અમેરિકાના રીપોર્ટર ઇવાન ગેર્શકોવિચને જાસૂસી કરવા બદલ રશિયામાં 16 વર્ષની સજા
- પશ્ચિમના દેશોએ સજાને વખોડી કાઢતાં તેને તદ્દન ખોટી ધિક્કારપાત્ર અને અધમ કક્ષાની જણાવી
મોસ્કો : અમેરિકાના રીપોર્ટર ઇવાન ગેર્શકોવિચને જાસૂસી કરવા માટે રશિયાની કોર્ટે ૧૬ વર્ષની સજા કરી છે. પશ્ચિમના દેશોએ આ સજાને વખોડી કાઢતાં તદ્દન ખોટી (ખોટા આરોપસર કરાયેલી) ધિક્કારપાત્ર અને અધમ કક્ષાની કહી હતી.
ઉરલ પર્વતમાળામાં આવેલા એકાટરીનબર્ગમાંથી ૨૦૨૩ના માર્ચમાં જાસૂસી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તે પછી તે શહેરમાં જ ગુપ્ત કોર્ટમાં ગુપ્ત રીતે તેની ઉપર કેસ ચાલ્યો હતો. તેની એક પછી એક તેમ ૩ સુનાવણી હાથ ધરી તેને ૧૬ વર્ષની સજા ફરમાવવામાં આવી.
ઉલ્લેખનીય છે કે આ એકાટરીનબર્ગ શહેર ઉરલ પર્વતમાળાની મધ્યમાં રહેલા ઘાટના રશિયા તરફના ભાગે (સાબીરીયા તરફ નહીં) આવેલાં શહેર સર્વડોલસ્કની નજીક જ લગભગ તળેટીમાં વસેલું છે. આ શહેરમાં જ રશિયાના છેલ્લા ઝાર નિકોલસ બીજાને સહકુટુમ્બ રાખવામાં આવ્યા હતા પરંતુ પૂર્વમાંથી એડમિરલ કીલ્યાક ૧૬,૦૦૦નું લશ્કર લઇ ઝારને છોડાવવા વ્લાડીવોસ્ટાકેથી નીકળો છે તે સમાચાર મળતાં ઝારનાં સમગ્ર કુટુમ્બને આ શહેરમાં જ ગોળીએથી ઠાર મારવામાં આવ્યું હતું તેથી ઐતિહાસિક રીતે પણ આ શહેરનું મહત્વ ઘણું હોય ત્યાંથી રીપોર્ટ મોકલવા ઇવાન ગેર્શકોવિચની પસંદગી કરાઈ હશે.
વળી તેનાં નામ ઉપરથી તે રીપોર્ટર રશિયન વંશીય હોવાનું લાગે તેથી તે સરળતાથી માહિતી મેળવી શકે તે પણ સહજ છે. જે પુતિન સરકાર સ્વીકારી શકે તેમ જ ન હોવાથી તેની ઉપર કેસ કર્યો હતો.
આ સમાચાર મળતાં પ્રમુખ જો બાયેડને કહ્યું કે કોર્શકોવિચ એક પત્રકાર હતો અને અમેરિકન હતો તેથી જ તેને નિશાન બનાવવામાં આવ્યો છે. રશિયાએ તેને તદ્દન ખોટી રીતે કેદ કર્યો છે તે અંગે તો કોઈ શંકા ને સ્થાન જ નથી.
જો કે, રશિયા અને અમેરિકા એક બીજાના કેદીઓની અત્યારે અદલ બદલ કરી રહ્યા છે. ત્યારે જ આ ઘટના બની છે.
શુક્રવારે જ્યારે આ સજા ગેર્શકોવિચને સંભળાવવામાં આવી ત્યારે તેણે ડાર્ક પેન્ટ અને ટી-શર્ટ પહેર્યા હતાં. આ સજા ફરમાવવામાં આવી ત્યારે આરોપીઓ માટેનાં પાંજરામાં ઉભેલા ગેર્શકોવિચના મુખ ઉપર હાવભાવ પણ બદલાયા ન હતા. તેને કોર્ટમાંથી સીધો જ જેલ તરફ લઇ જવાયો.
આ સજા ફટકારતાં જજ આંદ્રી મીનીયેલે કહ્યું હતું કે તેને સ્ટ્રિક્ટ રેજીમ કોલોનીમાં જ લઇ જજો. વાસ્તવમાં આ સ્ટ્રિકટ રેજીમ કોલોની તેની કઠોર પરિસ્થિતિ અને તેથી પણ વધુ કટોર નિયમો માટે કુખ્યાત છે.
વૉલ સ્ટ્રીટ જર્નલના આ પત્રકારે કોર્ટમાં કહ્યું હતું કે હું નિર્દોષ છું. મેં કોઈ ગુનો કર્યો નથી. કોલ્ડ વોર પછી ધરપકડ કરાયેલો આ પહેલો પત્રકાર છે.
સજા ફરમાવવામાં આવી તે પહેલેથી (૨૦૧૩થી) તેને ૧૬ મહિના કાચા કામના કેદી તરીકે જેલમાં રાખવામાં આવ્યો હતો. તેની ઉપર મુકાયેલા આરોપોને અમેરિકાની સરકારે તથા વોલ સ્ટ્રીટ જર્નલે પણ ઘડી કાઢેલા આરોપો કહ્યા હતા.