ભારત આપણુ પરંપરાગત મિત્ર, ચીન કરતા અમેરિકા આગળ છેઃ કોંગ્રેસ સમક્ષ બાઈડનનુ સંબોધન
image : Twitter
વોશિંગ્ટન,તા.8 માર્ચ 2024,શુક્રવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકન કોંગ્રેસને કરેલા ત્રીજા સ્ટેટ ઓફ ધ યુનિયન...સંબોધનમાં ભારત સાથેની મિત્રતા અ્ને ભાગીદારી પર ફરી એક વખત ભાર મુકયો છે.
બાઈડને પોતાના વક્તવ્યમાં કહ્યુ હતુ કે, અમેરિકા અને ભારત દુનિયાના સૌથી મોટા બે લોકશાહી દેશો છે. ભારત અને અમેરિકા પરંપરાગત રીતે આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર છે. ચીનના પડકારો વચ્ચે ભારત જેવા મિત્ર દેશો સાથે અમેરિકા પોતાની ભાગીદારી વધારે મજબૂત બનાવી રહ્યુ છે.
ચીન પર પ્રહારો કરતા તેમણે જણાવ્યુ હતુ કે, તાઈવાન સાથે ચીન જે પ્રકારનો વ્યવહાર કરી રહ્યુ છે તે અમેરિકાને સ્વીકાર્ય નથી અને તાઈવાન સ્ટ્રેટમાં શાંતિ અને સુરક્ષા માટે અમેરિકા ચીનની સામે ઉભુ છે તેમજ ભારત સહિતના ક્વાડ દેશો જાપાન, ઓસ્ટ્રેલિયા તથા દક્ષિણ કોરિયા સાથે પોતાના સબંધોને વધારે ઘનિષ્ઠ બનાવી રહ્યુ છે. અમેરિકા ચીન સાથે ટકરાવ નથી ઈચ્છતુ, અમે ચીન સાથે પ્રતિસ્પર્ધા કરવા માંગીએ છે.
અમેરિકામાં નવેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણી પહેલા કોંગ્રેસને કરેલા આખરી સંબોધનમાં બાઈડને જણાવ્યુ હતુ કે, 21મી સદીમાં પ્રતિસ્પર્ધામાં અમેરિકા ચીનથી આગળ છે અને મજબૂત સ્થિતિમાં છે. મેં મારા રિપબ્લિકન મિત્રોના મોઢે સાંભળ્યુ છે કે, ચીન આગળ વધી રહ્યુ છે અને અમેરિકા પાછળ પડી રહ્યુ છે પણ હકીકતમાં સ્થિતિ ઉલટી છે. અમેરિકા આગળ વધી રહ્યુ છે. અમેરિકાની ઈકોનોમી દુનિયામાં સૌથી મજબૂત છે. મારા સત્તા પર આવ્યા બાદ અમેરિકાની જીડીપી વધી છે અને વેપાર ખાધ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર છે.