BRICSને ધમકી, ભારત પર તાક્યું નિશાન... ટેરિફ બોમ્બ ફોડતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે શું-શું કહ્યું?
US President Donald Trump Press Conference: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રિસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી છે. ટેરિફની જાહેરાત કરતી વખતે, બ્રિક્સ દેશોને ચેતવણી આપવામાં આવી હતી અને ભારતને પણ નિશાન સાધ્યું હતું. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાની પણ વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 'રિસિપ્રોકલ ટેરિફથી નોકરીઓ વધશે, ઘણી વસ્તુઓના ભાવ ઘટશે અને ખેડૂતોને મદદ મળશે. ચીને આવું કર્યું છે, તેણે ઊંચા ટેરિફ લાદ્યા છે. જેનાથી રોજગારીનું સર્જન થયું. તે કહે છે કે તેમને કેનેડિયન ઉત્પાદનોની જરૂર નથી.'
ઓવર ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રિસિપ્રોકલ ટેરિફ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'આ એવું કંઈક છે જે ઘણાં વર્ષો પહેલા થઈ જવું જોઈતું હતું. ચીને આ કામ એવા સ્તરે કર્યું જે કદાચ પહેલાં કોઈએ જોયું નહીં હોય.'
'ભારત ઘણાં ઊંચા ટેરિફ વસૂલ કરે છે'
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'પરંપરાગત રીતે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે. કેટલાક નાના દેશો ખરેખર ઊંચા ટેરિફ વસૂલ કરે છે, પરંતુ ભારત ઘણાં ઊંચા ટેરિફ વસૂલ કરે છે. મને યાદ છે જ્યારે હાર્લી ડેવિડસન ભારતમાં તેમની મોટરસાયકલ વેચી શકતી ન હતી કારણ કે ભારતમાં કર ખૂબ ઊંચા હતા, ટેરિફ ખૂબ ઊંચા હતા અને હાર્લીને ત્યાં ઉત્પાદન કરવાની ફરજ પડી હતી. પરંતુ મને લાગે છે કે ટેરિફ ચૂકવવાનું ટાળવા માટે તેઓએ ભારતમાં એક ફેક્ટરી બનાવી હતી. અને આ જ લોકો આપણી સાથે કરી શકે છે, તેઓ ફેક્ટરી, પ્લાન્ટ અથવા બીજું કંઈ પણ બનાવી શકે છે. આમાં મેડિકલ, કાર, ચિપ્સ અને સેમિકન્ડક્ટરનો સમાવેશ થાય છે.'
'ભારતમાં વ્યવસાય કરવો મુશ્કેલ છે'
બ્લેર હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈલોન મસ્ક વચ્ચેની મુલાકાત પર પ્રતિક્રિયા આપતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે તેઓ ભારતમાં વ્યવસાય કરવા માંગે છે, પરંતુ ભારતમાં વ્યવસાય કરવો ખૂબ મુશ્કેલ છે. ત્યાં ટેરિફ સૌથી વધુ છે. તે વ્યવસાય કરવા માટે મુશ્કેલ સ્થળ છે. મને લાગે છે કે તે કદાચ તેને એટલા માટે મળ્યો હશે કારણ કે તે એક કંપની ચલાવે છે. તે એવું કંઈક કરી રહ્યો છે જેના વિશે તે ઘણા સમયથી ખૂબ જ ઉત્સાહિત છે."
ટ્રમ્પે બ્રિક્સ દેશોને આપી 100 ટકા ટેરિફની ધમકી
બ્રિક્સ દેશોને ફરી એકવાર ધમકી આપતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'ડોલરની સાથે રમવા પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે. જો બ્રિક્સ દેશ ડોલર સાથે મરશે તો તેમને 100 ટકા ટેરિફનો સામનો કરવો પડશે.'
'રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવવો જ જોઇએ'
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'યુક્રેન યુદ્ધનો અંત આવવો જ જોઇએ. આ યુદ્ધમાં બીજા વિશ્વયુદ્ધ પછી ક્યારેય ન જોવા મળેલા મોટા પાયે યુવાનોના મૃત્યુ થયા છે. આ એક હાસ્યાસ્પદ યુદ્ધ છે અને તેનો અંત આવવો જ જોઈએ. રશિયાના પ્રમુખ પુતિન અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી સાથે મારી સારી વાતચીત થઈ. કોઈએ કહ્યું, મારે પહેલા ઝેલેન્સકીને ફોન કરવો જોઈતો હતો. પણ મને એવું નથી લાગતું. મને ખબર છે કે ઝેલેન્સકી સોદો કરવા માંગે છે, કારણ કે તેણે મને આમ કહ્યું હતું. પણ હવે મને ખબર છે કે રશિયા સોદો કરવા માંગે છે.'
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'મને નથી લાગતું કે રશિયાની પરિસ્થિતિમાં કોઈ પણ દેશ તેમને નાટોમાં જોડાવાની મંજૂરી આપી શકે. મને એવું થતું દેખાતું નથી. મારું માનવું છે કે આ જ કારણ છે કે યુદ્ધ શરૂ થયું, કારણ કે પૂર્વ અમેરિકના પ્રમુખ જો બાઈડેને કહ્યું હતું કે યુક્રેન નાટોમાં જોડાઈ શકે છે અને તેમણે એવું ન કહેવું જોઈતું હતું. આ એક એવું યુદ્ધ છે જે જો ત્યારે હું પ્રમુખ હોત તો ક્યારેય ન થાત.'