અમેરિકામાં ચૂંટણી 'હિંસક' બની! કમલા હેરિસના કાર્યાલયે બીજી વખત ગોળીબારથી ખળભળાટ
Again Firing in USA on Kamala harris Election Office | અમેરિકાના એરિઝોના રાજ્યમાં ડેમોક્રેટિક પદના ઉમેદવાર કમલા હેરિસના ચૂંટણી કાર્યાલયે ફરી એકવાર ગોળીબારની ઘટનાથી હડકંપ મચી ગયું છે. એક મહિનામાં આ બીજી ઘટના હતી જ્યારે ટેમ્પે શહેરમાં ચૂંટણી કાર્યાલયને નિશાન બનાવાયું હતું. ઓફિસની સામે બારીઓ પર પેલેન ગન વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે રાતે બની હતી ઘટના!
ટેમ્પે પોલીસે જણાવ્યું કે આ ઘટના ગત રાત્રિએ બની હતી. ડેમોક્રેટિક નેશનલ કમિટીના કાર્યાલયે આ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં મોટા નુકસાનની વાત સામે આવી છે. જોકે આ ઘટનામાં કોઈ ઘાયલ કે મૃત્યુ પામ્યાની જાણકારી હજુ મળી શકી નથી.
પોલીસ ઓફિસરે આપી માહિતી
પબ્લિક ઈન્ફર્મેશન ઓફિસર સાર્જન્ટ રયાન કુકે કહ્યું કે ઘટના સમયે કાર્યાલયના પરિસરની અંદર કોઈ નહોતું પણ તાજેતરના હુમલાને કારણે એ બિલ્ડિંગમાં કામ કરનારા લોકોની સાથે સાથે આજુબાજુમાં રહેતા લોકોની સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ છે.
ફૂટેજ પણ જાહેર કરાયા
સ્થાનિક મીડિયાએ આ ઘટના બાદના ફૂટેજ પણ જાહેર કર્યા હતા જેમાં ઓફિસના એક દરવાજા અને બે બારીઓમાં ગોળીઓના નિશાન દેખાયા હતા. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાસ્થળે સુરક્ષામાં વધારો પણ કરી દીધો છે.