અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી : સર્વેએ ટ્રમ્પ અને હેરિસ બંનેને ચોંકાવી દીધા
- ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ વસાહતી વિરુદ્ધ નીતિ મેદાન મારશે
- વૉલ-સ્ટ્રીટ જર્નલ કહે છે : ટ્રમ્પ તરફે 47 ટકા મતદારો છે, જ્યારે હેરિસ તરફે 45 ટકા છે : 8 ટકા મતદારો અનિર્ણિત છે
ન્યૂયોર્ક : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અમેરિકાના એક પ્રમાણભૂત વર્તમાન પત્ર વોલ સ્ટ્રીટ જર્નલે તાજેતરમાં હાથ ધરેલા રાષ્ટ્રીય સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે આ સ્પર્ધામાં ટ્રમ્પ હેરિસ કરતાં ૨ ટકા આગળ છે. ૪૭ ટકા મતદારો ડોનાલ્ડ ટ્રમ્પ તરફે છે, જયારે ૪૫ ટકા કમલા હેરિસ તરફે છે.
આ પૂર્વે યોજાયેલા એક સર્વેક્ષણમાં ડોનાલ્ડ ટ્રમ્પ તરફે ૪૮ ટકા મતદારો હતા, જયારે હેરિસ તરફે ૪૬ ટકા મતદારો હતા. જયારે ૬ ટકા મતદારો અનિર્ણીત જાણવા મળ્યા હતા.
સીએનબીસી સત્તાવાર ચેનલે દરેક રાજ્યોના મતપ્રવાહો ઉપર નજર રાખનારી સંસ્થા રીયલ કિલયર પોલિટિકસ જણાવે છે કે, કમલા હેરિસ રાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પ કરતા માત્ર ૦.૩ ટકા જેટલા જ આગળ છે. તો બીજી તરફ દેશના મહત્વના સાત રાજ્યોમાં રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ૦.૯ અંકથી હેરિસથી આગળ છે. તે મહત્વના ૭ રાજ્યો છે. એરિઝોના, નેવાડા, વિસ્કોન્ઝિન, મિશિગન, પેન્સિલવાનિયા, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયા. આ સાત રાજ્યો માટે કહેવાય છે કે ત્યાં વારંવાર મતદારોનાં વલણ બદલાતા રહે છે.
દરમિયાન હેરિસ અને ટ્રમ્પ એક બીજા ઉપર રાજકીય હુમલા કરી રહ્યાં છે. હેરિસે વોશિંગ્ટનમાં નિશાન સાધતાં કહ્યું કે, ટ્રમ્પ દેશનું નેતૃત્વ કરવાને યોગ્ય વ્યકિત નથી. અમને કાલે જ માહિતી મળી છે કે ટ્રમ્પના પૂર્વેના ચીફ ઓફ સ્ટાફ જ્હોન કેવીને કહ્યું હતું કે તેઓ ઇચ્છતા હતા કે તેની પાસે એવા જનરલ હોવા જોઈએ કે જેઓ એડૉલ્ફ હીટલર પાસે હતા. તેઓ ઇચ્છતા હતા અમેરિકાની સેના તેમને વફાદાર હોય, અમેરિકાના સંવિધાનને નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પે આ આક્ષેપોને ફગાવી દીધા છે. તેઓએ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટ્રૂથ ઉપર જણાવ્યું હતું કે જ્હોન કેવી નામક વ્યકિતને બે જ ગુણ હતા તેઓ સખ્ત હતા. મૂર્ખ હતા.
નિરીક્ષકો જણાવે છે કે ટ્રમ્પની અમેરિકા-ફર્સ્ટ અને વસાહતીઓ અંગેની નીતિ મેદાન મારી જશે. રોનાલ્ડ રીગનની ગોડ બ્લેસ અમેરિકા સૂત્રે જેઓ જાદુ કર્યો હતો તેઓ જ જાદુ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ કરી શકે તેમ છે. તેઓ કહે છે કે, અમેરિકાએ દુનિયાભરની ઉપાધી વ્હોરી લેવાની જરૂર નથી. પહેલા આપણું ઘર મજબૂત કરો. વસાહતીઓ અંગેની તેઓની નીતિ વિચાર માગી લે છે. તેઓ કેટલાક મુસ્લિમ બહુમતીવાળા રાજ્યોમાંથી આવતા વસાહતીઓ ઉપર સીધો પ્રતિબંધ મુકવા માગે છે. તેઓની દલીલ તે છે કે તે દેશોમાંથી જ મોટા ભાગના આતંકીઓ આવે છે. ટ્રમ્પ મેક્ષિકો સરહદે દિવાલ રચવા માગે છે. મેક્ષિકોમાંથી અસંખ્ય અમેરિકામાં ઘૂસણખોરો ઘૂસી આવે છે. તેથી અમેરિકાના વિશેષત: દક્ષિણ અમેરિકાના નીતિવાદી સમીકરણ જે (ડેમોગ્રાફિક-પેટર્ન) બદલાઈ જવા સંભવ છે. જો વસાહત પ્રવાહ અટકાવવામાં નહીં આવે તો મૂળ અમેરિકન્સ કરતાં વસાહતીઓની જ સંખ્યા વધી જશે. ટ્રમ્પની આ દલીલ કરોડો અમેરિકન્સને પસંદ પડી ગઈ છે તેવું લાગે છે.