અમેરિકાએ ભારતની 297 અજાયબી સમાન વસ્તુઓ પરત કરી, PM મોદીએ આભાર વ્યક્ત કર્યો
Image: Facebook
PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસથી એક મોટી સફળતા મળી છે. અમેરિકાએ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી 297 એવી અજાયબી સમાન વસ્તુઓ પરત કરી દીધી છે જે તસ્કરી દ્વારા દેશથી બહાર જતી રહી હતી. કિંમતી અને પ્રાચીન વસ્તુઓની ચોરી અને તસ્કરી લાંબા સમયથી ગંભીર સમસ્યા રહી છે. 2014 બાદથી ભારતને વિદેશથી લગભગ 640 વસ્તુઓ પાછી મળી ચૂકી છે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને રાષ્ટ્રપતિ બાઈડનનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ગેરકાયદેસર તસ્કરી વિરુદ્ધ લડત અને સાંસ્કૃતિક સંબંધ વધુ મજબૂત થઈ રહ્યાં છે. 297 અજાયબી સમાન વસ્તુઓ પરત કરવા બદલ અમે રાષ્ટ્રપતિ જો બાઈડન અને અમેરિકા સરકારના આભારી છીએ.
આ પહેલા પણ પીએમ મોદીના અમેરિકા પ્રવાસના સમયે ઘણી પ્રાચીન વસ્તુઓ સોંપવામાં આવી હતી. 2021માં જ્યારે પીએમ મોદી અમેરિકા ગયા હતા તો તેમને 157 વસ્તુઓ મળી હતી. આમાં 12મી સદીની નટરાજની મૂર્તિ પણ સામેલ હતી. 2023માં પીએમ મોદીના પ્રવાસ બાદ અમેરિકાએ 105 વસ્તુઓ ભારતને પરત કરી હતી. આ રીતે માત્ર અમેરિકાથી જ અત્યાર સુધી 578 પ્રાચીન અને કિંમતી વસ્તુઓ ભારતને પાછી મળી ચૂકી છે.
અમેરિકા સિવાય યુકેથી 16 અને ઓસ્ટ્રેલિયાથી 14 કલાકૃતિઓ પાછી મળી ચૂકી છે. 2004થી 2013 સુધી માત્ર એક જ કલાકૃતિ ભારતને વિદેશથી મળી હતી. જુલાઈ 2024માં 46મી વર્લ્ડ હેરિટેજ કમિટીથી નવી દિલ્હીમાં અમેરિકા અને ભારતની વચ્ચે કલ્ચરલ પ્રોપર્ટી એગ્રીમેન્ટ પર સાઈન કરવામાં આવ્યા હતા. આ કરાર અનુસાર સાંસ્કૃતિક વસ્તુઓની ગેરકાયદેસર તસ્કરી પર વિરામ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
છેલ્લા 10 વર્ષથી ભારતે પોતાના પ્રાચીન ખજાનાને પાછો મેળવવા માટે સાર્થક પ્રયત્ન કર્યા છે અને તેની અસર પણ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વૈશ્વિક નેતાઓની સાથે વડાપ્રધાન મોદીના વ્યક્તિગત સંબંધોના કારણે ભારતના વારસાને પાછો મેળવવામાં મદદ મળી છે. તસ્કરી દ્વારા વિદેશ પહોંચેલી કલાકૃતિઓ અને મૂર્તિઓ ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલી છે.