Get The App

કેનેડાને પડતું મૂકીને ભારત સાથે અમેરિકાની પહેલી દ્વિપક્ષીય બેઠક, એસ.જયશંકર સાથે ચર્ચા કરશે રૂબિયો

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
કેનેડાને પડતું મૂકીને ભારત સાથે અમેરિકાની પહેલી દ્વિપક્ષીય બેઠક, એસ.જયશંકર સાથે ચર્ચા કરશે રૂબિયો 1 - image


US India Relations: અમેરિકાના નવા વિદેશ મંત્રી માર્કો રૂબિયો પોતાની પહેલી દ્વિપક્ષીય બેઠક ભારતીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકર સાથે આજે વૉશિંગ્ટનમાં કરશે. ડૉ. એસ. જયશંકર અહીં અમેરિકન સરકારના આમંત્રણ પર પહોંચ્યા છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના 47માં અમેરિકન પ્રમુખ તરીકેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા. 

અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, 'વિદેશ મંત્રી રૂબિયો ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વિદેશ મંત્રાલયના હેડક્વાર્ટરમાં મુલાકાત કરશે.' આ બેઠક ફૉગી બૉટમ સ્થિત સ્ટેટ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટરમાં યોજાશે.

QUADની પહેલી મંત્રી સ્તરીય બેઠક બાદ થશે દ્વિપક્ષીય વાતચીત

આ પહેલા રૂપિયોએ ઈન્ડો-પેસિફિક ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓ સાથે પોતાની પહેલી બહુપક્ષીય બેઠક યોજી. QUAD એક અનૌપચારિક સમૂહ છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા સામેલ છે. માર્કો રૂપિયો દ્વારા QUAD બેઠક અને ભારત સાથે દ્વિપક્ષીય વાતચીતને પ્રાથમિકતા આપવી કુટનીતિક દૃષ્ટિથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે અમેરિકન તંત્રની પહેલી વિદેશ નીતિની પહેલ કેનેડા અને મેક્સિકો જેવા પાડોશી દેશો અથવા NATO સહયોગીઓની સાથે થાય છે.

આ પણ વાંચો: H1B વિઝા, બ્રિક્સ, રશિયા...: ભારત માટે પડકારજનક હશે ટ્રમ્પનો બીજો કાર્યકાળ, જાણો 5 કારણ

માર્કો રૂબિયોની ભારત સાથે સંબંધ મજબૂત કરવાની પ્રાથમિકતા

માર્કો રૂબિયો પહેલા ફ્લોરિડાથી અમેરિકન સીનેટર હતા. તેઓ હાલમાં જ અમેરિકન સીનેટમાં સર્વસમ્મતિથી (99-0 મત) વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરાયા. સીનેટર રૂબિયોએ ગત વર્ષ એક ધારાસભ્ય રજૂ કર્યા હતા, જેમાં ભારતને જાપાન, ઇઝરાયલ અને નાટોના સહયોગીઓની સમાન ટેક્નિકલ હસ્તાંતરણમાં પ્રાથમિકતા આપવાનો પ્રસ્તાવ હતો. આ સિવાય તેમણે માગ કરતા કહ્યું હતું કે, 'જો પાકિસ્તાન ભારત વિરૂદ્ધ આતંકવાદનું સમર્થન કરે છે તો પાકિસ્તાનને સુરક્ષા સહાયતા રોકી દેવી જોઈએ.'

53 વર્ષીય માર્કો રૂબિયો ચીન પ્રત્યે આકરું વલણ રાખતા નજરે પડી ચૂક્યા છે. તેમને બે વખત ચીન દ્વારા પ્રતિબંધિત કરાઈ ચૂક્યા છે. 2020માં ચીને પ્રતિબંધિત કરતા પોતાના દેશમાં પ્રવેશ પર રોક લગાવી હતી. રૂબિયોની ભારત સાથે પહેલી દ્વિપક્ષીય બેઠક કરવી બંને દેશોના મજબૂત થઈ રહેલા સંબંધોની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ બેઠક દુનિયાના સૌથી જૂના અને સૌથી મોટા લોકતંત્રોની વચ્ચે સહયોગને નવી દિશા આપવાની આશાની સાથે થઈ રહી છે. 

એસ. જયશંકરને પ્રથમ હારોળમાં અપાઈ હતી સીટ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ સપન્ન થયા પછી પ્રમુખના પહેલા જ સંબોધન સમયે દુનિયાના લગભગ તમામ દેશોના મહાનુભાવો ઉપસ્થિત હતા. ટ્રમ્પના તે વક્તવ્ય સમયે ભારતના પ્રતિનિધિ વિદેશ મંત્રી એસ. જયશંકર ટ્રમ્પની જમણી બાજુએ પ્રથમ હારોળમાં ઐઝલ પાસેની સીટમાં ''જોધપુરી કોટ'' પહેરીને બેઠેલા દેખાતા હતા.

આ પણ વાંચો: 'ગેરકાયદે આક્રમણો' અને ત્રીજું વિશ્વ-યુદ્ધ નિવારવા પ્રતિબદ્ધ છું : શપથ વિધિ પૂર્વે ટ્રમ્પની સ્પષ્ટ વાત

તે સર્વવિદિત છે કે કોઈપણ સત્તાવાર સમારંભોમાં પહેલેથી જ સીટ ઉપર બેસનારનું નામ તેઓનું પદ અને દેશ લખીને 'પીન-અપ' કરાયા હોય છે. તેમાં ભારતના પ્રતિનિધિ તરીકે વિદેશમંત્રી સુબ્રમણ્યમ્ જયશંકર માટે અમેરિકાના પ્રમુખના વક્તવ્ય સમયે તેઓની જમણી બાજુ ઐઝલ તરફની સીટમાં તેઓને પ્રથમ હરોળમાં અપાયેલું સ્થાન અને ભારત સાથે પહેલી દ્વિપક્ષીય વાતચીત એ થોડામાં ઘણું કહી જાય છે.


Google NewsGoogle News