તો હું પણ ચૂંટણી નહીં લડુ, ટ્રમ્પને રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ગેરલાયક ઠેરવવાનો વિવેક રામસ્વામીએ કર્યો વિરોધ
image : Twitter
વોશિંગ્ટન,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર
અમેરિકાના કોલોરાડો રાજ્યની અદાલતે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ગેરલાયક ઠેરવવાનો ચુકાદો આપ્યા બાદ અમેરિકામાં ભારે બબાલ જોવા મળી રહી છે.
રિપબ્લિકન પાર્ટી વતી ઉમેદવાર બનવા માટે ટ્રમ્પની સાથે હરિફાઈમાં ઉતરેલા ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ હવે આ મામલામાં ખુલ્લેઆમ ટ્રમ્પનુ સમર્થન કર્યુ છે અને જાહેર કર્યુ છે કે, જો સુપ્રીમ કોર્ટ ટ્રમ્પને ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપે તો કોલોરાડોમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર માટે થનારી ચૂંટણીમાં હું પણ ભાગ નહીં લઉં.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ પદ માટે ગત ચૂંટણીમાં ટ્રમ્પની હાર બાદ અમેરિકન સંસદ પર લોકોએ હુમલો કર્યો હતો અને આ મામલામાં કોલોરાડો કોર્ટે ટ્રમ્પને હવે આગામી ચૂંટણી લડવા માટે જ અયોગ્ય ઠેરવી દીધા છે. કોર્ટે કહ્યુ છે કે, રાજ્યમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર નક્કી કરવાની કવાયતમાં ટ્રમ્પ ભાગ નહીં લઈ શકે. જેની સામે વિવેક રામાસ્વામીએ વિરોધ જાહેર કર્યો છે.
રામાસ્વામીએ કહ્યુ છે કે, જો ટ્રમ્પને ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં અપાય તો હું પણ આ રાજ્યમાં થનારા મતદાનમાં ઉમેદવારી પાછી ખેંચી લઈશ અને રિપબ્લિકન પાર્ટીના બીજા ઉમેદવારો રોન ડેસેન્ટિસ, ક્રિસ ક્રિસ્ટી અને નિક્કી હેલીને પણ કોલોરાડો રાજ્યમાં થનારા મતદાનમાંથી હટી જવા માટે અપીલ કરી છું.
તેમણે આગળ કહ્યુ હતુ કે, કોર્ટનો નિર્ણય ખોટો છે. આ પ્રકારના નિર્ણય અમેરિકા માટે ખતરનાક સાબિત થશે. જો ટ્રમ્પને ચૂંટણી લડવા માટે પરવાનગી નહીં મળે તો હું પણ આ મતદાન પ્રક્રિયાનો હિસ્સો બનવા માટે તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં પહેલી વખત એવુ બનયુ છે કે, રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે કોઈ ઉમેદવારને ગેરલાયક ઠરેવવામાં આવ્યા હોય.
કોલોરાડોની નીચલી કોર્ટે તો ટ્રમ્પને ચૂંટણી લડવા માટે મંજૂરી આપી હતી પણ હવે હાઈકોર્ટે આ ચુકાદો પલટી નાંખ્યો છે. હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર ટ્રમ્પ સમર્થકોની નજર રહેલી છે.