અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી નવેમ્બરના પહેલા મંગળવારે જ યોજાય છે, જાણો શું છે કારણ
America Presidential Election 2024 : આજે 5 નવેમ્બર, મંગળવારના રોજ અમેરિકાના પ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રમુખ પદ માટેની આગામી ચૂંટણી મંગળવાર, 7 નવેમ્બર, 2028ના રોજ અને એ પછીની ચૂંટણી મંગળવાર, 2 નવેમ્બર, 2032ના રોજ યોજાશે. તમામ ચૂંટણીઓની તારીખમાં વાર અને મહિનાની સમાનતા ધ્યાનમાં આવી? ફક્ત આ ત્રણ જ નહીં, અમેરિકામાં યોજાનારી પ્રમુખ પદની બધી જ ચૂંટણીઓ નવેમ્બર મહિનાના પહેલા મંગળવારે જ યોજાય છે. એનું કોઈ ચોક્કસ કારણ ખરું? છે, અને બહુ રસપ્રદ છે. ચાલો, જાણીએ.
સંયોગ નથી, નિયમ છે
અમેરિકામાં નિયમ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી નવેમ્બરના મહિનાના પ્રથમ મંગળવારે જ યોજાવી જોઈએ. 23 જાન્યુઆરી, 1845ના રોજ આ નિયમ બનાવવામાં આવ્યો હતો. એ અગાઉ ચૂંટણીનો કોઈ નિશ્ચત દિવસ નહોતો.
શા માટે બનાવાયો છે આ નિયમ?
અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે એક નિશ્ચિત દિવસ નક્કી કરવામાં આવ્યો એનું મુખ્ય કારણ આ છે. વર્ષ 1845માં અમેરિકા આજના જેવું આધુનિક રાષ્ટ્ર નહોતું. દેશની મોટાભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહેતી અને ખેતીકામ કરતી હતી. એ જમાનામાં દૂર-સુદૂરના વિસ્તારમાં રહેતા લોકોને મત આપવાની અનુકૂળતા રહે એ માટે 34 દિવસનો સમયગાળો ફાળવવામાં આવતો હતો. નવેમ્બરની શરૂઆતથી મતદાન શરૂ થતું તે ડિસેમ્બરના પહેલા બુધવાર સુધી ચાલુ રહેતું. આ સુવિધા લોકોને અનુકૂળ તો હતી, પણ એને કારણે એક સમસ્યા સર્જાતી.
આ પણ વાંચો : અમેરિકાના રાષ્ટ્રપતિને કેટલું વેતન મળે છે? સુવિધાઓ જાણીને આંખો પહોળી થઈ જશે
શું સમસ્યા સર્જાતી?
સમસ્યા એ હતી કે જે રાજ્યોમાં વહેલી ચૂંટણી યોજાઈ જતી એ રાજ્યોના લોકોનો ઝુકાવ અને અભિપ્રાય જે રાજ્યોમાં મોડી ચૂંટણી યોજાતી તે રાજ્યોના લોકોના મતને પ્રભાવિત કરતી. એને લીધે કોઈ એક પક્ષને ફાયદો થતો અને બીજાને નુકશાન થતું. આ સમસ્યાના નિવારણ માટે ચૂંટણીનો એક નિશ્ચિત દિવસ નક્કી કરવાની જરૂરિયાત ઊભી થઈ.
આ કારણસર પસંદ કરાયો નવેમ્બર
ઉપર નોંધ્યું એમ એ જમાનામાં મોટાભાગના અમેરિકનો ખેડૂતો હતા. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ચાલતી વસંતઋતુ ખેડૂતો માટે વાવેતરની મોસમ હતી. જૂન, જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ચાલતા ઉનાળામાં તેમણે ખેતરમાં કામ કરવું પડતું હતું. સપ્ટેમ્બર અને ઓક્ટોબરની પાનખર ઋતુ દરમિયાન તેઓ પાકની લણણી કરતા. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન તીવ્ર ઠંડી પડતી. એટલે બચ્યો એક નવેમ્બર જ, જેની શરૂઆતમાં ખેડૂતોને નવરાશ મળતી. નવેમ્બરમાં ચૂંટણી રાખવામાં આવે તો ખેડૂતોની ખેતીના સમય-ચક્રમાં ખલેલ પણ ન પડે અને કઠોર શિયાળો શરૂ થવામાં વાર હોવાથી મહત્તમ લોકો મતદાન કરવા ઘરની બહાર નીકળી શકે. આ કારણસર પ્રમુખ પદની ચૂંટણી માટે નવેમ્બર મહિનાના શરૂઆતનો સમય પસંદ કરવામાં આવ્યો.
આ પણ વાંચો : અમેરિકાની ચૂંટણીમાં કોની જીતથી ભારતને થશે ફાયદો? વિદેશ મંત્રી જયશંકરે આપી સ્પષ્ટતા
ખેડૂતોની અનુકૂળતાને આધારે વાર પસંદ કરાયો
ચૂંટણી માટે નવેમ્બર મહિનાના પહેલા મંગળવારની પસંદગીમાં અમેરિકનોની ધાર્મિક આસ્થા કારણભૂત બની હતી. એ જમાનામાં આજની જેમ ખૂબ બધા મતદાન મથકો નહોતા રખાતા. ગામડાંમાં રહેતા ખેડૂતોએ મતદન કરવા માટે માઈલો દૂર આવેલા મતદાન મથકે જવું પડતું. પેટ્રોલથી ચાલતાં વાહનોને અભાવે ઘોડાગાડીઓમાં મુસાફરી કરવાની થતી જેમાં દિવસો નીકળી જતા.
રવિવારે આ નડ્યું ને બુધવારે પેલું
મોટાભાગના અમેરિકનો ધાર્મિક હોવાથી રવિવારે ચર્ચમાં જતા. તેથી શનિ-રવિમાં મતદાન રાખવામાં આવે તો ચર્ચનું કામ છોડીને બહુ ઓછા લોકો મતદાન કરવા આવે. વળી, બુધવારના રોજ અમેરિકામાં બજાર ભરાતાં, જેમાં ખેડૂતો તેમની ઊપજ વેચવા જતા. તેથી, બુધવારનો દિવસ પણ મતદાન માટે યોગ્ય નહોતો.
આ કારણ હતું મંગળવારની પસંદગીનું
રવિવારનું ચર્ચ પતાવ્યા પછી લોકો સોમવારે મુસાફરી કરીને મંગળવાર સુધીમાં મતદાન મથકે પહોંચી જાય અને પછી મત આપીને બુધવાર સુધીમાં પોતાના ઘરે પરત ફરી શકે, એવી ગણતરીએ ચૂંટણી માટે મંગળવારની પસંદગી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અમેરિકાના રાજ્ય પાસે છે સત્તાની ચાવી! ગઈ વખતે છેલ્લી ઘડીએ ટ્રમ્પને આપ્યો હતો ઝટકો
પ્રથા જળવાઈ રહી
હવે તો ખેડૂતોની અનુકૂળતા સાચવવાની મજબૂરી નથી રહી, આધુનિક જમાનામાં બધા અમેરિકનો પાસે વાહનો છે અને મતદાન મથકો પણ ઝાઝા દૂર નથી હોતા, છતાં અગાઉથી ચાલી આવતી હોવાથી નવેમ્બરના પહેલા મંગળવારે જ ચૂંટણી યોજવાની પ્રથા અમેરિકામાં આજ સુધી જળવાઈ રહી છે.
વહેલા મતદાનની સુવિધા પણ છે
જે લોકો નવેમ્બરના પહેલા મંગળવારે મતદાન કરી શકે એમ ન હોય એવા લોકોની સુવિધા માટે અમેરિકામાં વહેલા મતદાનની સુવિધા પણ ઊભી કરવામાં આવે છે. ચૂંટણીનો દિવસ અનુકૂળ ન હોય એવા લોકો ટપાલ દ્વારા પણ મતદાન કરી શકે છે.