અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો, નિક્કી હેલીએ રેસમાંથી પીછેહઠ કરવાની ના પાડી
ભારતીય મૂળના ઉમેદવાર નિક્કી હેલી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો પડકાર બની ગયા છે
US President Election 2024 | અમેરિકામાં પણ ચાલુ વર્ષના અંતે રાષ્ટ્રપતિ(પ્રમુખ)ની ચૂંટણી યોજાવાની છે. જોકે તે પહેલા જ રિપબ્લિકન પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીનો જંગ રસપ્રદ બની ગયો છે. ભારતીય મૂળના ઉમેદવાર નિક્કી હેલી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો પડકાર બની ગયા છે. તેમણે ન્યૂ હેમ્પશાયરની પ્રાથમિક ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ટ્રમ્પ સામેથી ખસી જવાના ડોનાલ્ડ ટ્રમ્પની અપીલને પણ ફગાવી દીધી છે.
નિક્કી હેલી લડશે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી
નિક્કી હેલીએ રેસમાં ટકી રહેવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. એવી પણ ચર્ચા છે કે તે ટ્રમ્પના નોમિનેશનમાં અવરોધ બની શકે છે. એક મીડિયા સાથેની વાતચીતમાં હેલીએ તેમના નિર્ણયો પર ટ્રમ્પના પ્રભાવને નકારી કાઢતા કહ્યું કે ટ્રમ્પે તેમને જે કરવાનું કહ્યું તે તેમણે ક્યારેય કર્યું નથી. જ્યારે હેલીને પ્રાથમિક ચૂંટણી માટે તેમની અપેક્ષાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સફળતા માટે કોઈ માપદંડ નક્કી કરવાનું ટાળ્યું હતું.
નિક્કી હેલી હાલમાં ટ્રમ્પથી પાછળ
ન્યૂ હેમ્પશાયરની પ્રાથમિક ચૂંટણીમાં ટ્રમ્પથી ડબલ ડિજિટથી પાછળ રહ્યા બાદ પોતાની ઝુંબેશની વ્યવહાર્યતા પર હેલીએ કહ્યું કે મારા ભાગ્યના હિસાબે મને વધારે પોઈન્ટ ન મળ્યાં પણ મને લાગે છે કે મેં અન્ય ઉમેદવારો કરતાં સારું પ્રદર્શન કર્યું છે.