બાઈડન સરકારે કોંગ્રેસ પાસે યુક્રેન, ઈઝરાયેલ માટે અધધ.. 75 અબજ ડોલરના પેકેજની માંગણી કરી
image : twitter
વોશિંગ્ટન,તા.21.ઓક્ટોબર.2023
અમેરિકાએ યુધ્ધનો સામનો કરી રહેલા બે સાથી દેશો યુક્રેન અને ઈઝરાયેલને મદદ કરવા માટે અમેરિકન કોંગ્રેસ પાસે અધધ...75 અબજ ડોલરના પેકેજની માંગણી કરી છે.
બાઈડને ઓવલ ઓફિસમાંથી દેશને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, અમેરિકાના ઈતિહાસ માટે અત્યારનો સમય ટર્નિંગ પોઈન્ટ છે. અમેરિકા જે રકમ પૂરી પાડશે તેની મદદથી રશિયાના ક્રુર હુમલા સામે ઝઝૂમી રહેલા યુક્રેન અને હમાસની ક્રુરતાનો સામનો કરી રહેલા ઈઝરાયેલને મદદ મળશે. સાથે ગાઝા પટ્ટીમાં પણ માનવીય મદદ પહોંચાડી શકાશે.
બાઈડન સરકાર વતી યુએસ ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટના ડાયરેકટર શાલાંદા યંગે અમેરિકન કોંગ્રેસના સ્પીકરને પત્ર લખ્યો છે અને તેમાં કહેવામાં આવ્યુ છે કે, રાહત પેકેજમાંથી ઈઝરાયેલને 14.3 અબજ ડોલર, યુક્રેનને 61.4 અબજ ડોલર, ગાઝામાં રાહત માટે 9.15 અબજ ડોલર આપવાનો પ્રસ્તાવ છે. જ્યારે 7.4 અબજ ડોલર તાઈવાન અને ઈન્ડો પેસિફિક વિસ્તારમાં સુરક્ષા માટે અને 13.6 અબજ ડોલર અમેરિકન મેક્સકો બોર્ડર પર સિક્યુરટી માટે ફાળવામાં આવશે.
આ પત્રમાં સ્પીકરને અપીલ કરવામાં આવી છે કે, દુનિયા જોઈ રહી છે અને અમેરિકાના લોકો નેતાઓ પાસે આશા રાખી રહ્યા છે કે, ઉપરોક્ત મુદ્દાઓ પર સર્વ સંમતિ સાધવામાં આવે.
અમેરિકન સેનેટમાં મેજોરિટીના લીડર ચક શૂમરે કહ્યુ છે કે, સેનેટના ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો આ પેકેજ પાસ કરવા માટે વહેલી તકે કાર્યવાહી કરશે અને અમે આશા રાખીએ છે કે, રિપબ્લિકન સાંસદો પણ આ પેકેજને પાસ કરાવવામાં મદદ કરશે.
અમેરિકન મીડિયાના એક રિપોર્ટ અનુસાર 105 અબજ ડોલરના રાહત પેકેજમાંથી યુક્રેનને અપાનારી 50 ટકા કરતા વધારે રકમ દારુગોળો અને હથિયાર ઉપલબ્ધ કરાવવામાં વપરાશે. જ્યારે ઈઝરાયેલને મળનારા ફંડની તમામ રકમનો ઉપયોગ સંરક્ષણ ડીલ માટે કરાશે.
અમેરિકાએ હવે મેક્સિકો બોર્ડર પર સુરક્ષા વધારવાની પણ તૈયારી કરી છે. જેમાં બોર્ડર પર પેટ્રોલિંગ વધારાશે તેમજ નવા શેલ્ટર અ્ને ડિટેન્શન સેન્ટર ઉભા કરાશે. જ્યારે 9 અબજ ડોલરની રકમ ગાઝાના લોકોને સહાય આપવા માટે ફાળવવામાં આવનાર છે.
ત્રણ અબજ ડોલરની રકમ અમેરિકા માટે નવી સબમરિનોના નિર્માણ પાછળ અને બે અબજ ડોલર વિદેશી સેનાઓની મદદ માટે ખર્ચવામાં આવશે.