન્વેન્શન હેઠળ અદાણી જૂથને નોટિસ આપવા મદદ માગવામાં આવી છે. એસઈસી આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ જોડાણ દ્વારા અદાણી જૂથને નોટિસ પાઠવીને જવાબ માગશે. સૂત્રોના મતે અમેરિકામાં અદાણીના વકીલ તરીકે કામ કરતા ગૌરાંગ વી મલ્હોત્રા દ્વારા અદાણીને સમન્સ બજાવવાની પણ તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત કથિત આરોપીઓના પરિચિતો અને કાયદાકીય મદદગારોને નોટિસ પાઠવીને તેનો જવાબ આપવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હેજ સર્વિસ કન્વેન્શનના આર્ટિકલ ૫(એ) હેઠળ ભારતના કાયદા અને ન્યાય મંત્રાલય પાસે સમન્સ બજાવવા મદદ માગવામાં આવી છે. આ કામગીરી હાલમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, એફઆરસીપી હેઠળ વધારેમાં વધારે ૯૦ દિવસનો સમય જવાબ આપવા માટે આપવામાં આવે છે. ત્યારબાદ કાયદાકીય પગલાં લેવાય છે.