'કમલા હેરિસ અમેરિકન પ્રમુખ બનવા લાયક નથી, ખેલ ખતમ થઈ ચૂક્યો છે...' ટ્રમ્પના પ્રહાર
US Presidential Election: અમેરિકામાં જેમ-જેમ પ્રમુખપદની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ તેમ રાજકારણમાં ચહલપહલ વધી રહી છે. અમેરિકાની ચૂંટણીના પાંચ દિવસ પહેલાં જ ઉપ પ્રમુખ કમલા હેરિસ અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિસ્કોન્સિનમાં મોટા પાયે રેલીઓ યોજી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેમાં એકબીજા પર આકરા પ્રહારો પણ થઈ રહ્યા છે.
મીડિયા સરવે પરથી જાણવા મળ્યું છે કે, ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર હેરિસે મિશિગન અને વિસ્કોન્સિનમાં નજીવી બહુમતી મેળવ્યો છે. જ્યારે પેન્સિલ્વેનિયામાં બંને વચ્ચે આકરી ટક્કર જોવા મળી છે. મિશિગનમાં સંભવિત મતદારો વચ્ચે ટ્રમ્પને 40 ટકાથી વધુ બહુમતી મળી છે. ટ્રમ્પે હેરિસ પર આકરા પ્રહારો કર્યા છે.
આ પણ વાંચોઃ ઈઝરાયલ સામે હિઝબુલ્લાહ ગભરાયું! યુદ્ધવિરામ અંગે વાતચીત માટે તૈયાર, આત્મસમર્પણની તૈયારી?
કમલા રાષ્ટ્રપતિ બનવા લાયક નહીં
હાલમાં જ ટ્રમ્પે વિસ્કોન્સિનના ગ્રીન બે વિસ્તારમાં આયોજિત રેલીમાં હજારો સમર્થકોને સંબોધિત કરતાં કહ્યું કે, ‘કમલા હેરિસ પ્રમુખ બનવાને લાયક નથી. જો બાઈડેન અને કમલા હેરિસ માટે મારી પ્રતિક્રિયા ખૂબ સરળ છે. જો તમે અમેરિકાના લોકોને પ્રેમ કરતાં નથી તો તમને અમેરિકાનું નેતૃત્વ કરવાનો કોઈ હક નથી. આ સત્ય છે. આ વિચારસરણી મુજબ હેરિસ અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવા યોગ્ય નથી. કમલાનો ખેલ હવે ખતમ થઈ ચૂક્યો છે.’
તમે મને મત આપો કે ન આપો...
હેરિસે જો બાઈડેનના વિવાદસ્પદ નિવેદનથી અંતર જાળવ્યું છે, જેમાં બાઈડેને ટ્રમ્પના સમર્થકોને ‘કચરો’ કહ્યા હતા. હેરિસે કહ્યું કે, ‘કોઈના પણ મતના આધારે તેની ટીકા કરવી યોગ્ય નથી. હું તેમના આ નિવેદન સાથે સહમત નથી. હેરિસે બુધવારે કહ્યું કે, મારૂં માનવું છે કે, મારૂં કામ તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવાનું છે, લોકો મને સમર્થન આપે કે ન આપે, અમેરિકાના પ્રમુખ તરીકે હું તમામ અમેરિકનોની સેવા કરીશ.’
નોંધનીય છે કે, અમેરિકામાં પાંચ નવેમ્બરે મતદાન યોજાશે.