બાઈડેને અમેરિકાના પ્રમુખ તરીકેની શક્તિનો ‘ઉપયોગ' કર્યો! આરોપી દીકરાને દોષમુક્ત જાહેર કર્યો
US President Joe Biden pardons his son hunter Biden | અમેરિકાના પ્રમુખ જો બાઈડેને ગેરકાયદે રીતે બંદૂક રાખવા અને કરચોરીના મામલામાં પોતાના પુત્રને માફ કરી દીધો છે. બાઈડેનનો આ નિર્ણય યુ-ટર્ન જેવો છે કારણ કે, આ અંગે રાજકીય વિવાદ થતાં તેમણે કહ્યું હતું કે ‘હું મારા પરિવારના લાભ માટે મારી શક્તિઓનો ઉપયોગ નહીં કરું.’
મારા દીકરા સામેના આરોપો રાજકીય રીતે પ્રેરિત
હવે બાઈડેને એક નિવેદનમાં કહ્યું કે ‘આજે મેં મારા પુત્ર હન્ટરને માફ કરી દીધો છે. જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું છે ત્યારથી હું કહી રહ્યો છું કે, હું ન્યાય વિભાગના નિર્ણયોમાં દખલ નહીં કરું. મેં આ વચન પાળ્યું છે, પરંતુ મેં જોયું કે મારા પુત્રને નિશાન બનાવાઈ રહ્યો છે અને અન્યાયી રીતે કાર્યવાહી કરાઈ રહી છે. મારા પુત્ર પર લગાવાયેલા આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા.’
અગાઉ, બાઈડેને કહ્યું હતું કે ‘હું ડેલાવેર અને કેલિફોર્નિયામાં ચાલતા મારા પુત્ર હન્ટર સામેના બે કેસમાં દખલ નહીં કરું અને તેની સજા ઓછી કરવા પણ અપીલ નહીં કરું.’
હન્ટર સામે શું આરોપો છે?
અમેરિકાના પ્રમુખ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેન પર કરચોરીથી લઈને ગેરકાયદે રીતે હથિયાર રાખવા, સરકારી નાણાનો દુરુપયોગ અને ખોટી જુબાની આપવા જેવા આરોપો છે. અગાઉ, ડેલાવેર કોર્ટમાં હન્ટરે કરચોરી અને ગેરકાયદે બંદૂક રાખવાનો સ્વીકાર કર્યો હતો. હન્ટર પર આક્ષેપો છે કે, તેણે જાણી જોઈને આવકવેરો ચૂકવ્યો નથી અને કરચોરી કરી છે.