ટ્રમ્પની પુતિનને ભાવુક અપીલ, કહ્યું- ‘યુક્રેનના સૈનિકો રશિયન સેનાથી ઘેરાયેલા, તેમને ન મારો’
Russia Ukraine War : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની તરફેણમાં ઊભા રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પે રશિયા સાથે વાતચીત માટે યુક્રેન પર દબાણ બનાવવાની પણ કોશિસ કરી અને હવે ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરેલી વાતચીતની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, 'થોડા દિવસ પહેલા પુતિન સાથે મારી બહુ સારી ચર્ચા થઈ અને આ વાતની સૌથી વધુ સંભાવના છે કે આ ભયાનક ખૂની સંગ્રામ અંતે સમાપ્ત થઈ શકે છે.' આ સાથે ટ્રમ્પે પુતિનને ભાવુક અપીલ કરી હતી કે, 'યુક્રેનના સૈનિકો રશિયન સેનાથી ઘેરાયેલા, તેમને ન મારો...'
ટ્રમ્પે શું કહ્યું?
ટ્રમ્પે સોશિયલ મીડિયા માધ્યમ 'ટ્રૂથ' પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, 'તાજેતરમાં જ અમે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફળદાયી ચર્ચા કરી હતી અને એવી પ્રબળ શક્યતા છે કે આ ભયંકર અને લોહિયાળ સંઘર્ષનો અંત આવી શકે છે. આ સમયે હજારો યુક્રેનના સૈનિકો રશિયન સેનાથી ઘેરાયેલા છે અને બહુ ખરાબ અને નબળી પરિસ્થિતિમાં છે. મે રાષ્ટ્રપતિ પુતિનને અપીલ કરી છે કે, આ સૈનિકોના જીવ બચાવવામાં આવે... આ એક ભયંકર નરસંહાર હશે, જે બીજા વિશ્વયુદ્ધ પછી ક્યારેય જોવા મળ્યો નથી.'
આ પણ વાંચો: ટ્રમ્પને ટેરિફ નીતિ ભારે પડી! યુરોપ-કેનેડાના ગાંઠતા નથી, ભારત-ચીન-રશિયા પણ એક થયા
યુદ્ધવિરામનો પ્રસ્તાવ
અગાઉ ટ્રમ્પે યુક્રેનમાં રશિયાના 30 દિવસના યુદ્ધવિરામના પ્રસ્તાવને આશાસ્પદ ગણાવ્યો હતો. જોકે, આ દરખાસ્તને અધૂરી પણ કહેવામાં આવી હતી. વાસ્તવમાં પુતિને કહ્યું હતું કે, 'તેઓ યુક્રેનમાં 30 દિવસના યુદ્ધવિરામ માટેના યુએસ પ્રસ્તાવ સાથે સૈદ્ધાંતિક રીતે સંમત છે, પરંતુ તેમની શરતો પર કામ કરવાની જરૂર છે.' તેમણે ભાર મૂક્યો હતો કે આનાથી કાયમી શાંતિ પુનઃસ્થાપિત થશે.