Get The App

ભારત-કેનેડા વિવાદમાં હવે અમેરિકા કૂદ્યું, કહ્યું- ટ્રુડો સરકારે લગાવેલા આરોપો અત્યંત ગંભીર

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
US Reaction on India Canada Diplomatic Tension


US Reaction on India Canada Diplomatic Tension: ભારત અને કેનેડા વચ્ચેના વિવાદમાં હવે અમેરિકા પણ કૂદી પડ્યું છે. કેનેડાએ ફરી આરોપ લગાવ્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય અધિકારીઓનો હાથ છે. આ સાથે તેણે ભારતના હાઈ કમિશનર સહિત છ રાજદ્વારીઓને પાછા બોલાવી દીધા છે. આ આરોપો બાદ કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો છે. કેનેડાએ મંગળવારે કહ્યું કે તેણે 'ફાઇવ આઇઝ' (ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુકે અને અમેરિકા)ને આ અંગે જાણ કરી છે. હવે અમેરિકાએ કેનેડાના આરોપોને ખૂબ જ ગંભીર ગણાવતા ભારતને તપાસમાં સહકાર આપવા વિનંતી કરી છે.

કેનેડાના આરોપો ખૂબ ગંભીર છે: યુએસ 

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે, 'અમે સ્પષ્ટ કર્યું છે કે કેનેડાના આરોપો ખૂબ ગંભીર છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે ઇચ્છીએ છીએ કે ભારત સરકાર કેનેડા અને તેની તપાસમાં સહકાર આપે. પરંતુ ભારતે વૈકલ્પિક રસ્તો પસંદ કર્યો.'

આ પહેલા પણ અમેરિકાએ ભારતનું સ્ટેન્ડ લીધું હતું 

આ પહેલીવાર નથી જ્યારે અમેરિકાએ ભારત અને કેનેડા વચ્ચેના તણાવ પર ટિપ્પણી કરી હોય. ગયા વર્ષે જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં ભારત પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે અમેરિકાએ ભારતની પ્રતિક્રિયા પર ચિંતા વ્યક્ત કરી હતી. તે સમયે ભારતે કેનેડાના 41 રાજદ્વારીઓને પરત ફરવાનું કહ્યું હતું. ત્યારે પણ મેથ્યુ મિલરે કહ્યું હતું કે અમેરિકા માને છે કે ભારતે કેનેડાની તપાસમાં સહયોગ કરવો જોઈએ.

ભારતે કેનેડામાંથી ભારતીય રાજદૂતને પરત બોલાવ્યા 

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યા બાદ કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો વારંવાર ભારત વિરુદ્ધ અવાર-નવાર ઝેર ઓકતા રહે છે. ટ્રુડો સરકારે નિજ્જર કેસમાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ ‘વ્યક્તિગત હિત’નો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યા બાદ ભારતે કેનેડામાંથી ભારતીય રાજદૂતને પરત બોલાવી લીધા બાદ વધુ એક મોટો નિર્ણય કર્યો છે. 

કેન્દ્ર સરકારે કેનેડાના હાઈકમિશનર સહિત છ રાજદ્વારીની હકાલપટ્ટી કરી છે. ભારતે તેમને 19 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે સંજય કુમાર વર્માને તાત્કાલિક ત્યાંથી ભારત પરત બોલાવી દીધા છે. ભારત સરકારે કેનેડામાંથી હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: 5 પગલાંથી ભારત કેનેડાનું અર્થતંત્ર હચમચાવી શકે, ટ્રુડોને એક પણ વિરોધી પગલું ભારે પડી જશે!

શું છે સમગ્ર મામલો?

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે આ મામલો જોડાયેલો છે. નિજ્જર કેનેડાનો નાગરિક હોવા છતાં તેને ભારતે આતંકવાદી જાહેર કર્યો છે. ગયા વર્ષે 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારા પાસે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ગયા વર્ષે 18 સપ્ટેમ્બરે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ભારતે કેનેડાના આ દાવાને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. સોમવારે કેનેડાએ ભારતીય રાજદ્વારીઓને સીધા જ સકંજામાં લીધા છે. બાદમાં ટ્રુડોએ પણ પ્રેસ કોન્ફરન્સમાં ભારત પર આરોપ લગાવ્યો હતો. 

જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે આ વાતને નકારી કાઢી હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે ટ્રુડો વોટ બેંકની રાજનીતિ માટે આવું કરી રહ્યા છે. કેનેડાના આ આરોપો બાદ ભારતે પોતાના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને ભારત પરત બોલાવ્યા છે. ભારતે સ્પષ્ટ કહ્યું કે હવે અમને કેનેડાની વર્તમાન સરકાર પર વિશ્વાસ નથી.

ભારત-કેનેડા વિવાદમાં હવે અમેરિકા કૂદ્યું, કહ્યું- ટ્રુડો સરકારે લગાવેલા આરોપો અત્યંત ગંભીર 2 - image


Google NewsGoogle News