ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ, અમેરિકામાં રહેતા ભારતીયોની પહેલી પસંદ કોણ? જુઓ સર્વે

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
USA Election News


US Presidential election Survey: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને આડે 100 દિવસ પણ બાકી નથી. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટ હરીફ કમલા હેરિસ વચ્ચે શબ્દોના યુદ્ધએ અમેરિકાનો માહોલ બદલી નાખ્યો છે. અમેરિકન નાગરિકો તેમજ સમગ્ર વિશ્વનું ધ્યાન ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તા પર આવે તેના પર છે, જ્યારે બીજી બાજુ અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને રાષ્ટ્રપતિ બનવાની તક મળશે કે કેમ તેના પર પણ ધ્યાન કેન્દ્રિત છે. જોકે, કમલા હેરિસે મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે અમેરિકાના ઈતિહાસમાં વિશેષ સ્થાન હાંસલ કર્યું છે. હવે રાષ્ટ્રપતિ તરીકે તેમની જીતની અટકળો લગાવવામાં આવી રહી છે. તેમની પાર્ટી પણ અશ્વેત મહિલાને સર્વોચ્ચ પદ પર નિયુક્ત કરવા તૈયાર છે. પરંતુ તે પહેલા રિપબ્લિકન ઉમેદવારે કમલા હેરિસની વંશીય ઓળખ પર હુમલો કરીને આ ચૂંટણીને અમેરિકન વિરુદ્ધ બિન-અમેરિકન બનાવી દીધી છે.

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી સમગ્ર વિશ્વમાં લોકશાહીનું પોતાનું જ ઉદાહરણ રજૂ કરે છે. અહીં ભારતીયો સહિત એશિયન અને આફ્રિકન મૂળના નાગરિકોની વોટ બેન્ક ખૂબ જ મહત્ત્વની છે. જો આપણે આંકડા પર નજર કરીએ તો વર્ષ 2000 પછી ભારતીય અમેરિકન વસ્તીમાં લગભગ 150 ટકાનો વધારો થયો છે. અમેરિકામાં લગભગ 50 લાખ ભારતીય મૂળના લોકો રહે છે. રાજકીય રીતે ભારતીય અમેરિકનો ડેમોક્રેટિક પાર્ટી સાથે મજબૂતીથી ઉભા છે. છેલ્લી ચૂંટણીમાં, 72 ટકા ભારતીય અમેરિકન મતદારોએ જો બાઈડેનને મત આપ્યો હતો જ્યારે માત્ર 22 ટકા લોકોએ ટ્રમ્પને મત આપ્યો હતો.

ટ્રમ્પે કમલાને 'બ્લેક' કહ્યા

2024ની અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય મૂળ પણ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે, જેના પર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રહાર કરીને ચૂંટણીને નવો વળાંક આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર વંશીય ટિપ્પણી કરી હતી, જે બાદ કમલા હેરિસે પણ વળતો જવાબ આપ્યો હતો. કમલા હેરિસની ઉમેદવારી અંગે ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન લોકો તેમના કરતાં ઘણાં સારા છે. એટલે કે ટ્રમ્પે અમેરિકન રાષ્ટ્રવાદને આગળ લઈ જતા વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવ્યો હતો. કમલા અગાઉ પોતાને 'ભારતીય' મૂળના કહેતા હતા. અને અચાનક થોડા વર્ષો પહેલા તેમણે પોતાને 'બ્લેક' તરીકે પ્રોજેક્ટ કરવાની શરૂઆત કરી હતી. 

આ પણ વાંચોઃ ગૂગલ નહીં સુધરે તો...' અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગર્ભિત ધમકીથી ખળભળાટ

કમલાએ ટ્રમ્પને 'ઉગ્રવાદી' કહ્યા

કમલા હેરિસે પણ ડોનાલ્ડ ટ્રમ્પના આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. કમલા હેરિસે ટ્રમ્પને રૂઢિચુસ્ત, ભૂતકાળનો પ્રેમી અને જાતિવાદી જેવા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે અમેરિકામાં આ દિવસોમાં બે પ્રકારના દૃષ્ટિકોણ જોવા મળી રહ્યા છે. એક ભવિષ્યના એજન્ડા સાથે જોડાયેલો છે અને બીજો ઉગ્રવાદી છે જે માત્ર ભૂતકાળ તરફ જુએ છે. કમલાએ કહ્યું કે આજે અમેરિકાને એવા નેતાની જરૂર છે જે સત્ય બોલે, દુશ્મની ઓછી કરે, સામૂહિક શક્તિને ઉર્જાનો સ્ત્રોત માને અને વિભાજનકારી માનસિકતાને પ્રોત્સાહન ન આપે. અમેરિકન લોકો આ તફાવતને સારી રીતે સમજે છે. અને ચૂંટણીમાં જનતા આ મુદ્દે વિચારીને મત આપશે.

યુએસ ચૂંટણીનો તાજેતરનો સર્વે શું કહે છે?

કમલા હેરિસને હજુ સુધી ડેમોક્રેટ્સ તરફથી સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી, તેમ છતાં વર્તમાન પ્રમુખ જો બાઈડેનથી લઈને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સુધીના દરેકે કમલાની ઉમેદવારીને ટેકો આપ્યો છે. તેની લોકપ્રિયતા પણ છે. તે અમેરિકનો તેમજ એશિયન અને આફ્રિકન વંશના નાગરિકોમાં પ્રખ્યાત છે. અને શક્તિશાળી મહિલા પ્રતિનિધિ તરીકે ગણાય છે. તેથી, અત્યાર સુધીના મોટાભાગના સર્વે કમલા વર્સીસ ટ્રમ્પના નામે થઈ રહ્યા છે.

માત્ર ત્રણ દિવસ પહેલા કરવામાં આવેલા એક સર્વે મુજબ, કમલા હેરિસ લોકપ્રિયતામાં ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં બે ટકા આગળ છે. ટ્રમ્પને 42 ટકા લોકોએ પસંદ કર્યા છે જ્યારે કમલા હેરિસને 44 ટકા લોકોએ પસંદ કર્યા છે. અંદાજ કે કમલાની ઉમેદવારીની સત્તાવાર જાહેરાત બાદ આ અંતર વધી શકે છે. કમલા ઝડપથી આગળ વધી રહ્યા છે.

અન્ય સર્વેના ડેટા પણ દર્શાવે છે કે જો બાઈડેને કમલા હેરિસને આગળ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે. કમલાએ લેસર પોલમાં 3 ટકાની લીડ લીધી છે. સિવિક પોલમાં, તે 1 ટકાથી આગળ છે અને YouGov સર્વેમાં, તે 4 ટકાથી આગળ છે. જોકે, અન્ય બે સર્વેમાં ટ્રમ્પ કમલા કરતાં 2 ટકા આગળ છે. એટલે કે બંને વચ્ચેની સ્પર્ધા નિકટની હરીફાઈ બની રહી છે.

ભારતીય અમેરિકન કોની પસંદગી?

કમલા હેરિસે જે રીતે ભારતીય ઓળખથી દૂરી બનાવી છે તેના કારણે ભારતીય મૂળના સમુદાયમાં થોડી નિરાશા જોવા મળી રહી છે અને કેટલીક જગ્યાએ નારાજગી પણ જોવા મળી રહી છે. પરંતુ સર્વે દર્શાવે છે કે આમ છતાં કમલા હેરિસે મહત્તમ ભારતીય અમેરિકનોને એક કરવાનો પ્રયાસ કર્યો છે. આ એકતા તેમના માટે સકારાત્મક સંદેશો લાવી શકે છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારી વખતે પણ ભારતીય અમેરિકન સમુદાયનો એક મોટો વર્ગ તેમના સમર્થક તરીકે ઊભો હતો. માત્ર ભારતીયો જ નહીં પરંતુ એશિયન અને આફ્રિકન મૂળના અમેરિકન નાગરિકોનો એક મોટો વર્ગ રિપબ્લિકન પાર્ટીને બહુ પસંદ કરતો નથી. તેમના મતે રિપબ્લિકન અમુક અંશે લઘુમતી વિરોધી છે.

આ પણ વાંચોઃ કેનેડાનાં સરે શહેરમાં ખાલીસ્તાની એક્ટિવિસ્ટનાં ઘરમાંથી શસ્ત્રોનો વિશાળ જથ્થો પકડાયો

હકીકતમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની છબી એક આક્રમક નેતાની છે. મોટાભાગના અમેરિકનો માને છે કે અમેરિકાએ છેલ્લા બે દાયકા દરમિયાન આક્રમકતા બતાવીને પોતાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આજે અમેરિકાને એવા નેતાની જરૂર છે જે આપણા વર્તમાનની સાથે ભવિષ્યની પણ રક્ષા કરી શકે. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ આ અભિગમ વિશેષ મહત્ત્વ ધરાવે છે.

  ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ, અમેરિકામાં રહેતા ભારતીયોની પહેલી પસંદ કોણ? જુઓ સર્વે 2 - image


Google NewsGoogle News