અમેરિકન પ્રમુખ બાઈડેને ફરી ભાંગરો વાટ્યો, PM મોદી સહિતના મહાનુભાવો પણ શરમાઈ ગયા
Cancer Moonshot: અમેરિકન પ્રમુખ જો બાઈડેને તાજેતરમાં તેમના વતન વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારતના નેતાઓની યજમાની કરી હતી. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સંબંધોને મજબૂત કરવા પર કેન્દ્રિત આ મીટિંગમાં યુએસ પ્રમુખની ‘કેન્સર મૂનશોટ’ ઈનિશિયેટિવ લૉન્ચ કરાઈ હતી. આ પહેલનો હેતુ ખાસ કરીને ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં કેન્સર સંશોધન અને તેના ઉકેલના પ્રયાસને વેગ આપવાનો છે.
જોકે, આ મીટિંગ દરમિયાન કંઈક એવું બની ગયું જેણે રમૂજની છોળ પણ ઉડાવી અને ચિંતા પણ કરાવી. ચાલો જાણીએ કે શું બન્યું હતું.
બાઈડેને PM મોદીને ભૂલી ગયા
81 વર્ષના અમેરિકન પ્રમુખ જો બાઈડેન સ્ટેજ પર હતા ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ ભૂલી ગયા હતા! સ્ટેજ પરથી કેન્સર સામે લડવાના ક્વાડના મિશન વિશે બોલવાનું પૂરું કર્યા પછી બાઈડેને વડાપ્રધાન મોદીનો પરિચય આપવાનો હતો, પણ તેઓ એ વાત જ ભૂલી ગયા. 'હું અહીં આવવા બદલ તમારા બધાનો આભાર માનું છું.' એમ કહ્યા બાદ આગળ શું બોલવું એની અવઢવમાં તેઓ અટવાયા, પછી તેમણે માઈકમાં પૂછ્યું, 'હવે મારે કોનો પરિચય આપવાનો છે?'
કોઈ કંઈ કહે-કરે એમાં બે-ચાર ક્ષણ વીતી અને બાઇડેને ફરી પૂછ્યું, 'હુઝ નેક્સ્ટ?' એટલે કે તેમનો કહેવાનો અર્થ એ હતો કે, ‘હવે આગળ કોણ છે?’
બાઇડેનના સ્ટાફે બગડેલી બાજી સંભાળવી પડી
બાઈડેનની ભૂલને એમના સહાયકોએ છાવરી લીધી હતી. એક પુરુષ સહાયકે સ્ટેજ પર બેઠેલા વડાપ્રધાન મોદી તરફ હાથથી ઈશારો કરીને એમને સંકેત આપતાં મોદી ઊભા થયા હતા અને બીજાં મહિલા સંચાલકે મોદીનો પરિચય આપ્યો.
ભારત-અમેરિકાને ઓછી વસતી ધરાવતા નાના દેશ ગણાવ્યા
વડાપ્રધાન મોદીએ બાઈડેન પાસે જઈને હસીને હાથ મિલાવ્યા અને ત્યાં સુધીમાં બાઈડેનને પણ મોદી સ્ટેજ પર હતા એ યાદ આવી ગયું હોય એમ એમણે હસીને મોદીને સારા મિત્ર અને સારા માણસ ગણાવીને આવકાર્યા. જો કે, ત્યાં પણ બાઇડેને લોચો માર્યો. તેમણે મોદીનો પરિચય આપતી વખતે ભારતને અમેરિકાની જેમ જ ઓછી વસ્તી ધરાવતો નાનકડો દેશ ગણાવ્યો હતો. બાઇડેન એય ભૂલી ગયા કે વિસ્તારની દૃષ્ટિએ અમેરિકા અને ભારત મોટા દેશ છે. તેમાંય ભારત તો 140 કરોડની વસતી ધરાવતો દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે.
હસી કાઢવામાં આવી બાઇડેનની ભૂલ
બાઇડેનના આવા છબરડાંથી સ્ટેજ પર બેઠેલા ઑસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સહિત ત્યાં હાજર સૌ કોઈ ચોંકી ગયા હતા. જોકે, પ્રસંગ સાચવી લેવાને ઈરાદે ત્યાં હાજર બધાએ એમની ભૂલ હસી કાઢી હતી.
સોશિયલ મીડિયા પર ઊડી મજાક
આ વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર લોકોએ બાઇડેનના ભૂલકણાપણાની મજાક ઉડાવવા માંડી હતી. કોઈકે એમની ટીકા કરી તો કોઈકે એમની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા. અમુકે ‘આટલી ઉંમરે આવું તો થાય’ એમ કહીને રાષ્ટ્રપતિનો બચાવ પણ કર્યો. તો અમુકે કહ્યું કે, બાઇડેને જાણી જોઈને રમૂજ સર્જવા માટે આવું કર્યું હતું.
બાઇડેનની આ સમસ્યા નવી નથી
ડેલવેરમાં બનેલી આ ઘટનાને બાઇડેને ભલે હસીને ‘કવર અપ’ કરવાની કોશિશ કરી હોય, કે પછી ભલે એમના સમર્થકો એને બાઇડેનની રમૂજવૃત્તિમાં ખપાવવા માંગતા હોય, પણ હકીકત એ છે કે બાઇડેન ખરેખર સ્મૃતિદોષનો ભોગ બન્યા છે. આ કંઈ પહેલીવારનું નથી કે જાહેર કાર્યક્રમ દરમિયાન તેઓ કોઈ મહત્ત્વપૂર્ણ નેતાનું નામ કે કોઈ મુદ્દો ભૂલી ગયા હોય.
જુલાઈ, 2024 માં બાઇડેને વોશિંગ્ટનમાં નાટો સમિટમાં હાજરી આપી હતી ત્યાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીનો ઉલ્લેખ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન તરીકે કર્યો હતો.
આ વર્ષે રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની રાષ્ટ્રપ્રમુખની પ્રથમ ચર્ચા દરમિયાન પણ બાઇડેને બોલવામાં ગોટાળા વાળ્યા હતા. બાઇડેન એટલી હદે બેધ્યાન હતા અને એટલી બધી વાતો ભૂલી ગયા હતા કે ટ્રમ્પે એમની પુનઃચૂંટણી માટે લડવાની ક્ષમતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા. એ પછી તો બાઇડેનનું ભુલક્કડપણું અમેરિકા સહિત આખી દુનિયામાં ચર્ચાને ચકડોળે ચઢ્યું હતું. એમની પોતાની પાર્ટીમાં એમનો વિરોધ થયો હતો, જેને પરિણામે આખરે બાઇડેને રાષ્ટ્રપ્રમુખની રેસમાંથી ખસી જવાની ફરજ પડી હતી.