અમેરિકાની ચૂંટણીમાં બાઈડેન આગળ કે ટ્રમ્પ? NYT અને સિએના સર્વેના રસપ્રદ તારણો
US Presidential Election : અમેરિકામાં આ વર્ષે પ્રમુખ પદ માટેની ચૂંટણી થવાની છે. અમેરિકા જગતનો જમાદાર હોવાથી અહીંની ચૂંટણી પર વિશ્વભરના લોકોનું ધ્યાન કેન્દ્રીત થાય છે. આ વખતે મુખ્ય મુકાબલો પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને વર્તમાન પ્રમુખ જો બાયડેન (Joe Biden) વચ્ચે જોવા મળી રહ્યો છે. બંને નેતાઓ જુદા જુદા રાજ્યોમાં જઈ અમેરિકન મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ન્યૂયોર્ક ટાઈમ્સ અને સિએના પોલે એક સર્વે કરી બંને નેતાઓની લોકપ્રિયતા અંગે મહત્વનો ખુલાસો કર્યો છે.
બાઈડેનની લોકપ્રિયતા વધી, સર્વેમાં ખુલાસો
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં જો બાઈડેનની લોકપ્રિયતા વધતા ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનની ઉંમર, દેશની દિશા અને અર્થવ્યવસ્થા પર આંગળી ચિંધાઈ છતાં તેમને અમેરિકન લોકોનું ભરપુર સમર્થન મળી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અને સિએના પોલના એક સર્વેમાં ખુલાસો થયો છે કે, અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા બાઈડેનની લોકપ્રિયતામાં વધારો થયો છે.
ટ્રમ્પની લોકપ્રિયતામાં બે ટકાનો ઘટાડો
અગાઉ ફેબ્રુઆરીમાં કરાયેલા સર્વેમાં બંને નેતાઓ વચ્ચે પાંચ ટકાનું અંતર હતું. જોકે નવા સર્વે મુજબ હવે આ અંતર ઘટીને માત્ર એક ટકા પર આવી ગયું છે. સર્વે દરમિયાન લોકોને પૂછવામાં આવ્યું હતું કે, ‘જો આજે જ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાય તો તમે કોને મત આપશો?’ તો તેના જવાબમાં ફેબ્રુઆરીમાં 48 ટકા અમેરિકન મતદાતાઓએ ટ્રમ્પને સાથ આપ્યો હતો, જ્યારે 43 ટકા લોકોએ બાઈડેનના સમર્થનમાં ઉભા રહ્યા હતા. જ્યારે નવા સર્વેમાં 46 ટકા લોકો ટ્રમ્પની સાથે અને 45 ટકા લોકો રાષ્ટ્રપતિ બાઈડેનને સમર્થન આપી રહ્યા છે.
બાઈડેનની લોકપ્રિયતા વધી
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફેબ્રુઆરીમાં 48 ટકા અમેરિકી મતદારોનું અને અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેનને 43 ટકા મતદારોનું સમર્થન મળ્યા બાદ નવા સર્વેમાં ટ્રમ્પને 46 ટકા અને બાઈડેનને 45 ટકા મતદારોનું સમર્થન મળ્યું છે. આ જોતા ટ્રમ્પની લોકપ્રિયતામાં બે ટકાનો ઘટાડો થયો છે, જ્યારે બાઈડેનની લોકપ્રિયતામાં બે ટકાનો વધારો થયો છે.
ટ્રમ્પની નજીક પહોંચી ગયા બાઈડેન
રાષ્ટ્રપતિ બાઈડેન લોકપ્રિય થવા ઉપરાંત ડેમોક્રેટીક મતદારોનું પણ સમર્થન મળી રહ્યું છે. નવા સર્વેમાં 89 ટકા ડેમોક્રેટ્સે કહ્યું કે, જો આજે જ મતદાન થાય તો અમે બાઈડેનને મત આપીશું. ફેબ્રુઆરીમાં આ આંકડો 83 ટકા હતો.